આજે 30 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ધોળકા-બગોદરા રોડ પર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. વાલથેરા ગામ નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3ના મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધોળકા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ધોળકા કોઠ પોલીસે તપાસ આદરી છે. આ અકસ્માતને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
ગુજરાતમાં આજે અનેક શહેરોમાં દિવસના મહત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. કેટલાક શહેરોમાં ગરમીનો પારો એક ડિગ્રી તો કેટલાક શહેરોમાં દોઢથી માંડીને 2 ડિગ્રી ગગડતા કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલ બુધવારની સરખામણીએ આજે એક ડિગ્રી ગરમી ઘટી છે. અમદાવાદમાં તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 39.8 ડિગ્રી, સુરતમાં 33.8 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરૂધ્ધ પ્રવૃત્તિ બદલ કચ્છ જિલ્લા કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા 15 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ લેવાયો નિર્ણય. 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા નેતાઓને.
સુરેન્દ્રનગરના હેન્ડલુમ ચોકમાં આંખમાં મરચુ છાટીને જીવલેણ હુમલો કરાયો છે. વેપારી પોતાની દુકાનમાં બેઠો હતો ત્યારે મહિલા સહિત બે લોકોએ કર્યો હુમલો. હુમલાની ઘટનાના cctv પણ સામે આવ્યા છે. હુમલામાં વેપારી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે. ભરબજારે હુમલો થતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. વેપારી પર હુમલો કરી હુમલાખોરો ફરાર હુમલાનું કારણ અંકબંધ.
સુરતમાં સવારે ચાલવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી ચેઈન – મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચે 3.38 લાખના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ શેખને દબોચ્યો છે. પાલ, અડાજણ, અશ્વિનીકુમાર વિસ્તારમાં એકલા ચાલતા સ્ત્રી-પુરુષોને એક્સેસ મોપેડ પર આવી ટાર્ગેટ કરતો હતો. મોપેડ પરથી ચેઇન અને મોબાઇલ ઝૂંટવી ફરાર થઈ જતો, 20 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. પોલીસે કબજે કરેલ મુદ્દામાલની કિંમત 3,38,545 થાય છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં સોનાનું પેન્ડન્ટ, બે આઈફોન સહિત 3 મોબાઈલ અને એક મોપેડનો સમાવેશ થાય છે. આરોપી સામે ઉધના, અડાજણ, ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયેલા છે. આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કુલ 4 સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યા છે.
અધ્યાપકો રજૂઆત કરવા પહોચતા ટેકનિકલ એજ્યુકેશન કમિશ્નર કચેરીને તાળા મરાયા. કમિશ્નર કચેરીમા અધ્યાપકો ધરણા ઉપર ઉતર્યા. જવાબદાર અધિકારી જવાબ આપે ના નારા સાથે વિરોધ અને ધરણા શરૂ કર્યા. કચેરીનો દરવાજા ખોલવા અંગે સુત્રોચાર કર્યા હતા. જો કચેરી ના દરવાજા ખોલવામાં નહીં આવે તો કાલે અધ્યાપકો હડતાળ ઉપર જવાની ચીમકી આપી છે.
ગુજરાતની 10 મનપામાં કોંગ્રેસનું વિપક્ષ નેતાનું પદ જોખમમાં આવ્યું છે. ‘માવળંકર રૂલ’ મુજબ વિરોધ પક્ષ બનાવવા માટે બેઠકોની ઘટ. કુલ બેઠકના 10 ટકા હોવું વિરોધ પક્ષ માટે અનિવાર્ય છે. લોકસભાના નિયમોનું કડક પાલન થાય તો પદ છીનવાઈ શકે. વડોદરા, સુરત, રાજકોટમાં વિપક્ષ નેતાનું પદ મળવું મુશ્કેલ રહેશે. અમદાવાદ, ભાવનગર, આણંદ, વાપીમાં વિપક્ષનું પદ કોંગ્રેસને મળશે. નિયમ મુજબ 55 બેઠક વગર વિપક્ષ નેતા ના બનાવી શકાય.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, પતિએ આત્મહત્યા કરતાં પહેલા એક વીડિયો બનાવી પત્ની સહિત અન્ય કેટલાક લોકોના નામ લીધા હતા. ઘટનાના પગલે રાણીપ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે, જ્યારે તે બનાવ બાદ ફરાર થઈ ગઈ હતી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પત્નીએ પૈસા પડાવી લીધા હતા અને વારંવાર આપઘાત કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતી હતી. સાથે જ પત્ની પર અનેક આડા સંબંધ હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા છે. હાલ પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે.
Ahmedabadના વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલાં થયેલી એક યુવતીની હત્યાના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ક્રાઈમબ્રાંચ દ્વારા કરાયેલા ખોદકામ દરમિયાન યુવતીના શરીરના અસ્થિઓ મળી આવ્યા છે, જેને વધુ તપાસ માટે FSL અને DNA પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. માહિતી મુજબ ક્રાઈમબ્રાંચે JCB મશીનની મદદથી આરોપી શમસુદ્દીનના ઘર બહાર ખોદકામ કર્યું હતું, જેમાંથી આ અસ્થિઓ બહાર આવ્યા હતા. હવે FSL અને DNA રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
Rajkotમાં સતત વધી રહેલા તાપમાનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા એલર્ટ થઈ છે અને નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જેના કારણે જનજીવન પર અસર પડી રહી છે. મનપા દ્વારા લોકોને ખાસ કરીને બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ બપોરના સમયે શ્રમિકોને ભારે કામ ન કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી ગરમીજન્ય બીમારીઓથી બચી શકાય. તંત્રએ લોકોને પૂરતું પાણી પીવું, સૂર્યપ્રકાશથી બચવું અને જરૂર પડે ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે, કારણ કે હાલની ગરમી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
Dwarka જિલ્લામાં ફરીવાર ગેરકાયદે ધાર્મિક દબાણો સામે પ્રશાસન એક્શનમાં આવ્યું છે. ઓખા-જામનગર નેશનલ હાઈવે પર લાંબા સમયથી થયેલા ધાર્મિક દબાણોને દૂર કરવા માટે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન અંદાજે 93 લાખ રૂપિયાની કિંમતના દબાણોને હટાવવામાં આવ્યા હતા, જે આશરે 532 ચોરસ મીટર જમીન પર ફેલાયેલા હતા. અધિકારીઓની હાજરીમાં આ સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા જણાવાયું છે કે ભીમરાણા વિસ્તારમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ કાફલો સજ્જ રાખવામાં આવ્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે દબાણો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
Chhota Udaipur જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે એક વૃદ્ધ મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરાયેલ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા લૂંટારુઓએ એકલતાનો લાભ લઈ ઝૂંપડામાં રહેતી મહિલાને નિશાન બનાવી નિર્દયી રીતે હત્યા કરી હતી. માહિતી મુજબ લૂંટારુઓએ મહિલાના ચાંદીના કડા ચોરવા માટે અત્યંત ક્રૂરતા દાખવી, જેમાં મહિલાના બંને પગ કાપી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે. ઘટના બાદ આરોપીઓ ચાંદીના કડા લઈને ફરાર થઈ ગયા હતા.
બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચૂંટણીને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે, જ્યાં પાતળીયા દૂધ મંડળી પર પશુપાલકોનું દૂધ લેવા ઇનકાર કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મંડળીના સભ્ય અને સરપંચે ચૂંટણીમાં મત ન આપવાના કારણે બદલો લેવા માટે દૂધ સ્વીકાર્યું નથી. આશ્ચર્યજનક રીતે, ગામલોકોનો દાવો છે કે તેઓએ 60 ટકાથી વધુ મત ભાજપને આપ્યા હોવા છતાં પણ તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો. આ ઘટનાથી રોષે ભરાયેલા પશુપાલકો દૂધ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
ભાવનગરમાં મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પ્રથમ ટર્મ માટે સામાન્ય મહિલા ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે વિવિધ મહિલા નેતાઓ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. મેયર પદ માટે જ્ઞાતિગત સમીકરણો પણ મહત્વના બન્યા છે. ક્ષત્રિય, બ્રાહ્મણ અને પટેલ સમાજની મહિલા નેતાઓના નામો ચર્ચામાં આગળ આવી રહ્યા છે, જેના આધારે પાર્ટીમાં સંતુલન સાધવાની કવાયત ચાલી રહી છે. ચર્ચામાં આવેલા નામોમાં વર્ષાબા પરમાર, હીરાબેન કુકડીયા, દક્ષાબેન ભટ્ટ અને શીતલબેન જોશીનો સમાવેશ થાય છે. પાર્ટી સ્તરે અંતિમ નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે તેવી શક્યતા છે, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
Suratમાં થયેલા SBI બેંક લૂંટ કેસમાં પોલીસ તપાસ દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. 50 લાખ રૂપિયાની લૂંટના આ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં લૂંટારૂઓએ બેંકની એલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા ન હોવા છતાં પણ એલાર્મ ન વાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ બેંક સ્ટાફને એલાર્મ કેવી રીતે કાર્ય કરે છે તેની પૂરતી જાણકારી નહોતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ રહી ગઈ હતી. ત્રણ વાર બટન દબાવ્યા છતાં એલાર્મ સિસ્ટમ સક્રિય ન થઈ હોવાનું પણ સામે આવ્યું છે. લૂંટારૂઓ રોકડ અને મોબાઈલ લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ ઘટનામાં આરોપીઓ “મિસ્ટર ઇન્ડિયા”ની જેમ ગાયબ થઈ જતા પોલીસ માટે પડકાર ઉભો થયો છે. તપાસ માટે 8થી વધુ પોલીસ ટીમો દ્વારા 200થી વધુ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને પલસાણા સુધી તપાસ હાથ ધરવામાં આવી હોવા છતાં લૂંટારૂઓ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે.
Navsariમાં મેયર પદને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કવાયત શરૂ થઈ છે. પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક પર પુરૂષ ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. પાર્ટી વર્તુળોમાં મળતી માહિતી મુજબ અશોક ધોરાજીયાનું નામ મેયર પદ માટે સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. તેમને અનુભવી અને સંગઠનના માહેર કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે. અશોક ધોરાજીયાએ દક્ષિણ ગુજરાતના સંગઠન માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે પાર્ટીમાં તેમના નામને લઈને સહમતિ બનવાની શક્યતા વધુ મજબૂત બની રહી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠક 6 મેથી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે, જેમાં મનપા, નપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વના પદો માટેના નામો પર નિર્ણય લેવાશે. બેઠક પહેલાં તમામ જિલ્લાઓમાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે, જે 1 થી 3 મે દરમિયાન શહેર અને જિલ્લાઓમાં યોજાશે. 15 મહાનગરપાલિકાઓમાં મેયરની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા કાર્યકરો અને આગેવાનોની અભિપ્રાય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ આગેવાનો સાથે ચર્ચા કરીને સેન્સ લેવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોને લઈને પણ આ પ્રક્રિયા અંતર્ગત અંતિમ અભિપ્રાય એકત્રિત કરવામાં આવશે, જેના આધારે પાર્ટી અંતિમ નિર્ણય કરશે.
Dwarka જિલ્લામાં ફરી એકવાર ધાર્મિક દબાણો સામે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓખા-જામનગર નેશનલ હાઈવે પર કરવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.અધિકારીઓની હાજરીમાં ચાલેલી આ કાર્યવાહીમાં બુલડોઝરનો ઉપયોગ કરીને દબાણો હટાવવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરકાયદે દબાણો સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે અને જાહેર માર્ગો પર કોઈપણ પ્રકારના અડચણરૂપ બાંધકામોને સહન કરવામાં આવશે નહીં.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ST બસ ડેપોમાં ફિલ્મી ઢબે બસ ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડેપોના વર્કશોપમાંથી એક અજાણ્યો શખ્સ બસ લઈને ફરાર થઈ ગયો હતો. ઘટના 28 એપ્રિલની સાંજે બની હોવાનું જાણવા મળ્યું છે. બસની ચોરી થતાં ડેપો તંત્ર અને પોલીસ કાફલામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ બસ લઈને ડેપોમાંથી ફરાર થઈ, ઝાડીઓ વચ્ચે બસને બિનવારસી હાલતમાં મૂકીને પોતે ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન લગભગ ત્રણ કલાક બાદ કઢૈયાની સીમ વિસ્તારમાંથી બસ મળી આવી હતી. આ સમગ્ર મામલે ડેપો મેનેજરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Morbi શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાઈ ગઈ છે. આલાપ રોડ પર તિરુપતિ નગર સોસાયટીમાં રહેતા હોટલ સંચાલક અશ્વિન બોપલિયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ વ્યાજખોરોના સતત દબાણને કારણે આ પગલું ભરાયું હોવાનું આક્ષેપ કર્યો છે. અશ્વિન બોપલિયાએ કુલ 37.50 લાખ રૂપિયાના ઉધાર સામે 75 લાખથી વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં, વ્યાજખોરોએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે તેમને 11 વિઘા જમીન અને સોનાના દાગીના પણ વેચવા પડ્યા હતા, છતાં વ્યાજખોરોએ મકાનના દસ્તાવેજ અને મોબાઈલ પણ છીનવી લીધા હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયા પછી, એક્ઝિટ પોલની આગાહીઓ જાહેર કરવામાં આવી છે. મોટાભાગના સર્વેક્ષણો બંગાળમાં ભાજપ સત્તામાં આવતા દર્શાવે છે. કેટલાક તો નજીકની સ્પર્ધાની આગાહી પણ કરે છે. પીપલ્સ પલ્સ સર્વેક્ષણમાં ભાજપને 95 થી 110 બેઠકોની જીતની આગાહી કરવામાં આવી છે. આસામ વિશે, બધા સર્વેક્ષણો ભાજપની જીતની આગાહી કરે છે. તમિલનાડુમાં, મોટાભાગના સર્વેક્ષણો DMK+ ની જીતની આગાહી કરે છે. તેવી જ રીતે, કેરળમાં, મોટાભાગના સર્વેક્ષણો LDF ની જીતની આગાહી કરે છે, જ્યારે પુડુચેરીમાં, ફરી એકવાર ભાજપ ગઠબંધન સરકારની અપેક્ષા છે. બંગાળમાં 294 બેઠકો, તમિલનાડુમાં 234, આસામમાં 126, કેરળમાં 140 અને પુડુચેરીમાં 30 બેઠકો પર મતદાન થયું. તમિલનાડુમાં, બધી 234 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું. આસામ, કેરળ અને પુડુચેરીમાં, બધી બેઠકો માટે એક સાથે મતદાન થયું. બંગાળમાં, ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પરિણામો 4 મેના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.
Published On - 7:29 am, Thu, 30 April 26