આજે 02 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગાંધીનગર હિંમતનગર હાઇવે પર છાલા બ્રિજ નજીક ઘટના બની. ડમ્પરની પાછળ કાર ઘુસી જતા કારચાલક કારમાં ફસાયો હતો. કારનો આગળનો ભાગ કાપીને ચાલકને બહાર કઢાયો. કાર ચાલકને બંને પગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો
એક તરફ દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. નેતાઓ પણ હાથમાં સાવરણો પકડી સફાઇ કરી રહ્યા છે… પરંતુ દાહોદના લીમડીમાં તમે આવો તો સ્વચ્છતા ક્યાં છે તે તમારે શોધવું પડે… કેમકે અહીં માછણ નદીના કિનારે આવેલી ડમ્પિંગ સાઇટને કારણે લોકોના આરોગ્ય પર ઉભું થયું છે જોખમ… સતત ઠલવાઇ રહેલા કચરાને કારણે લીમડીના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે… પરંતુ તંત્રને ડમ્પિંગ સાઇટ દૂર કરવાની નથી કોઇ દરકાર…
સાબરકાંઠામાં ટામેટા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. 200 રૂપિયા કિલો વેચાતા ટામેટાનો ભાવ 20 રૂપિયા કિલો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હિમતનગરમાં ખેડૂતોએ ટામેટાની ખેતી મોટા પાયે કરી.
મહારાષ્ટ્રની નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી હતી. જાણો આ મામલે સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું શું કહેવું છે.
કંડલા અને મુદરા અદાણી પોર્ટની બંદરિય પ્રવૃતિથી ધમધમતું આયોજનબદ્ધ શહેર ગાંધીધામ હાલે ગંકદીધામ બની ગયું છે. વર્ષોથી નગરપાલિકાના અસક્ષમતાએ આ શહેર, શહેરીજનો અને મુલાકાતે આવનારા તમામ માટે ગાંધીધામ ગંદુ અને ગંદકીધામની ઓળખ ઉભી કરી લીધી છે પણ હવે દિનદયાલ પોર્ટ કંડલાના નૈતિક સહયોગે આજે નગરપાલિકા અને પોર્ટ પ્રશાસન વચ્ચે સફાઈની દિશામાં મહત્વના કદમ મંડાયા છે અને બન્ને પક્ષોએ એમઓયુ કરાર કરીને શહેરની દેશના પ્રથમ નંબરના શહેર ઈન્દોરની તર્જ પર સફાઈની સમસ્યા ઉકેલી દેશભર માટે એક નમુનારૂપ કામગીરીની શરૂઆત કરી છે.
પંચમહાલમાં ઘોઘંબાના રાજગઢ પોલીસ સ્ટેશનનો જીઆરડીનો જવાન લાંચ લેતાં ઝડપાયો છે. રૂ 8000ની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાયો. ફરિયાદી વિરુદ્ધ થયેલ અરજીની પતાવટ માટે લાંચ માગી હતી. રાજેશ બારીયા નામનો જીઆરડી જવાન ઝડપાયો.
રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ 2 વ્યક્તિના મોત થયા છે. રાશીદ ખાન (ઉવ.34) અને રાજેશ ભૂત (ઉવ.45) નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રે સૂતા બાદ રાશીદ ખાન સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજેશ ભૂત નામની વ્યક્તિને ખોરાણા ગામ ખાતે આવેલ વાડીએ બેભાન થઈ જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠામાં અજાણ્યા વાહનની ટક્કરે દિપડાનુ મોત થયું છે. બેરણા ઓવર બ્રિજ નજીક હાઈવે પર દીપડાનુ મોત થયું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
સુરતના કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે પર આઇસરની અડફેટે રાહદારીનું મોત થયું છે. આઇસર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. મૃતકની ઓળખ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હાલના સમયમાં હૃદય રોગની બીમારી એક બહુ મોટી સમસ્યા બની ગઈ છે. ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બદલાયેલી જીવન શૈલીથી હૃદય રોગનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં ગંભીર કહેવાય તેવા હૃદય રોગના રોગીઓની સંખ્યા તો ચિંતાજનક રીતે વધી રહી છે. આજકાલ તો યુવાનોમાં પણ હાર્ટએટેકનું પ્રમાણ વધી ગયું છે. ભાવનગર જિલ્લામાં 2022-૨૩ ના વર્ષમાં આરોગ્ય વિભાગ એ જાહેર કરેલા આંકડા મુજબ કુલ 4,526 લોકોના મોત થયા છે અને તે પૈકી એકલા હાર્ટ એટેકથી જ 25.87 ટકા એટલે કે 26% લોકોએ જીવન ગુમાવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં યુથ કોગ્રેસના કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો છે. સુરેન્દ્રનગર પાલીકામાં કચરો ઠાલવી વિરોધ કર્યો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાલે નેતાઓએ ફોટો સેસન કરી ઉજવણી કરી હોવાની વાત કરી હતી. પરંતુ શહેરમાં કચરાના ઢગલા અને ગંદકી જેમની તેમ હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કચરો એકઠો કરી પાલીકાની કચેરીમાં ઠાલવ્યો હતો.
સોમવારે આસામ, ત્રિપુરા, મેઘાલય અને ઉત્તર બંગાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબા ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી છે. મહત્વનુ છે કે અત્યાર સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર નથી.
કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સેના સંબંધિત મુદ્દા ઉઠાવીને કેન્દ્રને ઘેરવાનો પ્રયાસ કરશે. આ માટે કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ગુપ્તકાશીથી કેદારનાથ જઈ રહેલા ટ્રાન્સ ઈન્ડિયા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર જૂની ગરુડ ચટ્ટી પાસે લેન્ડ થયું છે. હેલિકોપ્ટરમાં પાંચ લોકો સવાર હતા. દરેક વ્યક્તિ સુરક્ષિત છે.
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના એક ગામમાં પરસ્પર વિવાદ બાદ છ લોકોની હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળ જૂની અદાવત અને જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે. 6 લોકોની હત્યા બાદ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 6 લોકોની હત્યાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પીડિતાના પરિવાર અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Ahmedabad : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) વિદાય વચ્ચે રોગચાળો (Epidemic) માથુ ઉચકતો જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ડેન્ગ્યૂના રેકોર્ડબ્રેક 3,334 કેસ નોંધાયા છે. માત્ર દોઢ જ માસમાં ડેન્ગ્યૂના (Dengue) કેસમાં ચાર ગણો વધારો થયો છે. તો બીજી તરફ આશ્ચર્યજનક રીતે ચિકનગુનિયાના કેસમાં દોઢ ગણો વધારો થયો છે.
રાજકોટમાં ટ્રાફિક વોર્ડને જ ટ્રાફિના નિયમો નેવે મૂકીને હેડ કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો છે, નશામાં ધૂત ટ્રાફિક વોર્ડન પ્રતીક વવેચાએ પૂરઝડપે કાર હંકારીને પોલીસ કમિશનરના બંગલે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરને કચડવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાને પગલે હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરે ફરિયાદ નોંધાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગ્વાલિયરની મુલાકાતે છે. તેઓ બપોરે 3 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. આ પછી, તેઓ બપોરે 3.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મેલા ગ્રાઉન્ડ પર પહોંચશે અને શિલાન્યાસ, ભૂમિપૂજન અને વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે.
પીએમ નરેન્દ્ર મોદી અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. આ પછી તેઓ સાંજે 5.25 વાગ્યે ગ્વાલિયરથી દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી અહીં 19 હજાર કરોડ રૂપિયાના કામોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ ગ્વાલિયર સુમાવલી ટ્રેક પર ટ્રેનને લીલી ઝંડી આપશે.
દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. આજે મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ છે.
દરિયાપુર મનપસંદ જીમ ખાનામાં ફરી એક વખત રેડ પાડીને ક્રાઇમ બ્રાંચે 25 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મનપસંદ જીમખાનાની આડમાં જુગારનો અડ્ડો ચલાવનાર ગોવિંદ ઉર્ફે ગામમાં પટેલની ધરપકડ કરાઈ છે. પોલીસના ડરથી જુગારમાં હાર-જીતનો હિસાબ પછી કરતા હતા
ક્રાઇમ બ્રાંચે જુગારનો હિસાબની ચિઠ્ઠીઓ, રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જણાવવું રહ્યું કે એક અઠવાડિયામાં બીજી વખત ક્રાઇમ બ્રાંચે દરિયાપુર મનપસંદ જીમ ખાનામાં રેડ કરી છે. અગાઉ સ્ટેટ મોંનટરિંગ સેલે રેડ કરી 180 જેટલા જુગારીઓ સાથે લાખોનો મુદ્દામાલ પકડ્યો હતો
અત્યાર સુધી 12 વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયો છે. કલાકો સુધી અધ્યયન અને રણનીતિ બનાવવાને લઈ ભાજપની ટોચની નેતાગીરી બેઠકોનો દોર કરી રહી છે. ખાસ કરીને રાજસ્થાન અને છત્તીસગઢ માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોર ગ્રુપની બેઠક યોજી હતી.
જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મળતી માહિતિ પ્રમાણે અમિત શાહની સાથે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયા પણ ઉપસ્થિત હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બેઠકમાં રાજસ્થાનના ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય પણ બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક સાંજે શરૂ થઈ જે મોડી રાત સુધી ચાલુ રહી હતી.
Bank Holidays in October 2023 : ઓક્ટોબરનો નવો મહિનો શરૂ થઇ ગયો છે. દેશની કેન્દ્રીય બેંક RBIએ ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરી છે. ઓક્ટોબર મહિનામાં બેંકો એક-બે દિવસ નહીં પરંતુ કુલ 16 દિવસ માટે બંધ રહેશે. આમાં સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. આજે સપ્તાહનો પહેલો દિવસ હોવા છતાં બેંક ખુલશે નહીં.
London News: છત્રપતિ શિવાજી મહારાજનું પ્રખ્યાત વાઘની નખ ‘વાઘ નો પંજો’ હથિયાર 350 વર્ષ બાદ બ્રિટનથી ભારત પરત લાવવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા 1659માં બીજાપુર સલ્તનતના જનરલ અફઝલ ખાનને હરાવવા અને દગો આપનાર અફઝલને હરાવવા માટે કરવામાં આવ્યો હતો. તે નવેમ્બરમાં લંડનથી મહારાષ્ટ્ર પરત આપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ છે.
Rajkot: રાજકોટના ખોડલધામમાં યોજાયેલ કન્વિનર મીટમાં નરેશ પટેલે પાટીદાર યુવાનોને હુંકાર કર્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે,, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડ જેટલી વસ્તી છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગુ થવું. પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડા ચડાવતા થયા છે. મૂછોના આંકડા રાખવા અને જરૂર લાગે ત્યાં તેનો ઉપયોગ પણ કરવો.
Jamnagar : કાલાવડ-જામનગર હાઇવે પર એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. મોટી માટલી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તો બે વ્યક્તિની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયા છે.
Ahmedabad: અમદાવાદની શિવરંજની સોસાયટીમાં PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ. PGમાં રહેતી યુવતીઓ ટૂંકા કપડા પહેરી સોસાયટીમાં ફરતી હોવા મુદ્દે સ્થાનિક મહિલાઓ સાથે બોલાચાલી થઈ. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે PGની યુવતી ટૂંકા કપડા પહેરીને મોડી રાત્રે ગમે ત્યારે આવ-જા કરે છે. યુવતીઓએ આક્ષેપ કર્યો કે સ્થાનિકો વારંવાર ટોર્ચર કરીને ઝપાઝપી કરે છે. સેટેલાઈટ પોલીસે બંને પક્ષની અરજી લઈને તપાસ હાથ ધરી છે.
Published On - 6:33 am, Mon, 2 October 23