28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, રાજ્યના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં ખાબક્યો સવા 4 ઇંચ વરસાદને નુકસાન

Gujarat Live Updates : આજે 28 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, રાજ્યના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં ખાબક્યો સવા 4 ઇંચ વરસાદને નુકસાન
| Edited By: | Updated on: Sep 28, 2025 | 9:50 PM

આજે 28 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Sep 2025 09:01 PM (IST)

    રાજ્યમાં દશેરા સુધી વરસાદી માહોલની આગાહી

    રાજ્યમાં દશેરા સુધી વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.  રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે.  બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મજબૂત થઈ છે.  હાલ મહારાષ્ટ્ર પર લૉ-પ્રેશન વધુ મજબૂત બની શકે છે. આગામી 24 કલાકમાં સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.
    આ વરસાદ ગાજવીજ સાથે તોફાની રહેવાની શક્યતા છે. 2025ના ચોમાસાના વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે.

  • 28 Sep 2025 08:45 PM (IST)

    સુરેન્દ્રનગરના પાટડી અને જૈનાબાદમાં ભારે વરસાદ

    સુરેન્દ્રનગરના દસાડા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. પાટડી અને જૈનાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ વરસ્યો. ગામની બજારોમાં ધસમસતા વરસાદી પાણી વહેતા થયા.  વરસાદના કારણે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવો ઘાટ સર્જાયો.


  • 28 Sep 2025 08:30 PM (IST)

    અમદાવાદમાં વરસાદને પગલે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા

    આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો.. અને સૌથી વધુ અસર ગરબાના આયોજન પર જોવા મળી.. વરસાદથી ગરબાના ગ્રાઉન્ડોમાં પાણી ભરાઈ ગયા.. શહેરના રિંગરોડ, શેલા, શીલજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકતા ખેલૈયાઓની સાથે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા. લાખો-કરોડોના ખર્ચ પર પાણી ફરી વળ્યા જેવી સ્થિતિ સર્જાતા આયોજકોએ વરસાદ બંધ રહે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા.

  • 28 Sep 2025 08:15 PM (IST)

    વિરમગામ અને માંડલમાં મેઘરાજાની ધમાકેદાર જમાવટ

    આ તરફ અમદાવાદના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. વિરમગામ, માંડલ સહિત આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી માહોલ જામ્યો હતો વિરમગામ અને માંડલ પંથકના ગામોમાં વરસાદી જમાવટ જોવા મળી હતી.

  • 28 Sep 2025 07:55 PM (IST)

    જાંબુઘોડાની સૂકી નદી ગાંડીતૂર થઈ

    પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડાની સૂકી નદી ગાંડીતૂર થઈ. જંગલ વિસ્તારમાં 2 ઇંચ વરસાદથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. નદી ગાંડીતૂર થતા લોકોને નદીકાંઠેથી દૂર રહેવા સૂચના અપાઈ છે.

     

  • 28 Sep 2025 07:37 PM (IST)

    વલસાડમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર, ડૂબી ગયા કઝવે

    વલસાડના ઉપરવાસમાં મેઘાના પ્રચંડ આક્રમણથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જેના કારણે નાની કોસબાડી અને મોટી કોસબાડી ગામનો કોઝવે પાણીમાં ડૂબ્યો હતો. કોઝવે પરથી પાણીનો પ્રવાહ પ્રચંડ વેગે વહેતો થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ડેરીમાં દૂધ ભરાવવા જતા પશુપાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી.  તો કેટલાક સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરતા નજરે પડ્યા હતા.

     

  • 28 Sep 2025 07:20 PM (IST)

    અંબાજીમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન

    દક્ષિણ અને મધ્યની સાથે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ. અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ. દિવસભર ગરમીના ઉકળાટ બાદ. સાંજે ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર નદી માફક પાણી વહેતા થયા. અંબાજી મંદિર આસપાસના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા નજરે પડ્યા. તો બીજી તરફ વરસાદના કારણે આજે મંદિરના ચાચર ચોકમાં ખેલૈયાઓના નોરતાના ઉત્સાહમાં પણ ભંગ પડ્યો..

  • 28 Sep 2025 07:05 PM (IST)

    ગાંધીનગરના માણસામાં મેઘરાજાએ રમઝટ બોલાવી

    ગાંધીનગરના માણસામાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી અને ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાયા. થોડા વરસાદમાં જ પાણી ભરાવવાની સમસ્યાથી લોકોએ હાલાકી ભોગવાનો વારો આવ્યો. વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહન ચાલકોએ પણ મુશ્કેલી ભોગવી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, માણસામાં આડેધડ રસ્તાઓ પર ખોદકામના કારણે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે.

  • 28 Sep 2025 06:45 PM (IST)

    ભરૂચ શહેરમાં મોડીરાતથી જ અનરાધાર વરસાદ

    ભરૂચઃ શહેરભરમાં મોડીરાતથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સેવાશ્રમ માર્ગ, પાંચબત્તી,કસક સર્કલમાં પાણી ભરાયા છે.  તો નવરાત્રિના આયોજનો પર પણ પાણી ફરી વળ્યુ છે. શહેરના મોટાભાગના પાર્ટીપ્લોટમાં પાણી ભરાયા છે.

  • 28 Sep 2025 06:28 PM (IST)

    અમરેલીઃ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

    અમરેલી ઍરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા ટળી છે. લેન્ડીંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયુ હતુ. ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન રનવે પરથી ઉતરી જતા  અફરાતફરી મચી જવા પામી હચી. એક વર્ષની અંદર આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. જો કે ઘટનામાં ટ્રેનિંગ પાયલટનો આબાદ બચાવ થયો છે. અગાઉ ગિરીયા વિસ્તારમાં પ્લેન ક્રેશને કારણે એક વ્યક્તિનું મોત થયુ હતુ.

  • 28 Sep 2025 06:15 PM (IST)

    નર્મદા: જિલ્લાભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

    રાજ્યભરમં આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયુ છે.  નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી. સૌથી વધુ ડેડીયાપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સાગબારામાં 2 ઈંચ અને નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો. આ તરફ ગરૂડેશ્વર, તિલકવાડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી કરજણ ડેમમાં પાણીની ધરખમ આવક થઈ. કરજણ ડેમમાંથી 32 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે.

  • 28 Sep 2025 05:57 PM (IST)

    જામનગરમાં માથા પર સળગતી ઈંઢોણી લઈને રમ્યા રાસ

    જામનગરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન અર્વાચીન ગરબાની ધુમ વચ્ચે એક એવા અનોખા પ્રાચીન ગરબા છે. જેને જોઈ લોકો દંગ રહી જાય છે. માથા પર સળગતી ઈંઢોણી લઈને યુવાનો પ્રાચીન રાસ રમે છે.  4 દાયકાથી પ્રાચીન ગરબા રમવામાં આવે છે અને દર વર્ષે નવરાત્રિમાં પરંપરાગત ઈંઢોણી રાસ રમાય છે. પંચેશ્વર ટાવર પાસે જયશ્રી ચામુડા યુવક કુમારીકા ગરબી મંડળે છેલ્લા 50 વર્ષથી પરંપરા જાળવી રાખી છે. અહી સળગતી ઈંઢોણી સાથે યુવાનો આશરે 15 મીનીટ સુધી સતત રાસ રમે છે. માથા પર માટીનો લેપ લગાડી તેમાં વાટ,કપુર,તેલ,ધુપ ગુગળ સહીતની વસ્તુઓથી ઈંઢોણી તૈયાર થાય છે. તેના પર ગરબો મૂકી ગરબાને પ્રગટાવવામાં આવે છે. યુવકો આ રાસ પુરી શ્રધ્ધા સાથે કરતા હોવાના કારણે આજદિન સુધી કોઈ પણ ખેલૈયાને માતાજીની અસીમ કૃપાથી અકસ્માત કે કોઈ ઇજા થઇ નથી.

  • 28 Sep 2025 05:37 PM (IST)

    સુરત: ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક

    સુરત: ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ડેમના 10 દરવાજા 6 ફુટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. હાલ ડેમમાં 81 હજાર 396 ક્યુસેક પાણીની આવક થઈ છે . ડેમમાંથી હાલ 1.33 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફુટે પહોંચી છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 344.11 મીટરની સપાટી પર પહોંચી છે.

     

  • 28 Sep 2025 05:17 PM (IST)

    ગીર સોમનાથ: વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ મુકાયું

    રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ગીરસોમનાખથના વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક બંદરો પર માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

  • 28 Sep 2025 05:00 PM (IST)

    નવરાત્રિના અંતે પણ આવી શકે વરસાદનું વિઘ્ન

    રાજ્યમાં નવરાત્રિના અંતે પણ વરસાદ વિઘ્ન બની શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ આવવાની વકી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 6 થી 8 ઈંચ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપડા પડી શકે છે.

     

  • 28 Sep 2025 04:46 PM (IST)

    અમદાવાદ: સાત માળની બિલ્ડિંગ પરથી પટકાતા 2 શ્રમિકના મોત

    અમદાવાદ: 7 માળની બિલ્ડિંગ પરથી પટકાતા 2 મજૂરના મોત થયા છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ વિશ્વકુંજ એપાર્ટમેન્ટમાં આ હચમચાવીને રાખી દેનારી દુર્ઘટના સર્જાઈ છે. ફ્લેટના ધાબા પર હોર્ડિંગ લગાવવાની  કામગીરી ચાલી રહી હતી. એ સમયે જ 3 મજૂર જમીન પર પટકાયા હતા. જેમા પૈકી 2 મજૂરના મોત થયા છે. જ્યારે એક ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, વીજ થાંભલાના વાયરોને હોર્ડિંગ અડી જતા વાયરો તૂટી પડ્યા હતા. ત્યારે સેફ્ટી સાધનો વિના જ શ્રમિકોને કોની પરવાનગીથી ઉપર ચડાવવામાં આવ્યા તે સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ હાલ સીસીટીવી ફુટેજ પણ છુપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

  • 28 Sep 2025 04:36 PM (IST)

    મહિસાગરના સંતરામપુરના ચીતવા ગામે અજગર આવી જતા ફફડાટ

    મહીસાગરના સંતરામપુરના ચિતવા ગામે ખેતરમાં અજગર દેખાતા ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરતા. બન્નેની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચીને 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યું. અને બાદમાં જંગલ વિસ્તારમાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો. અજગરના રેસ્ક્યૂ બાદ ગ્રામજનોએ રાહત શ્વાસ લીધો હતો.

  • 28 Sep 2025 04:16 PM (IST)

    અમદાવાદ: તેજ રફ્તારથી આવતી કારે સાયકલ ચાલક વૃદ્ધને ફંગોળ્યા

    અમદાવાદ ફરી તેજ રફ્તારના કારે કેર મચાવ્યો છે. કારચાલકે સાયકલ ચાલક વૃદ્ધને હવામાં ફંગોળ્યા. પૂરપાટ આવતા કારચાલકનું કારસ્તાન કેમેરામાં કેદ થયુ છે. અકસ્માત બાદ ગાડી 20 ફુટ દૂર જઈને ઉભી રહી હતી. કૃષ્ણનગરના સરદાર ચોક પાસે અકસ્માત સર્જાયો હતો. શનિવારની ઘટનાના ચોંકાવનારા સીસીટીવી દૃશ્યો સામે આવ્યો છે. સાયકલચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલ વૃદ્ધ અને કારચાલક વચ્ચે સમાધાન થતા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

  • 28 Sep 2025 04:00 PM (IST)

    વડોદરા: કરજણમાં ધોધમાર વરસાદ

    વડોદરા: કરજણમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધબધબાટી થઈ છે. ધાવટ ચોકડી, જુના બજાર, નવા બજાર વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. કંડારી, કુરાલી, વેમાર, બામણગામમાં પણ ભારે વરસાદ થયો છે.  વરસાદને લીધે કરજણના ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થયા છે. ગરબા આયોજકો સહિત ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે.

     

  • 28 Sep 2025 03:45 PM (IST)

    વડોદરામાં બુટલેગરે જાહેરમાં કરી બર્થડેની ઉજવણી

    વડોદરા: દિવાળીપુરામાં જાહેરમાં બીયર પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. બુટલેગરે ફટાકડા ફોડી 11 કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી છે. કેટલાક લોકોએ ફટાકડા ફોડીને સમગ્ર વિસ્તાર  બાનમાં લીધો. વીડિયોમાં બુટલેગર સહિતના લોકો ધમાલ મચાવતા નજરે પડ્યા. વીડિયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી છે. બુટલેગર રાજુ માળી સહિત 6 આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ છે.
    તમામને કાન પકડાવીને પોલીસે ઉઠક-બેઠક કરાવી માફી પણ મંગાવી છે.

  • 28 Sep 2025 03:30 PM (IST)

    નવસારીના ચીખલીમાં મેઘરાજાએ વેર્યો ભારે વિનાશ

    તારાજી અને તબાહીના તાંડવને કુદરતનો પ્રકોપ કહેશો તો નવાઈ નહીં. હાલ દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. પરંતુ જતા જતા મેઘાએ જે દક્ષિણ ગુજરાતના હાલ કરી નાખ્યા છે. હાલ જે તબાહીના તાંડવના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નવસારી જિલ્લાના છે. જ્યાં ચીખલીમાં મેઘરાજાએ ભારે તબાહી મચાલવી છે. અનેક ગરીબોના ઘરના પતરા ઉડી ગયા છે. તો ક્યાંક વાવાઝોડાના કારણે વૃક્ષો સીધા જ લોકોના ઘર પર પડતા નુકસાન થયું છે.  1000થી વધુ ઘરોમાં નુકસાની થઈ છે. ચીખલીના તલાવચોરામાં પણ 200થી વધુ ઘરોમાં ભારે પવન અને વરસાદથી નુકસાન છે. 500થી વધુ વીજપોલ અને અનેક વૃક્ષો હાલ જમીન માપી રહ્યા છે. આ તાંડવ બાદ સમગ્ર જિલ્લાનું જનજીવન ખોરવાઈ ગયું છે.

  • 28 Sep 2025 03:11 PM (IST)

    નવસારીમાં આવેલા વિનાશક વાવાઝોડાથી 200થી વધુ ઘરોને નુકસાન

    નવસારીના ચીખલીના તલાવચોરા સહિત 10 ગામમાં ભારે તારાજી બાદ વીજ પુરવઠો ખોરવાતા DGVCLએ યુદ્ધના ધોરણે કામગીરી કરી. વરસતા વરસાદ વચ્ચે વીજ પોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતીય. પીવાના પાણી સહિતની સુવિધાઓ પણ ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા,  સાથે જ 15 કલાકથી ગામમાં વીજળી ગુમ, અનેક રસ્તા બંધ હાલતમાં હતા. જેથી તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ.  વાવાઝોડાના કારણે ખેતરોમાં પણ નુકસાન થતા ખેતીવાડી વિભાગની 60 જેટલી ટીમોએ સર્વે હાથ ધર્યો છે.,.,બાગાયતી પાકોના નુકસાનનો રિપોર્ટ તૈયાર કરાશે..,આપને જણાવી દઈએ કે ચીખલી, વાંસદાના 20થી વધુ ગામોમાં મોટાપાયે નુકસાન થયું છે.

  • 28 Sep 2025 02:42 PM (IST)

    અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

    અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. સી જી રોડ, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગે પણ અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસવાની આપી છે આગાહી.
    ખાનપુર, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

     

  • 28 Sep 2025 02:18 PM (IST)

    પોરબંદર પોર્ટ પર લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ

    પોરબંદર પોર્ટ પર લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ. સમુદ્રમાં હવામાન ખરાબ હોવાથી માછીમારોને એલર્ટ કરવા ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. સમુદ્રમાં પવન ફૂંકવાનો શક્યતાને પગલે પોર્ટ પર સાવચેતી દર્શાવતું સિગ્નલ. માછીમારોને નજીકના બંદર તરફ પહોંચવા સિગ્નલ લગાવાયું હોવાનું બંદર વિભાગના અધિકારીઓનું કહેવું છે.

  • 28 Sep 2025 02:15 PM (IST)

    ચાંગોદર GIDCમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ, સાણંદ, બાવળા અને અમદાવાદની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

    ચાંગોદર GIDCમાં આવેલ પ્લાસ્ટિકની એક કંપનીમાં આગ લાગી છે. શુભ પ્લાસ્ટિક નામની કંપનીમાં આગ લાગી છે. આગને કાબૂમાં લેવા માટે સાણંદ, બાવળા અને અમદાવાદની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

  • 28 Sep 2025 02:08 PM (IST)

    હેરિટેજ ઇમારતોની સર્વે કરતી ટીમને ગુજરાતના આ જિલ્લામાંથી મળ્યા ડાયનાસોરના પગલાંના નિશાન

    ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની હેરિટેજ ઇમારતોની સર્વે કરતી ટીમને ગુજરાતમાંથી ડાયનાસોરના પંજાના નિશાન મળ્યાં છે. હેરિટેજ ઈમારતોનો સર્વે કરતી ટીમનું માનવું છે કે, 10 થી 15 કરોડ વર્ષ જૂના જુરાસિક યુગના અવશેષો હોઈ શકે છે. ગાંધીનગરની અતુલ્ય વારસો નામની ટીમ દ્વારા, દાહોદ જિલ્લાના ઝાલોદમાં જૂના ચાકલીયામાં ગોગળદેવ મહાદેવની પાંડવકાલીન ગુફાનો સર્વે કરાતો હતો. આ દરમિયાન સર્વે ટીમને, ગુફાની અંદરથી ડાયનાસોરના પગલાના નિશાન જોવા મળ્યા હતા.

    5 હજાર વર્ષ જૂનું પૌરાણિક ઘૂઘર દેવ મંદિર જેને પાંડવકાલીન માનવામાં આવે છે. ડાયનોસોરના કથીત પંજાના નિશાન મળી આવતા ધાર્મિક અને વૈજ્ઞાનિક જગતમાં ઉત્સુકતા ફેલાઈ હતી. મંદિર ખાતે કલેકટર રાત્રિ ગ્રામ સભા યોજી હતી અને ગુફાની મુલાકાત લીધી હતી.

    આ પંથકમાં એવી એક લોકવાયકા છે કે, મંદિરની આસપાસ જ્યારે પણ સર્વે અથવા ખોદકામ કરાય છે ત્યારે ત્યાં રહેતા નાગ બહાર આવે છે. 10 થી 15 કરોડ વર્ષ જૂના જુરાસિક યુગના અવશેષો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  • 28 Sep 2025 02:00 PM (IST)

    પાલીતાણા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, ગરબા આયોજકો- ખેલૈયાઓ ચિંંતામાં

    ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની શરૂઆત થતા નવરાત્રીના ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ બંધાયું હતું. ખાસ કરીને પાલીતાણા તાલુકાના ટાઉન વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વિરપુર, લુવારવાવ, જામવાળી, સોનપરી, આદપુર, ધેટી, માનવડ વડીયા, મોટી રાજસ્થળી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો છે. નવરાત્રીના સાતમા નોરતા પર વરસાદની સિસ્ટમ સક્રિય થતા ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે. નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ સર્જાતા ખેલૈયાઓમાં ચિંતાનો

  • 28 Sep 2025 01:58 PM (IST)

    સમૂહ લગ્નના નામે 27 યુગલો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીએ આપઘાતનો કર્યો પ્રયાસ

    સમૂહ લગ્નના નામે 27 યુગલો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ચંદ્રેશ છત્રાલાએ પોતાના ઘરે ઊંઘની વધારે ગોળી ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આપઘાતનો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતો. પોલીસનું નિવેદન નોંધે તે પહેલા જ પ્રાથમિક સારવાર લઈને ચંદ્રેશ છત્રોલા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હોવાના વાવડ સામે આવ્યા છે. હજુ સુધી આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.  ઋષિવંશી સમાજના સમુહ લગ્નના નામે યુગલો પાસેથી કરી હતી છેતરપિંડી. લગ્નના દિવસે જ સમૂહ લગ્નના આયોજકો થયા હતા ફરાર. સમગ્ર રાજ્યમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

  • 28 Sep 2025 01:42 PM (IST)

    હવામાન વિભાગે, વરસાદને લઈને આટલા જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ

    અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે રવિવારના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર અમરેલી, વડોદરા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયેલ છે. આણંદ, ખેડા, મહીસાગર, બોટાદમાં યલો એલર્ટ છે. અરવલ્લી, અમદાવાદ, રાજકોટમાં પણ યલો એલર્ટ છે.

  • 28 Sep 2025 12:00 PM (IST)

    ખેડામાં કેટલાક તાલુકામાં વરસાદ વરસતા ઠેર ઠેર પુછાયો સવાલ, નવરાત્રિના માહોલમાં વરસાદ વિલન બનશે?

    ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સર્વત્ર એવો સવાલ થઈ રહ્યો છે કે શું , નવરાત્રિના માહોલમાં વરસાદ વિલન બનશે? આજે અત્યારે કપડવંજ, કઠલાલ અને મહેમદાવાદ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે. જો દિવસભર વરસાદ ચાલુ રહેશે, તો ગરબાના આયોજકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

  • 28 Sep 2025 11:48 AM (IST)

    ડાંગની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગિરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

    ડાંગ જિલ્લામાં ગતરાત્રિએ વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને લઈ અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગિરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગિરા ધોધ એ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ગિરધોધનું રૌદ્ર સ્વરૂપ હાલ વીકએન્ડ હોય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબિકા નદીમાં ધોડાપૂરની સ્થિતિ જોતા નવસારી જિલ્લાના ગણદેવી અને બીલીમોરા માટે ખતરા ની ઘંટી સમાન ગણાય છે.

  • 28 Sep 2025 11:25 AM (IST)

    સુરત જિલ્લા કલેકટરને 15 ઓક્ટોબરે માનવ અધિકાર પંચમાં હાજર રહેવા સમન્સ !

    સુરતના એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઈટને નડતરરૂપ બિલ્ડીંગો ના તોડવા કલેક્ટરે અગાઉ આદેશ આપ્યો હતો. જ્યારે હવે આ બિલ્ડીગ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે સામાજીક કાર્યકર દ્વારા માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સુરત કલેકટરને 15 ઓક્ટોબર 2025ના રોજ આયોગમાં થનારી સુનાવણીમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  • 28 Sep 2025 11:09 AM (IST)

    બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ

    બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં હજુ 6 બેઠકો માટે ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊભા હોવાથી ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. જો કે, બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 10 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આવતીકાલે આ 6 બેઠકો માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. અગાઉ રાધનપુર, સાંતલપુર, સુઈગામ, થરાદ, વાવ, ભાભર, ડીસા, અમીરગઢ, લાખણી, દિયોદર બેઠકો થઈ છે બિનહરીફ. પાલનપુર, દાંતા, વડગામ, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજમાં હજુ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. પાલનપુર બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની પ્રતિષ્ઠા દાવ ઉપર છે. દાંતીવાડા બેઠક પર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીની પ્રતિષ્ઠા દાવ પર છે. ધાનેરામાં બનાસ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલની પ્રતિષ્ઠા ઉપર દાવ ઉપર લાગેલ છે. કાંકરેજમાં સહકારી આગેવાન અણદા પટેલની પ્રતિષ્ઠા ઉપર છે. જ્યારે પાલનપુર દાંતીવાડા વડગામ કાંકરેજ અને ધાનેરાના ઉમેદવારો પાર્ટીના મેન્ડેડની રાહ જોઈ રહ્યા છે.

    આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે કે પાર્ટી કોઈને મેન્ડેડ આપે છે અથવા તો ચૂંટણી લડાશે. બનાસકાંઠાના વિભાજનની અસર પણ બનાસ ડેરીની ચૂંટણી પર પડી શકે છે. બનાસ ડેરીની ચૂંટણી પ્રદેશ અને કેન્દ્ર લેવલે પણ મહત્વની ગણાય છે. જે ચૂંટણી લડવાના છે તે હરિભાઈ ચૌધરી, પી જે ચૌધરી, અણદા પટેલ, દિનેશ ભટોળ, કે પી ચૌધરી, આ તમામ ભાજપના સક્રિય નેતાઓ ગણાય છે.

  • 28 Sep 2025 10:33 AM (IST)

    ચીખલીમાં નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનના પતરા ઉડી ગયા, 250 કરોડનું અનાજ પલળી ગયું

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી છે. ચીખલીમાં નાગરિક પુરવઠા નિગમનું 250 ટન અનાજ પલળી ગયું છે. ગોડાઉનના પતરા ઉડી જતા અનાજ ભીનું થયું હતું. સરકારી અનાજ ભીનું થઈ જતા કરોડોનું નુકશાન થવા પામ્યું છે. દિવાળી સમયે લાભાર્થીઓને આપવા માટે રાખેલું અનાજ પલળી ગયું છે. ગરીબોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

  • 28 Sep 2025 10:01 AM (IST)

    મુંબઈમાં ભારે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

    મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી છે.

  • 28 Sep 2025 09:39 AM (IST)

    આજે સવારના 6થી 8 સુધીમાં 42 તાલુકામાં વરસાદ

    આજે રવિવાર 28મી સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં, સુરત, તાપી, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, વલસાડ. દાહોદ, નવસારી, પંચમહાલ જિલ્લાના કૂલ 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 20 મિ.મી. નોંધાયો છે.

  • 28 Sep 2025 09:05 AM (IST)

    શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પરોઢિયે પોણા ચાર વાગે મંદિરના દરવાજા ખોલાયા

    શક્તિપીઠ પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તોની સંખ્યાને ધ્યાન રાખી મંદિર સવારે પોણા ચાર કલાકે ખોલી નાખવામાં આવ્યું હતું. તેમજ  એક કલાક વહેલા મંગળા આરતી પણ કરવામાં આવી હતી. હાલ પણ પાવાગઢમાં જાણે ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. માતાજીના જયઘોષથી ડુંગર અને મંદિર પરિસર મધરાત્રે ગુંજી ઉઠ્યું હતું.

  • 28 Sep 2025 09:02 AM (IST)

    વડોદરાના શિનોરમાં વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગાયા ગરબા

    વડોદરાના શિનોરમાં રાતના સમયે પડ્યો વરસાદ. ચાલુ વરસાદમાં ખેલૈયાઓએ કર્યા ગરબા. શેરી ગરબામાં ખેલૈયાઓએ વરસાદ વચ્ચે ગરબા કર્યા. શિનોરમાં વરસાદી માહોલ જામ્યો.

  • 28 Sep 2025 08:10 AM (IST)

    વિસનગર સિવિલ સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ફરાર

    મહેસાણાના વિસનગર સિવિલ સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ફરાર થયો છે. વિસનગર સબ જેલમાંથી સારવાર માટે લાવેલ આરોપી ફરાર થયો હતો. વિશાલસિંહ કિરીટસિંહ નામનો આરોપી પોલીસ જાપ્તામાંમાંથી ફરાર થયો છે. વિસનગર પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

  • 28 Sep 2025 07:36 AM (IST)

    નવસારી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ, 2 ઈંચ સુધી વરસ્યો વરસાદ, વાવાઝોડાથી થયું નુકસાન

    નવસારી જિલ્લામાં ગત રાતથી  વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતે 10 વાગ્યા દરમિયાન જિલ્લાના ચીખલી, વાંસદા, ખેરગામ તાલુકામાં મીની વાવાઝોડું ફુંકાયુ હતું. વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં સર્જાઇ તારાજી. વાવાઝોડાથી ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામમાં મોટુ નુકશાન, વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી, તો ઘરોના પતરા ઉડ્યા, વાવાઝોડામાં વૃક્ષ પડવાથી વાહનોમાં નુકશાન, જ્યારે પતરા ઉડતા કેટલાક લોકો ઘવાયા. વાવાઝોડા બાદ વહીવટી તંત્રની વિવિધ એજન્સી કામે લાગી. ગણદેવીના ધારાસભ્યે અસરગ્રસ્ત તલાવચોરા ગામની રાતે કરી મુલાકાતે પહોચ્યા છે. ધારાસભ્ય નરેશ પટેલે મુશ્કેલીના સમયમાં તંત્રને લોકોની મદદમાં ઉતાવળ કરવા આપી સૂચના.

    નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના વરસાદી આંકડાઃ

    નવસારી : 14 મિમી (0.58 ઈંચ), જલાલપોર : 13 મિમી (0.54 ઈંચ), ગણદેવી : 25 મિમી (1.04 ઈંચ), ચીખલી : 32 મિમી (1.33 ઈંચ), વાંસદા : 16 મિમી (0.66 ઈંચ), ખેરગામ : 53 મિમી (2.20 ઈંચ) નોધાયો છે.

  • 28 Sep 2025 07:28 AM (IST)

    સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીની આગ્રામાં ધરપકડ

    દિલ્હી પોલીસે મોડી રાત્રે આગ્રામાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીની ધરપકડ કરી છે. તેમના પર EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કથિત રીતે હેરાન કરવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ છે.

Published On - 7:24 am, Sun, 28 September 25