28 ઓગસ્ટના મહત્વના સમાચાર : ધાનેરાના નેનાવા પાસેથી લક્ઝરી બસમાં પાર્સલની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 960 બોટલ ઝડપાઈ
આજે 28 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 28 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ધાનેરાના નેનાવા પાસેથી લક્ઝરી બસમાં પાર્સલની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 960 બોટલ ઝડપાઈ
બનાસકાંઠાના ધાનેરાના નેનાવા બોડર પાસેથી લક્ઝરીમાંથી દારૂ ઝડપાયો. વાહન ચેકિંગ દરમિયાન પાર્સલની આડમા લઈ જવાતો દારૂ ઝડપાયો. 253345 ની કિંમતનો વિદેશી દારૂ ની 960 બોટલ ઝડપાઈ. ધાનેરા પોલીસ એ ત્રણ ઈસમો સાથે 1283345 નો મુદામાલ ઝડપી પાડ્યો
-
કરોડો રૂપિયાના વાલ્મીકી કૌભાંડને લઈને કર્ણાટકના મંત્રી બી. નાગેન્દ્રએ આપ્યું રાજીનામું
કર્ણાટકના મંત્રી બી. નાગેન્દ્રએ આખરે વાલ્મીકી કોર્પોરેશન કૌભાંડને લઈને રાજીનામું આપ્યું હતું. પાર્ટી હાઈકમાન્ડને મળ્યા બાદ બેંગલુરુ પરત ફરતા તેમણે આ જાહેરાત કરી હતી. વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન આ કૌભાંડ અંગે તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પક્ષો, ભાજપ અને જેડી(એસ) એ ભારે વિરોધ પ્રદર્શનો કર્યા હતા; ત્યારબાદ, પદયાત્રાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 2024 માં બીજી વખત મંત્રી પદ ગુમાવનારા નાગેન્દ્રએ પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું.
-
-
અમીરગઢના ખારા ગામમાં ખેતરમાં કામ કરતી મહિલાને સાપે માર્યો ડંખ
બનાસકાંઠા અમીરગઢના ખારા ગામમાં ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ મારતા ગંભીર હાલત. ખેતરમાં કામ કરતી 52 વર્ષીય મહિલાને અચાનક સાપે ડંખ માર્યો. મહિલાની હાલત લથડતા પરિવારજનોમાં દોડધામ મચી. પરિવારજનો દ્વારા મહિલાને તાત્કાલિક ઈકબાલગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ.
-
જામનગરના બિલ્ડર મેરામણ પરમારના આપઘાત કેસમાં 11 સામે ફરિયાદ
જામનગરના બિલ્ડર મેરામણ પરમારના આપઘાત કેસમાં અડાલજ પોલીસમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પુત્ર દેવ પરમારે નોંધાવેલી ફરિયાદમાં કુલ 11 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદમાં રૂ.153 કરોડની 28 મિલકતો પચાવી પાડીને મેરામણ પરમારને આપઘાત માટે મજબૂર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
દોઢ વર્ષ પહેલાં મેરામણ પરમારે ઝેર પી આપઘાત કર્યો હતો. હવે આ મામલે મોટા ગજાના ભીખુભા વાઢેર સહિત તેમના ત્રણ પુત્રો તેમજ દોમડિયા પિતા-પુત્ર સહિત કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ વાઢેર પરિવારના બંગલે તાળાં જોવા મળ્યાં હોવાનું પણ સામે આવ્યું છે.
મેરામણ પરમાર જામનગરમાં રોલ્સ રોયલ કાર લાવવા બદલ પણ ચર્ચામાં આવ્યા હતા. સમગ્ર મામલે અડાલજ પોલીસે ફરિયાદના આધારે તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
નેપાળમાં સર્જાયેલી તારાજીમાં સુરતના ત્રણ લોકો લાપતા
નેપાળમાં સર્જાયેલી તારાજીમાં સુરતના ત્રણ લોકો લાપતા થયા છે. એક જ પરિવારના ત્રણ લોકો વેપાર અને ફરવા ગયા હતા. પરેશભાઈ પટેલ દીકરો અને વહુ જ્યોતિબેન પટેલ યુએસથી અને દીકરી મીનાક્ષીબેન રામાણી મુંબઈથી નેપાળ ફરવા ગયા હતા. 20 તારીખે યુએસથી આ બંને દંપતિ ફરવા નેપાળ પહોંચ્યું હતું અને 22 તારીખે મુંબઈથી દીકરી નેપાળ પહોંચી હતી. પરિવારની માતા સરકાર પાસે માંગ કરી રહી છે કે તેમના પરિવારના સભ્યોને શોધી પરત લાવે. માતા જોડે છેલ્લી વાત 23 તારીખે થઈ હતી જેમાં ઇમિગ્રેશન થયા બાદ તે લોકો માનસરોવર જવા માટે નીકળ્યા હતા.
-
-
દ્વારકાધીશના જગતમંદિર પર ધ્વજા ચડાવવાના બુકિંગના નામે છેતરપિંડી, આરોપી ઝડપાયો
દ્વારકામાં જગતમંદિરના શિખર પર ધ્વજાજી ચડાવવાના નામે છેતરપિંડીનો બનાવ બન્યો છે. બે અલગ-અલગ આસામીઓ પાસેથી રૂ.51-51 હજાર અનધિકૃત રીતે મેળવ્યાનો આરોપ છે. ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ સંસ્થા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ધ્વજા બુકિંગના મેનેજરે શિવમ દીપકભાઈ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કચ્છ-ભુજના તીર્થરાજસિંહ રાજપૂતે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરી બે ધ્વજાજીનું બુકિંગ કરાવ્યું હતું. આરોપી દ્વારા બે અલગ-અલગ પહોંચ મોકલવામાં આવી હતી. તપાસમાં બંને પહોંચ બનાવટી હોવાનું સામે આવ્યું. પૂજાબેન મેવાડા અને દીપ જનકકુમાર મેરના નામે પહોંચ બનાવાઈ હતી. પહોંચમાં સંસ્થાનો મોબાઈલ નંબર અને મેનેજરની સહી પણ ખોટી હોવાનું ખુલ્યું. દ્વારકા પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
બનાસકાંઠાના ધાનેરા નજીકથી 50 લાખના પોષ ડોડા ઝડપાયા
બનાસકાંઠાના ધાનેરા નજીકથી 50 લાખના પોષ ડોડા ઝડપાયા છે. બનાસકાંઠા રેન્જની ટીમે કારમાંથી પોષ ડોડા ઝડપી પાડ્યા. 12 કટ્ટામાંથી 228 કિલો 700 ગ્રામ જેટલા પોષડોડા ઝડપાયા. અંદાજિત 38.30 લાખના જેટલી રકમના પોષ ડોડા ઝડપાયા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
-
દાંતાના આંબાઘાટા પાસે કપચી ભરેલ ડમ્પર પલટી ખાઈ ગયું, વાહનવ્યવહાર થયો પ્રભાવિત
બનાસકાંઠાના દાંતાના આંબાઘાટા પાસે ડમ્પર પલટી ખાઈ ગયું. દાંતા તાલુકાના ભેમાળ નજીક આંબાઘાટા હિલના ઢાળ પર અકસ્માત સર્જાયો. દાંતા-સતલાસણા હાઈવે પર ડમ્પરચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો. રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ડમ્પર અથડાયું. અથડામણ બાદ ડમ્પર પલટી મારી ગયું. ડમ્પર નંબર GJ-02-BT-2395માં કપચી ભરેલી હતી. ભેમાળ ક્વોરીમાંથી કપચી ભરી સતલાસણા તરફ જઈ રહ્યું હતું. અકસ્માતમાં ડમ્પરને ભારે નુકસાન થયું સદનસીબે ડમ્પરચાલકનો આબાદ બચાવ થયો છે. રોડ પર ડીઝલ તેમજ કપચી ઢોળાતા, અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
-
નેપાળમાં પૂરની આફતમાં મૂળ અમદાવાદના NRI મહિલા લાપત્તા
નેપાળ આફતમાં મૂળ અમદાવાદના NRI મહિલા લાપત્તા થયા છે. અમદાવાદમાં રહેતા પુત્ર સાથે છેલ્લે, ગત સોમવારે વાત થઈ હતી. 65 વર્ષીય NRI બીના પરીખ 21 ઓગસ્ટે અમદાવાદથી નેપાળ ગયા હતા. ત્યાંથી કૈલાશ માનસરોવર યાત્રા માટે કાઠમંડુથી નીકળ્યા બાદ સંપર્ક વિહોણા થયા છે. છેલ્લુ લોકેશન આફત પ્રભાવિત વિસ્તારના ફ્રેન્ડશીપ બ્રિજનું દર્શાવાઈ રહ્યું છે. અમદાવાદમાં રહેતો દીકરો શન્ની પરીખ માતાને લઈ ચિંતામાં છે. નેપાળ સરકારે પૂરને કારણે ગુમ થયેલ લોકોની જે યાદી જાહેર કરી છે તેમાં બીના પરીખનું પણ નામ છે.
-
નેશનલ હાઈવે 48 પર કોસંબા પાસે કારનો અકસ્માત, 1 નું મોત
નેશનલ હાઈવે 48 પર કાર નો અકસ્માત થયો છે. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનુ સામે આવ્યું છે. કોસંબા પાસે ઇકો કારે અકસ્માત બાદ કાબૂ ગૂમાવતાં એકનુ મોત થયું છે. ઇકો કારમાં સવાર ત્રણ યાત્રીમાંથી એકનું થયુ મોત. ઇકો કાર 50 થી 100 મીટર પલટી માર્યા બાદ દુકાનમાં ઘૂસી ગઇ. અકસ્માતની ઘટનામાં 2 લોકો ગંભીર, સારવાર માટે ખસેડાયા. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા. જિલ્લા ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતીને કાબૂમાં લીધી
-
સાબરકાંઠાના પ્રાંતિજના બાલીસણા ગામેથી ગાંજો ઝડપાયો
સાબરકાંઠાના પ્રાંતિજના બાલીસણા ગામેથી ગાંજો ઝડપાયો છે. ઘરમાં સંતાડેલો 1 કિલો 96 ગ્રામનો જથ્થો જપ્ત કરાયો છે. આરોપી ધરમાં ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા પાડી આરોપી રમેશ મકવાણાની ધરપકડ કરી. ગાંજો મોકલનાર અસ્લમ અને અશોકની શોધખોળ શરૂ કરાઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
-
Rajkot News : જાણીતી કંપનીઓની બ્રાન્ડનો ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેકટરી ઝડપાઈ
રાજકોટ એસઓજી પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરીને જાણીતી કંપનીઓની બ્રાન્ડનો ડુપ્લીકેટ બનાવતી તમાકુની ફેક્ટરી ઝડપી પાડી છે. હિરેન પરફ્યુમરી વર્ક નામના ગોડાઉનમાં એસઓજી પોલીસના દરોડા પાડ્યા હતાય. હિરેન સોનેજી અને રાજુ સોનેજી નામના ઇસમો ગેરકાયદેસર રીતે તમાકુનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હતા. પોલીસે 500 ગ્રામ , 200 ગ્રામ તેમજ 50 ગ્રામના જાણીતી કંપનીઓની બ્રાન્ડેડ તમાકુના ડુપ્લીકેટ ડબ્બાઓ પણ કબજે કર્યા છે. કુલ 1,72,000 થી વધુ રકમનો મુદ્દા મારી કબજે કરી એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી. પકડાયેલા બંને શખ્સો કેટલા સમયથી ડુપ્લીકેટ તમાકુ બનાવતા હતા તેમજ આ તમાકુનુ કઈ કઈ જગ્યાએ તેમને વેચાણ કરેલું છે તે અંગે પૂછપરછ શરૂ.
-
Surat News: પુણાના ઉમરવાડા વિસ્તારમાંથી ચાર બોગસ ડોકટર ઝડપાયા, લાયકાત હતી માત્ર 10થી 12 પાસ
Surat શહેરના પુણા ઉમરવાડા વિસ્તારમાંથી ઝોન-1 એલ.સી.બી. અને પુણા પોલીસે ડિગ્રી વગરના 4 બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ કોઈ પણ તબીબી ડિગ્રી વગર માત્ર 10 પાસ, 11 પાસ અને 12 પાસની લાયકાત ધરાવતા હતા. આરોપીઓ લાઈસન્સ કે આધાર વગર છેલ્લા 8, 10 અને 26 વર્ષથી ગેરકાયદેસર રીતે એલોપેથી તબીબી પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે દરોડા દરમિયાન 4.90 લાખની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો અને મેડિકલ સામાન જપ્ત કર્યો. પકડાયેલ ડૉક્ટરમાં ભિંગુ પાલ, તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ, પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર, સુબલ સુનિલ ગાચ્છીનો સમાવેશ થાય છે. આ ગેરકાયદેસર ક્લિનિકો પુણા ઉમરવાડાના રાજીવનગર અને આશાનગર અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચાલતા હતા.
-
દ્વારકા: શ્રાવણી પૂનમે દ્વારકાધીશના દર્શને ભક્તોની ભીડ
શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પાવન પર્વે દ્વારકામાં ભક્તિનો માહોલ છવાયો છે. દ્વારકાધીશના દર્શન માટે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે ઠાકોરજીની 56 સીડીઓથી લઈને મંદિરના દરવાજા સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ જય દ્વારકાધીશના નાદ સાથે નાથના દર્શન કરી ધન્ય બન્યા હતા.
-
નેપાળઃ ત્રાસદીમાં મૃત્યુઆંક વધીને 475 થયો
નેપાળમાં સર્જાયેલી ભયાનક ત્રાસદીમાં મૃત્યુઆંક વધીને 475 થયો છે, જ્યારે હજુ પણ 1500થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. લાપતા લોકોને શોધવા માટે નેપાળની સેના અને હેલિકોપ્ટરની મદદથી મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધી નેપાળના 8 જિલ્લાઓમાંથી કુલ 359 મૃતદેહો મળી આવ્યા છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે.
-
જામનગર: વાવડીમાં વીજપોલ મુદ્દે ખેડૂતોની ભૂખ હડતાળ
જામનગરના વાવડી ગામમાં વીજપોલના વિવાદને લઈને ખેડૂતોની ભૂખ હડતાળ 9મા દિવસે પણ યથાવત છે. ન્યાયની માગ સાથે આંદોલન સ્થળે જ બહેનોએ ભાઈઓના હાથ પર ‘રક્ષા પોટલી’ બાંધી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આંદોલનમાં સામેલ સાત ખેડૂતોમાંથી ચારની તબિયત લથડતા તેમના પારણાં કરાવાયા છે, જ્યારે ત્રણ ખેડૂતો હજુ પણ ભૂખ હડતાળ પર છે. સાત ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ આંદોલનને સમર્થન આપ્યું છે અને યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
-
અમેરિકામાં સ્થાયી અમિતાબેન અમીન ગુમ, કૈલાસ-માનસરોવર યાત્રા દરમિયાન સંપર્ક વિહોણા
ગાંધીનગરના મૂળ દહેગામના રહેવાસી અને હાલ અમેરિકામાં સ્થાયી અમિતાબેન અમીન કૈલાસ-માનસરોવર યાત્રા દરમિયાન ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. અમિતાબેન 22 ઓગસ્ટે માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા અને આ અગાઉ તેઓ સાત વખત માનસરોવર યાત્રા કરી ચૂક્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ 25 ઓગસ્ટે અમિતાબેને બહેન સાથે છેલ્લી વખત વાત કરી હતી, ત્યારે તેઓ નેપાળના ફ્રેન્ડશીપ બ્રિજ પર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદથી તેમનો પરિવાર સાથે સંપર્ક થઈ શક્યો નથી. અમિતાબેનની શોધખોળ કરી સુરક્ષિત પરત લાવવા માટે પરિવારે સરકાર સમક્ષ મદદની અપીલ કરી છે.
-
અમદાવાદ: કેદી ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરમાં પહોંચી
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. વિવિધ ગુનામાં સજા ભોગવી રહેલા ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈને મળેલી કેટલીક બહેનો રાખડી બાંધતી વખતે ચોધાર આંસુએ રડી પડી હતી. બહેનોએ કંકુ-ચાંદલો કરી ભાઈઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું, જ્યારે ભાઈઓ પણ બહેનોને મળીને ભાવુક થઈ તેમને ભેટી પડ્યા હતા. બહેનોએ પોતાના ભાઈઓ વહેલી તકે જેલમાંથી મુક્ત થાય અને જીવનમાં નવી શરૂઆત કરે તે માટે શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા.
-
તામિલનાડુમાંથી બચાવી લેવામાં આવેલા 21 લોકો કાઠમંડુ પહોંચ્યા
નેપાળમાં આવેલા વિનાશક પૂરના કારણે મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. તમિલનાડુના 21 લોકો જેમને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા હતા તેઓ કાઠમંડુ પહોંચી ગયા છે. નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે તેમની ખબર પૂછી હતી. તેને ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે.
-
નેપાળની જળહોનારતમાં દિવંગતોને મોરારી બાપુની સંવેદના, રૂ.51 લાખની સહાય
26 ઓગસ્ટે તિબેટ તરફ ગ્લેશિયર તૂટતાં નેપાળની નદીમાં ભયાનક પૂર આવ્યું હતું, જેમાં સેંકડો લોકોનાં કરુણ મોત થયાં છે. આ હૃદયદ્રાવક ઘટનાથી વ્યથિત પૂજ્ય મોરારી બાપુએ નેપાળના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રૂ.51 લાખની સહાયની જાહેરાત કરી છે. જેમાંથી રૂ.11 લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે, જ્યારે રૂ.40 લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં આપવામાં આવશે. આ નાણાકીય સેવા મુંબઈ સ્થિત રામકથાના એક શ્રોતા દ્વારા કરવામાં આવશે. મોરારી બાપુએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારત સહિત વિશ્વના અનેક દેશોના નાગરિકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.
-
તિબેટમાં ફરી મોટી દુર્ઘટના, ડેમ તૂટતા અફરાતફરી
તિબેટમાં ડેમ તૂટવાની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની તાત્કાલિક અસરને પગલે રેસ્ક્યૂ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ચીન દ્વારા તિબેટમાં ડેમ તૂટવાની ઘટનાને સમર્થન આપવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે લેવલ-4નું એલર્ટ જાહેર કરાયું છે. તંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી ઉંચાઈવાળા સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ કરવામાં આવી છે. એલર્ટ જાહેર થયા બાદ ધાદીંગ વિસ્તારને પણ ખાલી કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
-
ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપ
ચીનના સિચુઆન પ્રાંતમાં રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. ચીન દ્વારા જારી કરાયેલી ચેતવણી બાદ, નેપાળના ઘણા વિસ્તારોમાં બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. દરેકને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે.
-
અમરેલીઃ જાફરાબાદના નાગેશ્રી ચૌત્રા માર્ગ પર અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીના જાફરાબાદમાં નાગેશ્રી ચૌત્રા માર્ગ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
-
અમદાવાદ: IIMમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે છેડતી, ડિલિવરી બોયની ધરપકડ
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી IIMમાં MBA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ ઓનલાઈન જમવાનું મંગાવ્યું હતું, ત્યારે પાર્સલ પહોંચાડવા આવેલા ડિલિવરી બોયે જમવાનું આપતી વખતે શારીરિક છેડતી કરી હોવાનો આરોપ છે. ઘટનાને પગલે વિદ્યાર્થિનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વાડજના 37 વર્ષીય નિપમ ઠક્કરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
નેપાળ પૂરની ઘટનામાં અમદાવાદનું દંપતિ લાપતા
અમદાવાદના મણિનગરમાં રહેતા ઉત્પલ પટેલના ભાઈ અને ભાભી નેપાળમાં સર્જાયેલી પૂર અને ભારે વરસાદની ઘટનાના પગલે લાપતા થયા છે. ન્યૂઝીલેન્ડથી સિંગાપોર થઈ કાઠમંડુ પહોંચેલું દંપતિ 26 ઓગસ્ટે ચીન પ્રવેશ પૂર્વેના સરહદી વિસ્તારમાં હાજર હતું. ત્યારબાદથી પરિવારજનોનો દંપતિ સાથે કોઈ સંપર્ક થયો નથી. પરિવાર દ્વારા લાપતા દંપતિને શોધી કાઢવા સરકાર અને વહીવટી તંત્રને મદદ માટે અપીલ કરવામાં આવી છે તેમજ બંનેની સુરક્ષિત વાપસી માટે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી રહી છે.
Published On - Aug 28,2026 7:41 AM
