આજે 24 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
2 હજારની ચલણી નોટ ( 2000 notes) પાછી ખેંચવાના નિર્ણય બાદથી બેંકોમાં નોટ બદલવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેન્કમાં બદલી માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાદ ફરી થી બેંકોની બહાર લાઈનો જોવા મળી હતી. મહત્વનું છે કે 2 હજારની નોટ બંધ થવાની અસર સામાની લોકો પર થવાની નથી પરંતુ પોતાના ઘરમાં રહેલી એકલ દોકલ 2 હજારની નોટ બદલવા સવારથી લોકો લાઇનમાં લાગ્યા હતા.
ઉનાળો આવતાની સાથે જ ગરમીમાં વધારો થતાં આરોગ્ય ક્ષેત્રે લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. મહત્વનું છે કે ઉનાળો આવતા જ પાણીજન્ય રોગચાળો વકરે છે. ત્યારે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. શહેરમાં મે માસ દરમિયાન ઝાડા ઉલ્ટીના 351 , કમળાના 66 જ્યારે ટાઇફોઇડના 181 કેસ નોંધાયા છે. પાણીજન્ય કેસોમાં મધ્ય, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
ઉનાળાની ગરમીમાં બરબરતા તાપમાં કેટલાય લોકોના બીમાર પડવાના બનાવો બનાયા છે તો બીજી તરફ પાણીને લઈને પણ કેટલીક બીમારીઓને નોતરું આપવા સમાન બનાવો સામે આવ્યા છે. અમદાવાદમાં એક માસમાં લેવાયેલ પાણીના 3500 સેમ્પલમાંથી 60થી 70 સેમ્પલ ફેલ થયા છે. સામાન્ય દિવસો કરતા ઉનાળામાં પાણીનાં સેમ્પલ ફેલ થવાના આકડામાં પણ તોતિંગ વધારો જોવો મળ્યો છે. ત્યારે સામાન્ય દિવસોમાં પાણીનાં 30થી 35 સેમ્પલ ફેઇલ થતા હોય છે જે હાલમાં 70 જેટલા સેમ્પલ ફેઇલ થઈ રહ્યા છે.
ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે AIIMS રાજકોટના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું કે, હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે, તેમ તેમણે જણાવીને આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતું.
એઇમ્સ એ રાજ્યના સ્વાસ્થ્ય ક્ષેત્રે ‘માઈલ સ્ટોન’ બની રહેશે તેમ જણાવતાં મંત્રીએ ઉમેર્યું કે, આશરે 1,58,879 ચો.મી.ના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચો.મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે. અહીં 77,435 ચો.મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચો.મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2335 ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના મોટા નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. આ દરમિયાન દેશને સંબોધિત કરતા ઈમરાન ખાને શાહબાઝ સરકાર અને પાકિસ્તાની સેના પર જોરદાર પ્રહારો કર્યા છે. દેશને સંબોધતા ઈમરાન ખાને કહ્યું કે, સરકાર અને સેના મળીને અમારા તમામ નેતાઓને જેલમાં પુરી રહી છે. અમારા નેતાઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે, જો કે તેઓ કહે છે કે તહરીક-એ-ઈન્સાફમાં નથી તો તેમને છોડી દેવામાં આવે છે.
ઈમરાન ખાને તે અટકળો પર પણ નિશાન સાધ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પીટીઆઈ પર પ્રતિબંધ લગાવી શકાય છે. ઈમરાને કહ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં સુધી જનઆધાર ધરાવે છે, ત્યાં સુધી ખતમ થઈ શકે નહીં. એટલું જ નહીં, ઈમરાને સરકાર અને સેના પર પણ આરોપ લગાવતા કહ્યું કે માનવાધિકારની વાત કોઈ નથી કરતું. લોકો ભય અને નિરાશાથી ભરેલા છે. ઈમરાને કહ્યું કે તેણે પોતે જ પોતાના સમર્થકોને ઘરની અંદર રહેવા માટે કહ્યું છે.
અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો (Baba Bageshwar) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આયોજકોએ આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો આવશે તેવો દાવો કર્યો છે. જેને લઈને આયોજન પણ તેટલું જ વિશાળ કરાયું છે. દરબારમાં 5 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ મુકાવાના છે. તે સાથે જ 7 સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે. બાબાના દિવ્ય દરબાર માટે આમંત્રણ પત્રિકા પણ તૈયાર થઈ ચુકી છે.
બાબા બાગેશ્વરના કાર્યક્ર્મને લઈને થઈ રહેલી તૈયારીઓમાં આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિ તરીકે સી.આર. પાટીલનું નામ છે. આ સાથે સાંસદ અને ધારાસભ્યોના નામનો પણ પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. 5 પાનાની આમંત્રણ પત્રિકા તૈયાર કરાઈ છે અને આ પત્રિકાનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે. આયોજકોનો દાવો છે કે, આવી 20 હજાર પત્રિકા છપાવાઈ છે.
કેન્દ્ર સરકારે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દીધી છે. તેને હવે Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. જણાવી દઈએ કે ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સમર્થન છોડનારાઓની યાદી લાંબી થતી જાય છે. જણાવી દઈએ કે ઈમરાન ખાનના સૌથી નજીક રહેલા ફવાદ ચૌધરીએ પણ પીટીઆઈ છોડી દીધી છે. ફવાદ ચૌધરીએ પીટીઆઈના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની મૂલાસણા ગામે આવેલી જમીનનું કૌભાંડ રાજકીય તુલ પકડી રહ્યું છે. કોંગ્રેસે આ કેસમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સંડોવણીના આક્ષેપ લગાવ્યા બાદ વિજય રૂપાણી પણ સામે આવ્યા અને કોંગ્રેસના આરોપોને બાલીશ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, લાંગાના કથિત પત્રને લઈને કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે. વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી કે લાંગા સામે ફરિયાદો મળ્યા બાદ તપાસના આદેશ તેમણે જ આપ્યા હતા. જો કૌભાંડમાં તેમની સંડોવણી હોય તો શા માટે તેઓ ખૂદ તપાસ કરાવવા આદેશ કરે તેવી વાત કરી હતી.
બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બનાસકાંઠાના ડીસામાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. ભીલડી પંથકમાં પણ ધોધમાર વરસાદથી માર્કેટયાર્ડમાં જણસી પલળી હોવાની માહિતી મળી છે. અનાજની બોરીઓ પલળી જતા વેપારીઓને મોટુ નુકશાન થયું છે.
પોલીસ કસ્ટડીમાં રહેલ નિલેશ ચૌહાણને જીમ ટ્રેનરની આડમાં યુવતીઓ સાથે શારીરિક છેડછાડ કરતો હતો. ચાંદખેડાની એક યુવતીએ ફરિયાદ નોંધાવતા જ જીમ ટ્રેનરની વિકૃત માનસિકતા ફાંડો ફૂટ્યો હતો. ઘટના કંઈક એવી છે કે ચાંદખેડાની 28 વર્ષીય પરણીત યુવતીએ M. A. F ફિટનેસ જીમમાં કસરત માટે સવારના સમયે જતી હતી. આ યુવતીનો જીમ ટ્રેનર નિલેશ ચૌહાણની યુવતી પર નજર બગડી હતી. 21 મેના રોજ યુવતી જીમમાં સવારે લિફ્ટમાં જઈ રહી હતી, ત્યારે નિલેશ એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કર્યા હતા, જેનાથી યુવતી ગભરાઈને લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી, યુવતીએ આ ઘટનાની જાણ કોઈને કહી ન હતી, જેથી આરોપી નિલેશની હિંમત વધતા 23 મેના રોજ યુવતી ના વજનની ચકાસણી નામે નગ્ન ફોટાની માંગ કરી હતી. વાંચો વધુ વિગત
પશ્ચિમ બંગાળ સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 27 મેના રોજ દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. એક દિવસ પહેલા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં નવી સંસદ ભવનનું ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે.
22 મેના રોજ ઓસ્ટ્રેલિયા પહોંચેલા પીએમ મોદીની બે દિવસીય મુલાકાત પૂરી થઈ ગઈ છે અને વડાપ્રધાન મોદી ભારત જવા રવાના થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારત અને ઑસ્ટ્રેલિયા વૈશ્વિક હિતના હિતમાં જીવંત દ્વિપક્ષીય મિત્રતા તરફ કામ કરવાનું ચાલુ રાખશે.
પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટ આવતીકાલે બપોરે 2 વાગ્યે આ મામલે સુનાવણી કરશે. અરજીમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્યો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કુસ્તીબાજોએ પીએમ મોદી અને બ્રિજભૂષણ સિંહ પર ખોટા આરોપો લગાવ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આજે સાંજે 7.30 કલાકે દેશને સંબોધિત કરશે. માહિતી આપતાં રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ઈમરાન ખાન આજે સાંજે દેશને સંબોધિત કરશે. જણાવી દઈએ કે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ આસામ-મેઘાલય સરહદ વિવાદ અંગે બેઠક યોજી હતી. સરમાએ કહ્યું કે અમે વિવાદના 6 ક્ષેત્રોને ઉકેલ્યા છે. અમે અન્ય 6 વિવાદિત વિસ્તારોને ઉકેલવામાં સક્ષમ થઈશું. તફાવતના 12 ક્ષેત્રો છે. જે પૈકી 6 ક્ષેત્ર માટે બન્ને રાજ્યો વચ્ચે સહમતી થવા પામી છે.
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે, સરકાર 9 મેની ઘટનાઓને લઈને ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ચોક્કસપણે સમીક્ષા ચાલી રહી છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, આજે મુંબઈમાં માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા છે. તેમની સાથે રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને ભગવંત માન પણ છે.
EDએ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહના નજીકના સહયોગીઓના ઘરે દરોડા પાડ્યા છે. દરોડાને લઈને સંજય સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીની દાદાગીરી ચરમસીમાએ છે. હું મોદીની તાનાશાહી સામે લડી રહ્યો છું. સમગ્ર દેશની સામે EDની નકલી તપાસનો પર્દાફાશ થયો છે. EDએ મારી ભૂલ સ્વીકારી. જ્યારે કંઈ ન મળ્યું, ત્યારે આજે EDએ મારા સાથીદારો અજીત ત્યાગી અને સર્વેશ મિશ્રાના ઘરે દરોડા પાડ્યા છે.
આગામી 28મી મે ના રોજ નવા સંસદ ભવનનાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહનો 19 વિરોધ પક્ષોએ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 28 મેના રોજ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ધાટન સમારોહનો વિરોધ કરનારા વિપક્ષમાંથી કેટલાક પક્ષોઓ પહેલા જ કહ્યું હતુ કે, આ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન નહી, રાષ્ટ્રપતિના હાથે થવું જોઈએ.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ વ્યક્તિ વિશે જણાવવામાં આવ્યું છે કે તેની હાલત ગંભીર છે. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં પાકલ દુલ પ્રોજેક્ટનું એક વાહન માર્ગ અકસ્માતનો ભોગ બન્યું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની એક મહત્વની બેઠક આજે સુરતમાં યોજાશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાનાર બેઠકમાં ગુજરાતના આઠ મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગર મનપાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ આ બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત આ આઠ મહાનગરપાલિકા વિસ્તારના જિલ્લા પ્રમુખ અને પ્રભારી તેમજ 8 મનપા વિસ્તારના ભાજપના ધારાસભ્યોને પણ બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠક, તાજેતરમાં કેવડિયા ખાતે યોજાયેલ ચિંતન બેઠક બાદ સરકાર દ્વારા નક્કી થયેલા મુદ્દાઓના અમલીકરણ સંદર્ભે સમિક્ષા હાથ ધરાશે. તો ઉનાળામાં રાજ્યમા પીવાના પાણીની સ્થિતિને લઈને પણ કેબિનેટમા થશે સમિક્ષા કરાશે. આ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે કેબિનેટમા થશે ચર્ચા થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમને ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાની વાત આજના પહેલા પણ કરી છે અને આજે પણ કરીએ છીએ. અમે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાને સ્વીકારતા નથી. વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું છે કે, તેઓ તેની સામે કડક પગલાં લેવાનું ચાલુ રાખશે.
ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. આદિત્ય સિંહ રાજપૂતના અવસાનથી ઊભરી રહેલી રહેલી ટીવી ઈન્ડસ્ટ્રીને ફરી એકવાર આંચકો લાગ્યો છે, Sarabhai Vs Sarabhai સિરિયલમાં રોશેશ સારાભાઈની ગર્લફ્રેન્ડનો રોલ કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું છે.
ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેટલાક મુદ્દે સમજૂતી કરવાની ચર્ચા થઈ હોવાનુ માનવામાં આવે છે.
Published On - 6:23 am, Wed, 24 May 23