ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અગરિયા વિસ્તારના બાળકો માટે ખાસ તૈયાર કરાયેલી ‘સ્કૂલ ઑન વ્હીકલ’ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીનગર ST બસ ડેપોથી વાહન વ્યવહાર વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. રમતગમતના સાધનો, સોલાર સિસ્ટમ અને ટીવી ડિશ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કુલ 12 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાંથી 11 બસો અગરિયા વિસ્તારની ‘રણશાળા’ માટે ફાળવવામાં આવી છે. આ પહેલથી દૂરદરાજના વિસ્તારોમાં રહેતા બાળકોને શિક્ષણની વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે.
અમદાવાદના ગરીબનગર ચાર રસ્તા પાસે કાર ચાલકને અચાનક આંચકી આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર લોકો પર ચડી જતાં 6થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી વધીને 126.82 મીટર પર પહોંચી છે. હાલમાં દર કલાકે જળસપાટીમાં અંદાજે 2 સેન્ટિમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણી માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે મુખ્ય કેનાલમાં 14,490 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવકમાં થયેલા વધારાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ટ્રેક્ટરની ટક્કર લાગતા એક મહિલાનું કરૂણ મોત થયું છે. ટુ-વ્હીલર પર સવાર દંપતિને ટ્રેક્ટરે અડફેટે લેતા મહિલા ટ્રેક્ટરના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
વલસાડના વાપી ખાતે બલિઠા નજીક નેશનલ હાઇવે-48 પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સર્વિસ રોડ પરથી હાઇવે પર ચઢી રહેલી કારને પૂરઝડપે આવતા કન્ટેનરે ટક્કર મારતા કાર થોડે દૂર સુધી ઘસડાઈને ઓવરબ્રિજના ડિવાઈડર પર લટકી ગઈ હતી. રુંવાડા ઉભા કરી દે તેવા અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર મામલે વાપી ટ્રાફિક પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ગુજરાત ગેસ પંપ નજીક એક કાર પૂરપાટ ઝડપે આવીને ઊંડા ખાડામાં ખાબકતાં હચમચાવતી ઘટના સર્જાઈ હતી. CNG ભરાવ્યા બાદ નીકળેલી કાર અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને લઈને પરિવારે ખુલ્લા ખાડા, સુરક્ષાના અભાવ તેમજ ચેતવણી બોર્ડ અને બેરિકેડ ન હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
કેનેડાના મોન્ટ્રિયલ શહેરમાં એક હોટલ બહાર થયેલા ફાયરિંગની ઘટનામાં એક પોલીસ ઓફિસર અને એક નાગરિક સહિત બે લોકોના મોત થયા છે. હોટલ નજીક ગન સાથે એક શંકાસ્પદ વ્યક્તિ હોવાના સમાચાર મળતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં અચાનક ફાયરિંગ શરૂ થયું હતું. પોલીસે જવાબી કાર્યવાહી દરમિયાન એક શંકાસ્પદ હુમલાખોરને પણ ઠાર માર્યાનો દાવો કર્યો છે. જોકે ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. નોંધનીય છે કે છેલ્લા 24 વર્ષમાં મોન્ટ્રિયલમાં ગોળીબારમાં કોઈ પોલીસ ઓફિસરનું મોત થવાની આ પ્રથમ ઘટના છે.
કતારના રાસ લાફાન સ્થિત સૌથી મોટા ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 12 ભારતીયો સહિત કુલ 13 લોકોના મોત થયા છે, જ્યારે 65થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્લાન્ટમાં જાળવણીની કામગીરી દરમિયાન થયેલા આ વિસ્ફોટની કતાર સરકાર દરેક એંગલથી તપાસ કરી રહી છે. ઘટનાને લઈને ભારતીય દૂતાવાસ કતારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા હુમલો કરવામાં આવ્યો હતો. નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિએ હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હુમલામાં પૂર્વ કાઉન્સિલર અને તેમના દીકરાને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આવતીકાલથી સિંહોનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. દર વર્ષે 16 જૂનથી ચાર માસ માટે સાસણ ગિર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે અભ્યારણ્ય એક સપ્તાહ મોડું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે 23 જૂનથી ગિર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન જંગલના રસ્તાઓની સ્થિતિ, વન્યજીવોની સુરક્ષા અને પ્રજનન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ સમયગાળા દરમિયાન અભ્યારણ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. હવે આગામી ચાર મહિના સુધી પ્રવાસીઓ ગિરના જંગલ સફારીનો લાભ લઈ શકશે નહીં.
આજે 23 જૂનને મંગળવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:36 am, Tue, 23 June 26