
આજ 23 એપ્રિલ બુધવાર ના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યા બાદ, સરકાર હવે વિપક્ષને વિશ્વાસમાં લેશે. સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં આવતીકાલે સંસદ એનેક્સીમાં સર્વપક્ષીય બેઠક યોજાશે. આ સમય દરમિયાન સરકાર વિરોધી પક્ષોને આતંકવાદી હુમલા વિશે માહિતી આપશે.
સીસીએસ બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર, અટારી સરહદને બંધ કરી દેવા, સિંધુ જળ સંધિ રોકવા અને ભારતમાં રહેતા પાકિસ્તાની નાગિરીકોના વિઝા રદ કરવાનો નિર્ણય કરાયો છે. આવા નાગરિકોએ 48 કલાકમાં ભારત છોડી દેવા કહી દેવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પહેલગામ આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં સરહદ પારની સંડોવણી હતી.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ માહિતી આપી. આ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, સુરક્ષા વ્યવસ્થા, પ્રતિ-કાર્યવાહી અને ભવિષ્યની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
In the wake of the terrorist attack in Pahalgam, chaired a meeting of the CCS at 7, Lok Kalyan Marg. pic.twitter.com/bZj5gggp5l
— Narendra Modi (@narendramodi) April 23, 2025
પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પોલીસે એક મોટી જાહેરાત કરી છે. પોલીસે હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ પુરસ્કાર એવા લોકો માટે છે, જે સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓની ઓળખ, ઠેકાણા અથવા અન્ય કોઈપણ વિશ્વસનીય માહિતી પ્રદાન કરે. કાશ્મીર પોલીસનું આ પગલું હુમલાની તપાસ ઝડપી બનાવવા અને ગુનેગારો સુધી પહોંચવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ આજે રાત્રે મુંબઈથી અમદાવાદ એરપોર્ટ આવશે. આ સમયે મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને મુકેશ પટેલ હાજર રહેશે. સુરતના આશાસ્પદ યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે 11 વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે. ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સુરત એરપોર્ટ પર હાજર રહેશે અને આશાસ્પદ યુવકનો મૃતદેહ પરિવારને સોંપશે અને પરિવારજનોને સાંત્વના પાઠવશે. આવતીકાલે મંત્રી હર્ષ સંઘવી સુરતમાં મૃતક યુવકની અંતિમ યાત્રામાં જોડાશે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શંકાસ્પદ 1450 લોકોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરાયેલાઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાંથી કેટલીક ફળદાયી વિગતો સુરક્ષા એજન્સીને હાથ લાગી છે. સરકાર આતંકવાદ સામે આક્રમક વલણ અપનાવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જશે. જ્યાં પહેલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા મૃતકોને આપશે શ્રદ્ધાંજલિ આપશે.
મૃતકોના પરિવારજનોને મળીને સાત્વના પણ પાઠવશે. તો બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે જશે સુરત. શૈલેષ કલાઠીયાની અંતિમ વિધિમાં રહેશે હાજર. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી આર પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ રહેશે હાજર.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે, પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હાફિઝ ઝિયા અહેમદે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
પહેલગામ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ટુંક સમયમાં જ આકરો જવાબ આપવામાં આવશે. એવો જવાબ આપવામાં આવશે કે દુનિયા જોશે. કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. અમે કોઈપણ પરિસ્થિતિમાં ડરવાના નથી. ભારતને કયારેય પણ ડરાવી શકાશે નહીં.
Live Now
Raksha Mantri Shri Rajnath Singh delivering a memorial lecture on Marshal of the Indian Air Force Arjan Singh in New Delhi https://t.co/6vOMRcVSFr— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) April 23, 2025
પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ છેલ્લા એક વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આતંકવાદીઓએ ગયા વર્ષે મે મહિનામાં પૂંછમાં વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી, જુલાઈ 2024 માં, આ આતંકવાદીઓ જમ્મુથી કાશ્મીર પહોંચ્યા અને પછી કાશ્મીરના દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છુપાયા.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, NSA અજિત ડોભાલ પીએમ નરેન્દ્ર મોદીને મળવા પીએમ કાર્યાલયે પહોંચ્યા છે. ડોભાલ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ મંત્રાલયમાં યોજાયેલી બેઠક અંગે પીએમને સંપૂર્ણ માહિતી આપશે.
જમ્મુ અને કાશ્મીર સરકારે પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલાઓને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
પહેલગામ આતંકી હુમલાને લઈને, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની NSA અજિત ડોભાલ અને ત્રણેય સેનાના વડાઓ સાથેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ મુલાકાત લગભગ 2.30 કલાક ચાલી હતી.
જમ્મુ-કાશ્મીરઃ આતંકી હુમલા બાદ પ્રવાસીઓને સેનાની સુરક્ષા મળી છે. સેનાની સુરક્ષા સાથે પાટણના પ્રવાસીઓ પહલગામની મુલાકાત લેશે. ગુજરાતના અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં રોકાયા હતા.
આતંકી હુમલા મુદ્દે ગુજરાતીઓનો સરકાર પર વિશ્વાસ મક્કમ છે. સેનાની સુરક્ષા મળતા પ્રવાસીઓએ મોદી સરકારનો આભાર માન્યો
અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનીકલ ટ્રાયલ કૌભાંડમાં તપાસ સમિતી સમક્ષ ડૉક્ટરો જવાબ લખાવવા હાજર થયા. સસ્પેન્ડ કરાયેલા 7 ડૉક્ટર NHL મેડિકલ કોલેજમાં હાજર થયા. એક ડૉક્ટર બહારગામ હોવાથી તેમના પિતાએ હાજરી આપી. સસ્પેન્ડ કરાયેલા 8 ડૉક્ટરના જવાબ સમિતી સમક્ષ રજૂ થયા
પહલગામ આતંકી હુમલા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યુ કે આતંકી હુમલામાં દરેક ભારતીયને સ્વજન ગુમાવનારનું દર્દ છે. આ દુઃખને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. નિર્દોષના ભોગ લેનારાને છોડવામાં નહીં આવે. દેશવાસી અને મૃતકોના પરિવારને અમિત શાહે ભરોસો આપ્યો.
જમ્મુ કાશ્મીર: પહેલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન એલર્ટ બન્યુ છે. પાકિસ્તાને પહેલાથી જ હાઇ એલર્ટ જાહેર કર્યાનો ખુલાસો થયો છે. પાકિસ્તાને થલ સેના અને વાયુ સેનાને એલર્ટ કર્યા છે. પાકિસ્તાને તમામ ફોરવર્ડ બેઝને LOC પર એલર્ટ કર્યા છે. પેટ્રોલિંગ પાર્ટીને પણ બેઝ પર રહેવા આદેશ અપાયો. પાકિસ્તાની સેનાની 10 કોર્પ્સે સૈનિકોની સંખ્યા વધારી છે. 10 કોર્પ્સમાં આર્ટિલેરી મૂમેન્ટ અને સૈનિકોની મૂમેન્ટ ફોરવર્ડ બેઝ પર જોવા મળી.
સુરતઃ છતમાંથી પોપડા પડતા 12 વર્ષના બાળકનું મોત થયુ છે. 11 દિવસની સારવાર બાદ બાળકનું મોત થયુ. 11 એપ્રિલે બાળક પર છતના પોપડા પડ્યા હતા. એપાર્ટમેન્ટમાં રમતી વખતે બાળક પર પોપડા ખર્યા હતા. છતના પોપડા પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ. સુરતના સીમાડા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ઘટના બની છે. એકના એક દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
પહેલગામ આતંકી હુમલા માં ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા. ભાવનગરના પિતા પુત્રનું અવસાન થયું છે. ભાવનગર ના સુમિત પરમાર, યતેશ પરમારનું મૃત્યુ થયું છે. સુરતના શૈલેષ કલાઠીયાનું પણ મૃત્યુ થયું.
કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા. ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા. પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, આંચકના પગલે અનેક સ્થળે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 11.26 મિનિટે દુધઈ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો નોંધાયો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પુતિને કહ્યું, ‘આ ક્રૂર ગુના માટે કોઈ વાજબીપણું નથી.’ અમને આશા છે કે આ ગુનો કરનારા ગુનેગારોને યોગ્ય સજા મળશે. હું આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવામાં ભારતીય ભાગીદારો સાથે સહયોગ વધારવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા માંગુ છું.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાથી હું આઘાત પામ્યો છું. આ હિંસા માટે કોઈ વાજબીપણું નથી અને ઓસ્ટ્રેલિયા તેની નિંદા કરે છે. અમારી સંવેદનાઓ ઘાયલો, શોકગ્રસ્ત પ્રિયજનો અને ઓસ્ટ્રેલિયામાં આ ભયાનક સમાચારથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે.
I am shocked by the horrific terror attack on innocent civilians in Jammu and Kashmir overnight.
There is no justification for this violence and Australia condemns it.
Our hearts go out to the injured, to those mourning loved ones and to everyone in Australia touched by this…
— Anthony Albanese (@AlboMP) April 22, 2025
પહેલગામ આતંકવાદી હુમલાના પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને ભારત પાછા ફર્યા છે. તે આજે સવારે દિલ્હી પહોંચી ગયો.
Published On - 7:20 am, Wed, 23 April 25