લેબનોનમાં પેજર બાદ વોકી-ટોકી અને સોલાર ડિવાઇસમાં બ્લાસ્ટ થયો છે. 9ના મોત થયા છે,તો 300 લોકો ઘાયલ થયા છે. પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા હિઝબુલ્લા સાંસદના પુત્રના જનાજામાં પણ વિસ્ફોટ થયો છે. PM મોદી 21થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. ચોથી ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેશે. તો 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. મોદી કેબિનેટે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ને આપી મંજૂરી. પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે કરવાનો પ્રસ્તાવ.. કોંગ્રેસે વિરોધ કર્યો. અંતરિક્ષમાં ભારતનો દબદબો સ્થપાશે. 3 મોટા પ્રોજેક્ટને કેબિનેટની લીલીઝંડી મળી છે. ચંદ્રયાન-4, વિનસ ઓર્બિટર મિશન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનને મંજૂરી. વિસનગર સિવિલમાં દર્દી પાસે જબરદસ્તી ભાજપની સદસ્યતા માટે દબાણ કરાયું હોવાનો દાવો. તો બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયાનો કોંગ્રેસનો આક્ષેપ છે. જૂનાગઢમાં એક સાથે 35 સરપંચોએ સામૂહિક રાજીનામા ધરી દેતા ચકચાર. વિકાસના કામો ટલ્લે ચઢતા હોવાની ફરિયાદ કરી.
વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોના બળવા અંગે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સી. એમ.પટેલ જણાવ્યું છે કે, કોંગ્રેસના આયાતી લોકો ભાજપમાં આવતા આ સમસ્યા સર્જાઈ છે. અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી આવેલા છે, જેના કારણે બે ગૃપ છે. કોંગ્રેસ વાળાનું અને ભાજપ વાળાનું, જે અસલ કાર્યકર્તા છે. ભાજપના અસલ કાર્યકર્તા બદામ છે જ્યારે કોંગ્રેસમાંથી આવેલા મગફળી છે. તાલુકા પંચાયતની ચૂંટણી પછી સતત આવી સમસ્યા રહેવા પામી છે.
મોરબીમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ અને આયોજકો આમને સામને આવ્યા છે. સિદ્ધિ વિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજકો સામે મોરબી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો. વિસર્જન માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરી હોવા છતાં બંને આયોજકોએ પોતાની મનમાની દ્વારા મચ્છુ-3 ડેમમાં ગણેશ મૂર્તિનુ વિસર્જન કર્યું હતું. બંને આયોજકો સામે ગુન્હો નોંધાયા બાદ, આયોજકો એ એક પ્રેસ કોન્ફરન્સ કરી ડીવાયએસપી પી એ ઝાલા સામે ખોટી રીતે ગુન્હો દાખલ કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો.
સાંજે પોલીસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે જાહેરનામાનો ભંગ કર્યો હતો માટે ગુન્હો દાખલ થયેલ છે તેમ કહ્યું હતું. પોલીસ હાલ વિસર્જન સમયના વીડિઓ તપાસી રહી છે અને બીજા પણ કોઈ લોકોએ જાહેરનામાનો ભંગ કરતા જણાશે તો તેમની સામે પણ ગુન્હો દાખલ કરવાની વાત કહી છે. પોલીસે કહેલ કે અમે 565 જેટલી મૂર્તિઓનું વિસર્જન કર્યું તો આ બંનેનું પણ વિસર્જન કરાવી આપત પણ આયોજકો એ પોતાની મનમાની કરીને અન્ય જગ્યાએ વિસર્જન કર્યું હતું
અમદાવાદમાં નરોડા વિસ્તારના વેપારીને સ્ત્રી મીત્ર સાથે સંબંધ રાખવો મોંધો પડ્યો છે. કૃષ્ણનગરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને 1 કરોડની માંગણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં વેપારી પાસેથી ટુકડે ટુકડે 11 લાખ પડાવી લેનાર ભાઈ બહેન પ્રાચી પટેલ અને હરિ પટેલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાચીએ વેપારી સાથે મિત્રતા કેળવીને સંબધ બનાવ્યો હતો. અંગત પળોના ફોટો અને વીડિઓ ઉતારી લેવાયો હતો. જે વાયરલ કરવાની ધમકી આપીને વેપારીને બ્લેક મેઈલ કરવામાં આવી રહ્યો હતો. વેપારીની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આજે ગુરુવારે સાંજે બે પક્ષો વચ્ચે મોટી અથડામણ થઈ હતી. પહેલા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં પથ્થરમારો શરૂ થયો. આગચંપી પણ થઈ હતી, જેમાં અનેક વાહનો સળગ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં હજુ પણ તંગદિલીનો માહોલ છે.
ભરૂચમાં, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એકનુ મોત થયું છે જ્યારે 4 ને ઇજા પહોચી છે. આમોદ માતર અને સુઠોદરા ગામ વચ્ચે, કારનુ ટાયર ફટતા ટ્રક સાથે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાવનગરના વારુકદ ગામના દિનેશભાઈ વીરુભાઈ નામના યુવાનનું મોત થયું હતું. આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની આવક કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.70 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 0.98 સેમી દૂર છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સંગ્રહ કરવાની મહત્તમ સપાટી 138.68 મીટરની છે. ઉપરવાસ માંથી 74,659 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના 5 દરવાજામાંથી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 1 દરવાજા થકી 10,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના પાવરહાઉસ થકી નદી માં 42,166 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી માં કુલ 52,166 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખને DCP એ, પોલીસ સ્ટેશનમાંથી ધક્કા મારી કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ ખૂદ કોંગ્રેસના પ્રમુખે કર્યો છે. આ મુદ્દે વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાની વિગતો સામે આવી છે. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને ,પોલીસ સ્ટેશનમાંથી હાંકી કઢાયા છે. ડીસીપી ઝોન 2 અભય સોનીનો કોંગ્રેસ પ્રમુખ સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના અગ્રણીનું કહેવું છે કે, ડીસીપીએ રાજ્યનાં પૂર્વ મંત્રી ભીખા રબારીને પણ ધક્કા માર્યા હતા. ડીસીપીએ અપશબ્દો પણ બોલ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. જો કે કોંગ્રેસના કાર્યકરો આ ઘટનાની વિરુદ્ધમાં રાવપુરા પોલીસ સ્ટેશન બહાર જ ધરણાં પર બેસી ગયાં હતા. રાહુલ ગાંધીનાં અપમાન વિરૂદ્ધ કોંગ્રેસે વડોદરામાં રેલી યોજી હતી. રાહુલ ગાંધીનું અપમાન કરનાર સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસના આગેવાનો, વડોદરા પોલીસ કમિશનરને મળી તેઓ સાથે થયેલા ગેરવર્તન અંગે રજૂઆત કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવામાં તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનામાં તૈયાર કરાયેલા 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે. 15 વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલા આવાસ કોઈને ફાળવવામાં જ આવ્યા ન હતા. 15 વર્ષમાં જર્જરીત થતાં આ તમામ આવાસો વપરાશ થયા વિના જ તોડી પાડવામાં આવશે. સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા EWS આવાસ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બનાસકાંઠાના અંબાજીમાં આવતીકાલે માતાજીના દર્શને આવતા યાત્રિકો માટે મોટા સમાચાર છે. અંબાજી મંદિરમાં આવતીકાલે પ્રક્ષાલનવિધિ યોજાશે. ભાદરવી પૂનમ મહા મેળો પૂર્ણ થયા પછી વર્ષમાં એકવાર દર વર્ષે થાય છે પ્રક્ષાલનવિધિ. આવતીકાલે અંબાજી મંદિર બપોરે 1 વાગ્યા પછી બંધ રહેશે. માતાજીની સાંજની આરતી રાત્રે 9.00 કલાકે હાથ ધરવામાં આવશે. તા.21 થી આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.
સુરત શહેરમાંથી નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી, નકલી કસ્ટમના અધિકારીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા નકલી કસ્ટમ અધિકારી પાસેથી એક બંદૂક, વર્દી, આઈ કાર્ડ અને સર્ટીફિકેટ કબજે કર્યા છે. પોલીસે એક અર્ટિગા કાર પણ કબજે કરી છે. કાર પર CSICનું બોર્ડ મારવામાં આવ્યું હતું. આરોપી હિમાંશુ રાય પોતે કસ્ટમ અધિકારીનો સ્વાગ રચી રૂપિયા પડવાતો હતો.
વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના ચાર સભ્યોએ, કોંગ્રેસ અને અપક્ષ સાથે મળીને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ભાજપના મેન્ડેટ પરથી ચૂંટાયેલા 4 સભ્યે શિનોર તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષના બેઠેલ તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ 3 કોંગ્રેસ 1 અપક્ષ સાથે મળી તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી. કુલ 16 સભ્યો પૈકી 1 સભ્ય વિદેશમા હોય કુલ 15 સભ્યોની સંખ્યામાથી 8 સભ્યોની સહીથી રજુ કરાઈ અવિશ્વાસની દરખાસ્ત.
શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે. વિકાસના કામોની ફાળવણીમા તાલુકા પંચાયત સભ્યોને વિશ્વાસમા નહી લેવા ઉપરાંત અન્ય સામાન્ય વહીવટમા પણ સભ્યોને વિશ્વાસમા નહિ લેવાતા હોવાનો આક્ષેપ કરાયો છે. .
પાકિસ્તાનના રક્ષા મંત્રી આસિફ ખ્વાજાના નિવેદન પર ફારુક અબ્દુલ્લા ગુસ્સે થઈ ગયા. જ્યારે ફારુક અબ્દુલ્લાને ખ્વાજાના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, પાકિસ્તાન શુ કહે છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો. હું પાકિસ્તાની નથી. હું ભારતીય છું. પાકિસ્તાનના રક્ષા મંત્રી આસિફ ખ્વાજાએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાદવા અંગે પાકિસ્તાન સરકાર અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની સાથે છે.
પીપલગ APMC પાસે મહી કેનાલમાંથી કાર મહામહેનતે બહાર કાઢવામાં આવી છે. કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું નામ નરેન્દ્ર હોવાનું અને તે આણંદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. નડિયાદ રુરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં PM માટે લઈ જવાયો છે.
તાલુકા હેલ્થ ઓફિસ કલોલની અર્બન 2 ની ટીમ દ્વારા હાથ ધરાયેલ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બોગસ તબીબ ઝડપાયો છે. કલ્યાણપુરામાંથી ડીગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ પકડાયો છે. છેલ્લા કેટલાય સમયથી દવાખાનું ચલાવતો હોવાનું માલુમ પડ્યું છે. અર્બન ટીમે દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યની સરકારી યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોમાં હવે FRC લાગુ થશે. રાજ્ય સરકારના કોમન યુનિવર્સિટી એક્ટ અંતર્ગત FRC લાગુ થશે. FRC રાજ્યની 11 સરકારી યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોની ફી નક્કી કરશે. FRCના અધ્યક્ષ જે તે યુનિવર્સિટીના કુલપતિ રહેશે. કમિટીમાં સુપ્રિમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિવૃત જજ મેમ્બર બનશે. આ નિયમો ખાનગી યુનિવર્સિટીને નહીં લાગુ પડે.
સુરત: હર્ષ સંઘવીએ પ.બંગાળના CM પર નિશાન સાધ્યુ છે. તેમણે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કાર્યક્રમમાં નિવેદન આપ્યુ કે વર્ષ 2002માં પ.બંગાળનો GDPમાં ફાળો 8.4 ટકા હતો.આજે ગુજરાતનો GDPમાં ફાળો 8.1ટકા, જ્યારે પ. બંગાળનો 5.7ટકા છે. PM મોદીના પ્રયાસોને કારણે ગુજરાતનો વિકાસ થયો છે. વર્ષ 2002માં તત્કાલીન CM મોદીએ પ્રયાસ શરૂ કર્યો. પશ્ચિમ બંગાળ અને ગુજરાતના વિકાસની સંઘવીએ સરખામણી કરી.
વડોદરા: મનીષા ચોકડી પાસે માર્વેલ્સ મોબાઈલ શોપમાં ચોરી થઇ. અંદાજે 35 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા. ચોરીને અંજામ આપતા બે શખ્સ CCTVમાં કેદ થયા છે. દુકાનનું શટર ખોલીને બે તસ્કરો અંદર ત્રાટક્યા હતા. જે.પી.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરાઈ.
રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે 27થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છેૈ. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે. 3 ઓક્ટોબર સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
મોરબી- વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ખોટવાતા મુસાફરો અટવાયા છે. સવારે છ વાગ્યે ઉપડેલી ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી હતી. ઈન્ટરસિટી તેમજ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને હાલાકી પડી રહી છે. અમદાવાદ જવા માટે વંદે ભારતમાં ચઢવા ન દેતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાંકાનેર રેલવે સ્ટેશન પર 300થી 400 જેટલા મુસાફરો અટવાયા છે. વાંકાનેર સ્ટેશન પ્રબંધકને હેરાનગતિ મામલે રજૂઆત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રઃ ભંડારામાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના બની છે. શોભાયાત્રા દરમિયાન છત ઘસી પડતા 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોમાં મોટાભાગની મહિલાઓનો સમાવેશ થાય છે. છત પર વજન વધી જતા છત ધરાશાયી થઈ છે.
ભરૂચઃ મુમતાઝ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનીમાં વળતરની માગ કરી છે. વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટમાં ભારે વરસાદથી ખેડૂતોને નુક્સાન પહોંચ્યુ છે. કેટલીક જગ્યા પર ઘરમાં પાણી ઘસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યુ છે. અઢી મહિનાથી સતત વરસાદના કારણે વાવેતર ના થયું. ખેડૂતોને નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવા માંગ છે.
મોરબીઃ જુદાજુદા બે ગણેશોત્સવના આયોજકો સામે ગુના નોંધાયા. જાહેરનામાનો ભંગ કરીને મચ્છુ ત્રણમાં વિસર્જન કરતા ગુનો નોંધાયો છે. સિદ્ધિવિનાયક કા રાજા, મયુરનગરી કા રાજાના આયોજકો સામે ફરિયાદ નોંધાઇ. અરવિંદ બારૈયા અને વિશ્વાસ ભોરણીયા સામે ગુનો નોંધાયો.
નવસારીઃ સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ. લાંબા વિરામ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરીજનોને બફારાથી છુટકારો મળ્યો છે. ભાદરવા માસ દરમિયાન વરસેલો વરસાદ ડાંગરના પાક માટે ફાયદાકારક છે.
જૂનાગઢ: તાલુકાના 35 સરપંચોએ રાજીનામા આપ્યા. વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા છે. વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામા આપ્યા. બેઠક બોલાવીને TDO હાજર નહીં રહેતા સરપંચોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી GST સહિતના અનેક મુદ્દે વિવાદ ચાલે છે. ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરાતી હોવાનો આક્ષેપ છે.
Published On - 7:38 am, Thu, 19 September 24