દેશમાં “વન નેશન, વન ઇલેક્શન” અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે. આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યું છે. JPCના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વિવિધ બેઠકો યોજાશે, જેમાં આજે બપોરે અઢી વાગ્યાથી ચર્ચાનો દોર શરૂ થશે. બેઠક દરમિયાન મુખ્ય સચિવ સહિત 8 ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે પહેલેથી જ “વન નેશન, વન ઇલેક્શન”ને સમર્થન આપ્યું હોવાનું માનવામાં આવે છે. આવતીકાલે ડેલિગેશન રાજ્યના મુખ્યમંત્રી, સાંસદો અને ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. ઉપરાંત વિવિધ સંસ્થાઓના વડાઓ અને સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત યોજાશે. ગુજરાતમાં “વન નેશન, વન ઇલેક્શન” મુદ્દે યોજાતી આ પ્રથમ સત્તાવાર બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલી Zydus Lifesciencesના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર આખરે ફાયર વિભાગે કાબૂ મેળવી લીધો છે. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 7 ટીમોને સતત ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મોડી રાત સુધી ચાલેલા રેસ્ક્યૂ અને ફાયર ફાઈટિંગ ઓપરેશન બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે આગમાં ગોડાઉનનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ધોળકા પોલીસે ઘટના સ્થળે ચુસ્ત સુરક્ષા ગોઠવી વિસ્તારને કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા પૌરાણિક અંબાજી માતાના મંદિરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ મંદિરની છત તેમજ બાજુમાં આવેલી ફિલ્મ સિટીના અંબા મહેલ સુધી ફેલાઈ ગઈ હતી. મંદિરની પાછળ આવેલા ફિલ્મ સિટીના અનેક ઓરડાઓ આગની ચપેટમાં આવતા ભારે નુકસાન થયું હતું. દાંતામાં પૂરતી ફાયર સુવિધાનો અભાવ હોવાને કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને અનેક ઓરડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અંબાજીથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
દેશભરમાં આગ ઝરતી ગરમીનો કહેર યથાવત રહ્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાતા જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. દેશના 22થી વધુ શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં 43 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. બીજી તરફ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારે ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાપમાનમાં સતત વધારો થતાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે.
આજે 19 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:36 am, Tue, 19 May 26