17 ઓકટોબરના મહત્વના સમાચાર : ગુજરાતમાં 29,822 MW ની ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડબ્રેક વીજ માંગ, ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
આજે 17 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 17 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
મોરબીના રાજમાતા વિજ્યારાજ કુંવરબાનું 97 વર્ષની વયે નિધન, મુંબઈથી પાર્થિવ દેહ મોરબી લવાશે
મોરબી રાજવી પરિવારના મહારાણી સાહેબ (રાજમાતા) વિજ્યારાજ કુંવરબાનું 97 વર્ષની જૈફ વયે મુંબઈ ખાતે દુઃખદ અવસાન થતાં રાજવી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે; તેમના પાર્થિવ દેહને મુંબઈથી ચાર્ટર્ડ પ્લેન મારફતે રાજકોટ લાવી સાંજે મોરબી પહોંચાડવામાં આવશે,
જ્યાં આવતીકાલે નગરજનો માટે પાર્થિવ દેહને અંતિમ દર્શન અર્થે રાખ્યા બાદ રાજવી પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાણી સાહેબના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમગ્ર મોરબીવાસીઓને સામૂહિક શોક પાળી આવતીકાલે એક દિવસ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવભરી અપીલ કરી છે.
-
ગુજરાતમાં 29,822 MW ની ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડબ્રેક વીજ માંગ: ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
ગુજરાતમાં ગત 16 ઓક્ટોબર, 2026ના રોજ રાજ્યના ઇતિહાસની અત્યાર સુધીની સર્વોચ્ચ 29,822 મેગાવોટની રેકોર્ડબ્રેક વીજ માંગ નોંધાઈ છે, જે ગત વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ વીજ માંગમાં 36.6% અને દૈનિક વીજ વપરાશમાં 27% નો જંગી ઉછાળો (574 મિલિયન યુનિટ) દર્શાવે છે. રાજ્યની વીજ વિતરણ કંપનીઓમાં સૌથી વધુ વપરાશ PGVCL (30%), DGVCL (22%), UGVCL (22%) અને MGVCL (10%) માં નોંધાયો હતો.
વીજળીની આ અભૂતપૂર્વ માંગ પાછળ મુખ્યત્વે ‘અલ નીનો’ની અસરના લીધે ચોમાસા બાદ પણ સતત ઊંચા રહેલા તાપમાનથી વધેલો કૂલિંગ લોડ, ઊભા પાકને પિયત આપવા માટે ખેડૂતોની દૈનિક 12,000 મેગાવોટ સુધી પહોંચેલી કૃષિ માંગ, તેમજ નવરાત્રી અને દિવાળીના તહેવારોને કારણે ઔદ્યોગિક વપરાશમાં થયેલો વધારો જવાબદાર છે; બીજી તરફ ઓછા વરસાદ અને પવનની ધીમી ગતિના કારણે હાઇડ્રો તથા પવન ઊર્જા જેવા પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આ અભૂતપૂર્વ સ્થિતિને પહોંચી વળવા ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકારે તાત્કાલિક અને લાંબાગાળાના આયોજનના ભાગરૂપે મહત્ત્વના નિર્ણયો લીધા છે. કોલસા પુરવઠો જાળવવા કેન્દ્ર સરકાર દ્વારા GSECLને નવેમ્બર સુધી રોજના 10 થી 11 રેલવે રેક અને ત્યારબાદ 13 થી 14 રેક આપવાની ખાતરી અપાઈ છે, જ્યારે વધારાની વીજળી માટે NTPC ફરક્કામાંથી 379 MW, આસામમાંથી 500 MW અને કેન્દ્રીય ફાળામાંથી 500 MW ફાળવવામાં આવ્યા છે; ઉપરાંત ટૂંકાગાળાના ટાઈ-અપ હેઠળ ઓક્ટોબર માટે 2,990 MW, નવેમ્બર માટે 1,740 MW અને ડિસેમ્બર માટે 1,335 MWનું આયોજન સંપન્ન થયું છે.
સાંજે 5 થી 11 વાગ્યા દરમિયાન સોલાર ઉત્પાદન શૂન્ય થતાં કોલસા-ગેસ આધારિત પ્લાન્ટ્સમાંથી સપ્લાય સુનિશ્ચિત કરવા સાથે દિવસની સૌર ઊર્જા સંગ્રહવા 2,742 MW બેટરી સ્ટોરેજ (BESS) કરાર પૂર્ણ થયા છે (જેમાંથી 500 MW માર્ચ 2027 સુધીમાં કાર્યરત થશે), તેમજ ભવિષ્યના આયોજન હેઠળ NPCIL સાથે 4,200 MW ન્યુક્લિયર પાવર MoU, ઉકાઈ ખાતે 800 MW નિર્માણાધીન પ્લાન્ટ અને સિનોર, વણાકબોરી તથા ગાંધીનગરમાં નવા થર્મલ પ્લાન્ટ્સની પ્રક્રિયા તેજ કરાઈ છે; સરકારે નાગરિકોને રાજ્ય પાસે પૂરતો પુરવઠો હોવાની ખાતરી આપી અફવાઓથી દૂર રહેવા, શક્ય કામો દિવસ દરમિયાન પતાવવા અને સાંજે 5 થી 11 ના પીક અવર્સમાં વીજળીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ કરી છે.
-
-
જમ્મુના પલનવાલામાં પાકિસ્તાની PIA માર્કિંગવાળો શંકાસ્પદ ફુગ્ગો મળતાં ખળભળાટ, NCB એ ₹1.92 કરોડના હેરોઇન સાથે એક તસ્કરને ઝડપ્યો
જમ્મુના ખૌર ક્ષેત્ર હેઠળ આવતા પલનવાલા વિસ્તારમાં પાકિસ્તાનની સત્તાવાર એરલાઇન ‘PIA’ ના નિશાનવાળો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે; અગાઉ મે મહિનામાં પણ પંજાબના હોશિયારપુરમાં ખેતરોમાંથી આવો જ નાના વિમાન આકારનો ફુગ્ગો મળી આવ્યો હતો,
જેથી આ ફુગ્ગો સરહદ પારથી કયા ઈરાદે આવ્યો છે તેની સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે, જ્યારે બીજી તરફ જમ્મુમાં માદક પદાર્થોની તસ્કરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે દિગિયાના વિસ્તારમાંથી મીરાં સાહિબના રહેવાસી એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ₹1 કરોડ 92 લાખ 50 હજારની કિંમત ધરાવતું 385 ગ્રામ શંકાસ્પદ હેરોઇન (ચાર પેકેટમાં) કબ્જે કર્યું છે અને આ તસ્કરી પાછળના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરવા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
-
ગાંધીનગરના ખાત્રજ-મોટી ભોંયણ પાસે સિંઘલ ઇન્ડસ્ટ્રીઝમાં 800 ટન પ્લાસ્ટિકના રોલ આગની ઝપેટમાં આવતાં ‘મેજર કોલ’ જાહેર
ગાંધીનગરના ખાત્રજ મોટી ભોંયણ નજીક આવેલી ‘સિંઘલ ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ છે, જ્યાં ગોડાઉનમાં રહેલા 800 ટનથી વધુ પ્લાસ્ટિકના રોલ આગની ચપેટમાં આવી જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને બેકાબૂ બની ગઈ હતી.
ઘટનાની ભયાનકતાને જોતાં ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે અને કલોલ, કડી, માણસા, ગાંધીનગર GMC, અમદાવાદ GMC તેમજ અરવિંદ મિલ સહિતના આશરે 18 જેટલા ફાયર ફાઇટરો દ્વારા લાખો લીટર પાણી અને કેમિકલ ફોમનો મારો ચલાવીને કલાકોથી આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગ હજુ વધુ વકરવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી કલોલ SDM, મામલતદાર, TDO, તલાટી તેમજ સાંતેજ પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યો છે.
-
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: બાળકો સહિત દરેક વ્યક્તિ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મૂળભૂત અધિકાર
સુપ્રીમ કોર્ટે 15 ઓક્ટોબરના રોજ આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે બાળકો સહિત પ્રત્યેક નાગરિક માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ મૂળભૂત અધિકાર છે, જેને સર્વોચ્ચ અદાલતે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ) તેમજ અનુચ્છેદ 19(1)(a) (વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય) સાથે જોડ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની પીઠે ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ વિરુદ્ધ એસ. હરીશ’ કેસમાં આ ઐતિહાસિક ફેંસલો સંભળાવતાં સ્પષ્ટ કર્યું હતું કે બાળકોને ઓનલાઇન જોખમોથી બચાવવા માટે તેમના ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અયોગ્ય છે;
બાળકોની સુરક્ષા માટે હાનિકારક સામગ્રી અને તેના માટે જવાબદાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ, નહીં કે બાળકોને જ ઇન્ટરનેટથી દૂર કરી દેવા. સોશિયલ મીડિયા પરથી બાળ જાતીય શોષણ સંબંધિત આપત્તિજનક સામગ્રી દૂર કરવા, તેની રોકથામ કરવા અને પોલીસ ફરિયાદ નોંધવા અંગે જરૂરી નિર્દેશો આપતાં કોર્ટે ભારપૂર્વક નોંધ્યું કે વર્તમાન સમયમાં શિક્ષણ, જ્ઞાન, વિચાર અભિવ્યક્તિ અને પારસ્પરિક સંવાદ માટે ઇન્ટરનેટ અનિવાર્ય સાધન હોવાથી ઇન્ટરનેટની પહોંચને આ બંધારણીય અધિકારોથી અલગ કરીને જોઈ શકાય નહીં.
-
-
‘રંગ મોરલા’ ગરબા વિવાદમાં હિન્દુ સંગઠનોનો ખુલાસો, 8 વિધર્મી બાઉન્સરો સામે વિરોધ બાદ મંચ પરથી અપાઈ હતી સૂચના
અમદાવાદમાં યોજાયેલા જાણીતા આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા મહોત્સવમાં સર્જાયેલા વિવાદ અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના આગેવાનો દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, ગરબા ગ્રાઉન્ડ પર 8 જેટલા વિધર્મી બાઉન્સરો તૈનાત હોવાની અને તેઓ અન્ય લોકોને અંદર પ્રવેશ અપાવતા હોવાની માહિતી તેમના ગ્રૂપમાં મળી હતી.
આ સાથે એક હિન્દુ યુવતી સાથે અશોભનીય વર્તન થયાની ફરિયાદ પણ સામે આવી હતી, જેના પગલે કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સંગઠનના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે સ્ટેજ પર કોણ કલાકાર પરફોર્મ કરી રહ્યું છે તેનાથી તેમને મતલબ નથી, પરંતુ ગરબા મેદાનમાં આવા તત્વોનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
આ બાબતે આયોજકો સમક્ષ ઉગ્ર વાંધો ઉઠાવવામાં આવતા તેઓ સહમત થયા હતા અને સંગઠનની રજૂઆત બાદ જ સ્ટેજ પરથી એન્કર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે ગરબાનું વ્યાપારીકરણ થયું હોવા છતાં ભક્તિનો માહોલ જળવાઈ રહે તે માટે બાંધછોડ કરાઈ છે, પરંતુ માત્ર નફો કમાવાના હેતુથી ધર્મના નામે ખોટી પ્રવૃત્તિઓ ચલાવનારા તેમજ નિયમોની અવગણના કરનારા આયોજકો સામે પણ પગલાં લેવામાં આવશે.
-
સાબરકાંઠાના પ્રાંતિજ APMC માં ભાજપનો ભવ્ય વિજય, 10 માંથી 8 બેઠકો કબજે કરી મેળવી સ્પષ્ટ બહુમતી
સાબરકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં પ્રતિષ્ઠાભરી ગણાતી પ્રાંતિજ માર્કેટયાર્ડ (APMC) ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી વિજય મેળવી પોતાનો દબદબો સાબિત કર્યો છે. માર્કેટ યાર્ડની કુલ 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 8 બેઠકો પર ભગવો લહેરાવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.
જ્યારે બીજી તરફ સામે ઊભેલી ‘પરિવર્તન પેનલ’ માત્ર 2 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. પરિવર્તન પેનલમાંથી વિજેતા બનેલા બે ઉમેદવારોમાં એક સ્થાનિક કોંગ્રેસ આગેવાન તેમજ જિલ્લા સહકારી આગેવાનોના ટેકેદાર ઉમેદવારનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મળતાં હવે પ્રાંતિજ માર્કેટયાર્ડની સત્તા ભાજપ પ્રેરિત પેનલના હાથમાં રહેશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના બાદ સત્તાવાર રીતે સુકાન સોંપવામાં આવશે.
-
દિયોદર APMC માં ફરી ભગવો લહેરાયો, ભાજપે 16 માંથી 11 બેઠકો જીતી સત્તા જાળવી રાખી
બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી દિયોદર એપીએમસી (APMC) ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો રાજકીય દબદબો યથાવત રાખી ફરી સત્તા કબજે કરી છે. માર્કેટ યાર્ડની કુલ 16 બેઠકો માટે યોજાયેલી આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 11 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે,
જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલ માત્ર 5 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ચૂંટણી પરિણામોમાં સૌથી મોટો અપસેટ ખેડૂત વિભાગમાં સર્જાયો હતો, જ્યાં દિયોદર APMC ના વર્તમાન ચેરમેન માલા પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોમાંથી ભાજપ પેનલે 8 બેઠકો પર એકતરફી વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠકો ગઈ હતી.
વેપારી વિભાગની 4 બેઠકો પૈકી ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના પુત્ર નારણ ભુરિયા વિજયી બન્યા હતા. બીજી તરફ, ખરીદ-વેચાણ સંઘની બંને બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ જીત નોંધાવી હતી. પરિણામો બાદ કોંગ્રેસ પ્રેરિત પેનલે પોતાની હાર પાછળ ચૂંટણી અધિકારીની કામગીરીને જવાબદાર ઠેરવી પક્ષપાતના આક્ષેપો કર્યા હતા, જોકે ચૂંટણી અધિકારીએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા.
-
મહેસાણા, બનાસકાંઠા અને પાટણના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માગ, સાંસદે CMને લખ્યો પત્ર
ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે, ત્યારે મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની માગ ઉઠી છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ ખેડૂતોની હાલાકી અને રવિ પાક માટે પાણીની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને પત્ર લખી સિંચાઈનું પાણી આપવા રજૂઆત કરી છે. ચોમાસામાં ઓછો વરસાદ થતાં ખેડૂતો માટે રવિ પાકનું વાવેતર અને પાકને બચાવવાનો પડકાર ઊભો થયો છે. આ મુદ્દે આવતીકાલે પાટણનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને ખેડૂતોને પાણી પૂરું પાડવા રજૂઆત કરશે. ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળે તો રવિ પાકને નુકસાનથી બચાવવામાં મદદ મળી શકે છે.
-
વડોદરામાં શક્તિ સર્કલ ગરબા આયોજકોનું ઉઠમણું, ખેલૈયાઓ સાથે છેતરપિંડીના આક્ષેપ
વડોદરામાં શક્તિ સર્કલ ગરબાના આયોજકો સામે ખેલૈયાઓ સાથે છેતરપિંડી અને કરોડોની નાણાકીય ગોલમાલના ગંભીર આક્ષેપો થયા છે. કિંજલ દવે અને ઈશાની દવેના નામે ગરબાનું આયોજન કરીને ખેલૈયાઓ પાસેથી રૂ. 5થી 7 હજાર સુધીની રકમ ઉઘરાવવામાં આવી હોવાના આક્ષેપ છે. નવરાત્રિ દરમિયાન દસ રાત્રિ સુધી ગરબા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ છઠ્ઠા નોરતે જ આયોજન બંધ કરી દેવામાં આવતાં ખેલૈયાઓમાં ભારે રોષ ફેલાયો છે. આ ઉપરાંત, કલાકારોના મહેનતાણા અને ગરબા માટે લેવામાં આવેલી જગ્યાના ભાડાની રકમ પણ ચૂકવવામાં આવી ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ત્રણેય આયોજકોના ફોન બંધ હોવાનું અને તેઓ ફરાર થઈ ગયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે વિરોધ છતાં આયોજકો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. છેતરપિંડીનો ભોગ બન્યાનો દાવો કરતા ખેલૈયાઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જોકે, સમગ્ર મામલે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અને તપાસની વિગતો સામે આવવાની બાકી છે.
-
દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ વીજ સંકટની સ્થિતિ, સુરતના ઉદ્યોગો પર અસરની ભીતિ
દક્ષિણ ગુજરાતમાં આશરે 15 વર્ષ બાદ મોટા વીજ સંકટની સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. વીજ સંકટને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમો પર મોટી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઉદ્યોગો સાથે બેઠક યોજીને વીજકાપ અંગે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, અઠવાડિયામાં એક દિવસ સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવાની સૂચના અપાઈ હોવાનો દાવો છે. આ સમયગાળો ઔદ્યોગિક એકમો માટે મહત્ત્વનો હોવાથી પીક અવર્સ દરમિયાન વીજળી બંધ રહે તો ઉત્પાદન પ્રક્રિયા ઠપ થઈ શકે છે અને ઉદ્યોગોને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. બીજી તરફ, આ મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. જોકે, વીજકાપના કારણો, અમલની ચોક્કસ તારીખો અને અસરગ્રસ્ત ઔદ્યોગિક એકમો અંગેની સત્તાવાર વિગતો સ્પષ્ટ થવી જરૂરી છે.
-
ગાંધીનગરના કલોલના ખાત્રજમાં કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો દોડી
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજમાં આવેલી સંગમ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગને કારણે કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો પણ સામે આવવાની બાકી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
-
પાટણ: રાધનપુરના PSI પ્રવીણ મોરી સસ્પેન્ડ, યુવતીના અપહરણના પ્રયાસનો ગંભીર આક્ષેપ
પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રવીણ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે બનાસકાંઠાના ગઢ પોલીસ મથકે યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા અને અપહરણનો પ્રયાસ કરવાના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, PSI પ્રવીણ મોરીએ ગઢ પોલીસ મથક ખાતે યુવતીને પિસ્તોલ બતાવી ઢસડીને લઈ જવાનો અને ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. ગઢ પોલીસ લાઇનમાં પણ પિસ્તોલ બતાવી યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે. આ મામલે યુવતીએ જૂન મહિનામાં અમીરગઢ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. સમગ્ર પ્રકરણમાં ગંભીર આક્ષેપો સામે આવતાં PSI પ્રવીણ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
-
અંબાજીમાં માઈભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ
બનાસકાંઠાના અંબાજી ધામમાં મા અંબાનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાતાં મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી. મા અંબાના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ જગદંબાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે અંબાજી ધામમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને માઈભક્તોએ માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવી પરિવારની સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
-
વડોદરાના યુનાઇટેડ વે ગરબા ફરી વિવાદમાં, ID કાર્ડને લઈને સવાલો ઊઠ્યા
વડોદરાના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર બે યુવકો હિન્દુ ઓળખ ધારણ કરીને પહોંચ્યા હોવાના આક્ષેપ બાદ વિવાદ સર્જાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને બંને યુવકોને પકડી પોલીસને સોંપ્યા હતા. બોય્ઝ ઝોન એજન્સી દ્વારા યુવકોનાં હિન્દુ નામનાં ID કાર્ડ બનાવવામાં આવ્યાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પોલીસે બંને યુવકોને કબજામાં લઈને પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ, સમગ્ર મામલે યુનાઇટેડ વેના આયોજકોનો સંપર્ક થઈ શક્યો નહોતો, પરંતુ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે ટેલિફોનિક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્ડ બનાવવાની જવાબદારી સંબંધિત એજન્સીની છે અને કાર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યાં તે અંગે તેમને જાણ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવકોએ જે દસ્તાવેજો આપ્યા હશે, તેના આધારે કાર્ડ બનાવવામાં આવ્યાં હશે. આમ, આયોજકોએ સમગ્ર મામલે અજાણ હોવાનો દાવો કર્યો છે. જોકે, ID કાર્ડ કયા દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યાં હતાં અને આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
-
સુરતના ભેસ્તાનમાં નિર્માણાધીન સાઇટ પર દુર્ઘટના, પાણી ભરેલા ખાડામાં ડૂબી 2 બાળકોનાં મોત
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કની નિર્માણાધીન સાઇટ પર કરુણ દુર્ઘટના સર્જાઈ છે. લિફ્ટ માટે બનાવવામાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબકતાં બે બાળકોનાં મોત નીપજ્યાં છે. શ્રમિક પરિવાર કામમાં વ્યસ્ત હતો તે દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થળ પર શોકનો માહોલ છવાઈ ગયો હતો. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નિર્માણાધીન સાઇટ પર પાણી ભરેલા ખાડાની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે. જોકે, સમગ્ર ઘટનાની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
-
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, બસ કેનાલમાં ખાબકતાં ચારનાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર રાજસ્થાનના કોટા નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી એક બસ બેકાબૂ થઈને પલટી ખાઈ કેનાલમાં ખાબકતાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, કેનાલમાં ખાબકેલી બસને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ ગંભીર અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.
-
ખાતરના ભાવમાં ₹500નો મોટો વધારો? ખેડૂતોના ખેતી ખર્ચનું બજેટ ખોરવાવાની ભીતિ
ખેડૂતોને મોંઘવારી વચ્ચે વધુ એક ફટકો પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઇફકો (IFFCO) કંપની દ્વારા NPK/NPA ખાતરની એક થેલીના ભાવમાં સીધા ₹500નો વધારો કરવામાં આવ્યો હોવાનો દાવો છે. ખાતરની એક થેલીનો ભાવ ₹1,950થી વધીને ₹2,450 થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. રવિ પાકની શરૂઆત અને શેરડીના વાવેતરના સમયે જ ખાતરના ભાવમાં થયેલા આ વધારાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાતરની દરેક થેલી પાછળ ₹500 વધુ ચૂકવવા પડે તો ખેતીનો કુલ ખર્ચ વધવાની અને ખેડૂતોનું બજેટ ખોરવાઈ જવાની ભીતિ છે. આ ભાવવધારાને પગલે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, ઇફકોના આ ભાવવધારા સામે ખેડૂત સંગઠનો મેદાનમાં ઉતરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભાવવધારાની સત્તાવાર જાહેરાત અને કયા પ્રકારના ખાતર પર કેટલો વધારો લાગુ પડ્યો છે તે અંગેની પુષ્ટિ થવી જરૂરી છે.
-
વડોદરાના અલકાપુરી ગરનાળામાં ટ્રક ફસાઈ, ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા
વડોદરાના અલકાપુરી ગરનાળામાં મોટું વાહન ટ્રક ફસાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રક ફસાઈ જતાં અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ત્યારબાદ JCBની મદદથી ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. અલકાપુરી ગરનાળામાં વારંવાર સર્જાતી આવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોમાં અહીં ઓવરબ્રિજ બનાવવાની યોજના છે. ઓવરબ્રિજના નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ઓવરબ્રિજ બન્યા બાદ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા છે.
-
વડોદરાના ડેરી ચાર રસ્તા પાસે મારામારી અને તોડફોડ, CCTV ફૂટેજ સામે આવ્યા
વડોદરાના ડેરી ચાર રસ્તા પાસે આવેલી એક મીઠાઈની દુકાનમાં નાણાંની લેતીદેતી મામલે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. કેટલાક શખ્સો નાણાકીય વ્યવહારના મુદ્દે દુકાન પર પહોંચ્યા હતા અને ત્યારબાદ લાકડી-દંડા લઈને દુકાનની બહાર તોડફોડ કરી હોવાની માહિતી છે. આ સમગ્ર મારામારી અને તોડફોડની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ઘટનામાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં પગલાં ભરી રહી છે.
-
સુરતના હીરાબાગમાં શ્રીનાથજી આઈસ્ક્રીમમાં ગ્રાહકને ખરાબ ફ્રુટ સલાડ પીરસ્યાનો આક્ષેપ
સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી શ્રીનાથજી આઈસ્ક્રીમમાં ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયાનો આક્ષેપ સામે આવ્યો છે. દુકાનમાં એક ગ્રાહકને ખરાબ ફ્રુટ સલાડ પીરસવામાં આવતાં જાગૃત ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં દુકાનના સ્ટાફ દ્વારા પણ ફ્રુટ સલાડ ખરાબ હોવાનો સ્વીકાર કરવામાં આવતો હોવાનો દાવો કરાયો છે. આ મામલો સામે આવતાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને સવાલો ઊભા થયા છે. હવે આ અંગેની ફરિયાદ આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યા બાદ તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
-
ભરૂચની સાયખા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ, 5નાં મોત; બે કામદારો ગંભીર
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન પ્રચંડ વિસ્ફોટ થતાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય બે કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. બ્લાસ્ટને પગલે કંપનીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટની તીવ્રતાને કારણે મશીનરીના પાર્ટ્સ વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમોએ તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો અને તેમાં કોઈ ટેકનિકલ ખામી કે સલામતીના નિયમોના ભંગની ભૂમિકા હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
-
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા ફરી વિવાદમાં, બે યુવકોને પકડી પોલીસને સોંપાયા
વડોદરાના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર ફરી વિવાદ સર્જાયો છે. બે યુવકો હિન્દુ ઓળખ ધારણ કરીને ગરબામાં પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બંનેને પકડી પાડ્યા હતા. બોય્ઝ ઝોનની એજન્સી દ્વારા યુવકોનાં હિન્દુ નામનાં ID કાર્ડ બનાવવામાં આવ્યાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને બંને યુવકોને ગરબા ગ્રાઉન્ડ પરથી પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંનેને કબજામાં લઈ તેમની પૂછપરછ હાથ ધરી છે. જોકે, યુવકોની ઓળખ અને ID કાર્ડ સંબંધિત આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તથા તપાસના પરિણામ અંગેની વિગતો સામે આવવાની બાકી છે.
-
બનાસકાંઠાના અંબાજીના દિલીપ પ્રજાપતિ પર રાજસ્થાનમાં જીવલેણ હુમલો
બનાસકાંઠાના અંબાજીના દિલીપ પ્રજાપતિ પર રાજસ્થાનના જાંબુડીમાં જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. દિલીપ પ્રજાપતિ પર મોટા ટોળાએ કથિત રીતે ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ છે. રાજસ્થાનના સીકરની છપ્પનસો ગેંગે હુમલો કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હુમલાખોરોએ દિલીપ પ્રજાપતિને ઢોર માર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને પ્રથમ અંબાજીમાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા રાજસ્થાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
-
દિલ્હીમાં CJP નેતા અભિજીત દીપકેની 6 દિવસમાં બીજીવાર ધરપકડ
દિલ્હીમાં CJPના નેતા અભિજીત દીપકેની છ દિવસમાં બીજીવાર ધરપકડ કરવામાં આવી છે. ગત રોજ દીપકેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ BNSSની કલમ 126 અને 170 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ હવે અભિજીત દીપકેને આજે SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. છ દિવસમાં બીજીવાર ધરપકડ થતાં આ મામલો ચર્ચામાં આવ્યો છે.
Published On - Oct 17,2026 7:55 AM
