
આજે 08 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દાહોદમાં આવો જ ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાંગા ગામ વિસ્તારમાં ગેરકાયદે દારૂના વેચાણ અંગે પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે સ્થળ તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ સાથે ઉશ્કેરાઈ ગયેલા બુટલેગરોએ ઉગ્ર બોલાચાલી કરી. બુટલેગરોએ પોલીસકર્મીઓને ધમકી આપતા કહ્યું કે વારંવાર દારૂની રેડ કરવા કેમ આવો છો? અને છેવટે માથાભારે બુટલેગર અને તેના પુત્રએ મળીને પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેની ટીમ પર જ જીવલેણ હુમલો કરી દીધો. બુટલેગર પિતા-પુત્રની ટોળકીએ પોલીસના માથાના ભાગે કુહાડી વડે હુમલો કર્યો અને ફરજ બજાવવા ગયેલ પોલીસકર્મી લોહી લુહાણ હાલતમાં જ જમીન પર ઢળી પડ્યો. આ ઘટનાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સમગ્ર ઘટનામાં પોલીસકર્મીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા કુલ સાત ટાંકા આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે ફરાર બુટલેગરોને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.
ગાંધીનગરઃ ટાઈફોઈડના વધુ 14 કેસ સામે આવ્યા છે. 18 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 80 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 3110 ક્લોરિન ટેસ્ટમાંથી 2977 પીવા યોગ્ય આવ્યા છે. શહેરમાં પાઈપલાઈનમાં 48 લીકેજ મળી આવ્યા છે. તાત્કાલિક રિપેરિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટ અને ORSનું વિતરણ કરવામાં આવ્યુ. અસરગ્રસ્ત વિસ્તારમાં નાસ્તાની લારીઓ પણ બંધ કરાઈ છે.
વડોદરાના પાંચ ધારાસભ્યોએ પોકાર્યો છે બળવો અને અધિકારીઓ સામે ખોલી દીધો છે મોરચો. આમ તો આ પાંચેય ધારાસભ્યો પક્ષના ફોરમ પર રજૂઆત કરી શક્યા હોય. CS કે અન્ય અધિકારીઓને મળીને રજૂઆત કરી શક્યા હોત. પરંતુ પાંચેય ધારાસભ્યએ ખુલ્લો બળવો કરતા હોય એમ લેટર બૉમ્બ ફોડ્યો છે. વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્ય સંયુક્ત રીત મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.
મોટા ભાગે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જતાં ઓછું પેટ્રોલ ભર્યાનો અને ગેરરીતિ થયાનો આક્ષેપ લાગતો હોય છે. પરંતું જામનગરમાં ટુ વ્હીલર માલિકે પેટ્રોલ પંપ પર આશ્ચર્યજનક આરોપ લગાવ્યો છે. ટુ વ્હીલર ચાલકનો આરોપ છે કે તેના સ્કુટરમાં નિયત પ્રમાણ કરતાં વધારે પેટ્રોલ ભરવામાં આવ્યું છે. જે બાદ ટુ વ્હિલર માલિકે પુરવઠા તંત્રને ફરિયાદ કરતાં સ્કુટરની ટાંકી ખાલી કરીને પેટ્રોલનું પ્રમાણ માપવામાં આવ્યું. પુરવઠા વિભાગનું કહેવું છે કે પેટ્રોલ પંપના ટેન્કમાં નિયત પ્રમાણ કરતાં વધુ પેટ્રોલ પુરવામાં આવ્યું છે. કારણ કે કંપની દ્વારા મેન્યુફેક્ચરિંગ વખતે જ પેન્ટ્રોલની ટાંકીમાં વધારે ક્ષમતા રાખવામાં આવતી હોય છે. આમ પેટ્રોલ પંપ દ્વારા કોઈ ગેરરીતી ન થઈ હોવાનો પુરવઠા વિભાગે ખુલાસો કર્યો.
PM મોદી અને જર્મન ચાન્સેલરના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે. PM મોદી અને ફીડરિક મર્ઝ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી અને ફીડરિક મર્ઝ હ્રદય કુંજમાં ચરખો ચલાવશે. ગાંધી આશ્રમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદેશી મહેમાનના આગમનને પગલે ગાંધી આશ્રમના સ્ટાફમાં પણ ઉત્સાહ છે.
મહત્વનું છે કે આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, શિંજો આબે સહિતના વિશ્વસ્તરના નેતાઓએ પણ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે.
દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી લંબાઈ છે. તાપીના બાજીપુરા ખાતે ચૂંટણી વહેલી તકે યોજવાની માંગ સાથે પશુપાલકો મોટી સંખ્યમાં ઉમટ્યા. પશુપાલકોએ સુમુલના એમડી ને બોલાવી ઉગ્ર પ્રશ્નોતરી કરી. છેવટે સુમુલનાં એમ.ડી.એ એફિડેવેટથી લેખિત બાહેધરી આપતા મામલો શાંત પડ્યો.
બાજીપુરા સુમુલ કેન્દ્ર ખાતે 8 ઓગસ્ટ 2025 આગલી કમિટિની મુદત પુરી થઇ હતી અને 22 ઓગસ્ટ 2025થી કસ્ટોડીયન કમિટી કાર્યરત છે. હવે આગામી દિવસોમાં સુમુલ ડેરીનાં મેનેજીંગ ડિરેક્ટરે કરેલું એફિડેવિટ કોર્ટમાં રજૂ કરાશે. ત્યારબાદ કોર્ટ જે નિર્ણય કરશે એ માન્ય રહેશે એવું પશુપાલકોનાં આગેવાનોએ જણાવ્યું.
જામનગરમાં પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ ભરવામાં આવતું હોવાની ફરિયાદ થઈ છે. એક સ્કૂટર ચાલકને કંપનીએ નિયત કરેલ ટાંકીના પ્રમાણ કરતા વધુ પેટ્રોલ સમાવી દેવાયું હોવાનો આક્ષેપ કર્યો છે. સ્કૂટર માલિકને શંકા ગઈ કે નિયત પ્રમાણ કરતા વધુ પેટ્રોલ વધુ કેવી રીતે સમાઈ શકે. જેના પગલે સ્કૂટર માલિકે પૂરવઠા તંત્રને ફરિયાદ કરી. ફરિયાદના પગલે પૂરવઠા અધિકારી સહિતની ટીમ પંપ પર પહોંચી હતી. સ્કૂટરની ટાંકી ખાલી કરી પેટ્રોલનું પ્રમાણ માપવામાં આવ્યુ. સ્કૂટરની ટાંકીની ક્ષમતા કરતા વધુ પેટ્રોલ નીકળ્યુ હોવાનો પૂરવઠા તંત્ર દ્વારા દાવો કરાયો છે. સ્કૂટરની ટાંકીની ક્ષમતા કરતા વધુ પેટ્રોલ નીકળ્યુ હોવાનો પૂરવઠા તંત્ર દ્વારા દાવો કરાયો છે. કંપની દ્વારા મેન્યુફેક્ચરીંગ સમયે પેટ્રોલ ટેન્કમાં વધુ ક્ષમતા રાખવામાં આવતી હોય છે.
રાજકોટ: વિંછીયાના ઓરી ગામે ફાયરિંગ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. જૂથ અથડામણમાં સામસામે 4થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયુ. બન્ને પક્ષના 9 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. જેમા 5 આરોપી ઝડપાયા છે. પવનચક્કીના ધંધા બાબતે બે પક્ષો વચ્ચે બબાલ હતી. ત્રણ શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હતુ. જૂની અદાવતમાં ઘાતક હથિયારોથી હુમલો પણ કર્યો હતો. હથિયાર કબજે કરવા સહિતની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
દ્વારકાઃ ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળ્યો. ચાઇનીઝ દોરીથી બાળકને ગળા પર ગંભીર ઈજા પહોંચી. સલાયાના ડીવીનગર વિસ્તારમાં આ દુર્ઘટના બનીય. બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. ઉત્તરાણય પહેલા દુર્ઘટનાથી વાલીઓની ચિંતા વધી છે.
ભરૂચ: અંકલેશ્વરના જીતાલી ગામ નજીક ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા. ફાયરની 3 ટીમો ઘટનાસ્થળે પહોંચી. વિકરાળ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા. આગને કારણે ગોડાઉનમાં મૂકેલો સામાન બળીને ખાખ થઈ ગયો. આગ લાગવાનું કારણ અકબંધ છે.
અમદાવાદઃ શહેરમાં પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસ મેદાને છે. શહેરના 25થી વધુ વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસે AMCની દાણાપીઠ કચેરી ખાતે કોંગ્રેસે વિરોધ નોધાવ્યો. દૂષિત પાણી મામલે મેયર ઓફિસનો ઘેરાવ કર્યો. બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. શહેરમાં પીવાનું શુદ્ધ પાણી આપવા કોંગ્રેસે માગ કરી છે. તાત્કાલિક પગલાં નહી લેવાય તો કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરા: ગેરકાયદે બાંધકામ કરનારાઓની હવે ખેર નથી. ટાઉન પ્લાનિંગ વિભાગે બે દિવસમાં 30થી વધુ સ્થળે નોટિસ આપી છે. છેલ્લા 15 દિવસમાં 4 કરોડથી વધુનો દંડ વસૂલ કરાયો છે. ગેરકાયદે બાંધકામ અને મંજૂરી વગરની ઈમારત સામે કાર્યવાહી કરાઈ છે. તપાસ દરમિયાન 4થી વધુ એકમોને સીલ કરાયા છે. બિલ્ડિંગ વપરાશની બાબતોના નિયમોનો ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે.
ટ્રાફિકની સમસ્યાને પણ ધ્યાને લઈને ટાઉન પ્લેનિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદે પાર્કિંગ સામે અને મંજૂરી વગર ધમધમતી ઈમારતો સામે પણ તપાસ કરીને નોટિસ ફટકારવામાં આવી છે અને એટલું જ નહીં એકમો સીલ કરીને દંડ ફટકારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી: શેરીમાં રમતા બાળકને શ્વાને બચકા ભર્યા. સામાકાંઠા વિસ્તારની હરિપાર્ક સોસાયટીમાં આ ઘટના ઘટી. સોસાયટીમાં હડકાયા શ્વાનનો આતંક વધ્યો છે. બાળકને બચકા ભરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આઠથી દસ લોકોને બચકા ભર્યાની માહિતી મળી છે. શ્વાનના આતંકને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તંત્રની નબળી કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી હડકાયા શ્વાનનો આતંક વધ્યો છે.. અંદાજે 8 થી 10 જેટલા લોકો પર શ્વાને હુમલો કર્યો છે. ત્યારે સ્થાનિકોમાં અને બાળકોમાં શ્વાનના આતંકના લીધે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્વાનનો આતંક દૂર થાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી વિશ્વ વિખ્યાત કથાકાર મોરારીબાપુને સાંકળીને એક વાત વહેતી થઈ છે. જેને લઈને જાણીતા કથાકાર મોરારીબાપુનું એક નિવેદન સામે આવ્યું છે. મોરારિબાપુએ કોઈ બબાલમાં મધ્યસ્થી કરાવી કે કરાવી રહ્યાં હોવાની ચાલી રહેલી વાતો અંગે દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મોરારીબાપુએ કહ્યું કે, જે વાત વહેતી થઈ છે તે ઘટના સાથે મારે કોઈ જ લેવાદેવા નથી. હું છેલ્લા 9 દિવસથી અહીંયા કથાવાચન કરી રહ્યો છું. ત્યારે મને સાંકળીને
મારા માટે વાતો ચાલી રહી છે કે હું હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા ગયો છું, કોઈનું સમાધાન કરાવી રહ્યો છું. કેવી કેવી વાતો લોકો કરે છે તેવો પણ પ્રશ્ન તેમણે કર્યો હતો.
સરકારી નોકરીના નામ પર લોકોને ઠગવાના મામલે ED ના ગુજરાત સહીત 6 રાજ્યોમાં 15 સ્થળે દરોડા. 6 રાજ્યોમાં 15 સ્થળોએ ED ની ટીમો ત્રાટકી છે. યુપીના ગોરખપુરમાં ૨ સ્થળો, ઈલાહાબાદ અને લખનૌમાં 1-1 સ્થળે, બિહારના મુઝફ્ફરપુરમાં 1 અને મોતિહારીમાં 2 સ્થળો, પશ્ચિમ બંગાળના કોલકાતામાં ૨ સ્થળોએ ગેંગ હોવાની જાણકારી સહિત ચેન્નઇ, કેરળ અને રાજકોટમાં પણ દરોડા. એક ગેંગ દ્વારા સરકારી નોકરી અપાવવાના બહાને લોકો સાથે ઠગાઈ. નોકરી અપાવવાના બહાને નકલી કોલ લેટર અને નિયુક્તિ પત્ર અપાવામાં આવતા હતા. ભારતીય રેલવે અને અન્ય 40 જેટલી સરકારી વિભાગની ભરતીના નામે ચાલતું હતું સ્કેમ. પોસ્ટ વિભાગ, વન વિભાગ ટેક્સ ડિપાર્ટમેન્ટ, હાઇકોર્ટ, લોકનિર્માણ, બિહાર સરકાર, ડીડીએ અને રાજસ્થાન સચિવાલયમાં નોકરીના બહાને છેતરતી ગેંગ હતી સક્રિય. ખોટા ઇમેઇલ એકાઉન્ટ બનાવીને લોકોને નિયુક્તિ પત્ર મોકલવામાં આવતા હતા. એટલું જ નહીં લોકોને વિશ્વાસ બેસે એ માટે 2-3 મહિના સુધી કેટલાકના એકાઉન્ટમાં પગાર પણ ચૂકવાયો હતો.
કચ્છના લખપત અને માંડવીમાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ છે. પશ્ચિમ કચ્છ એલસીબી ટીમએ કડક કાર્યવાહી કરી. બંને કાર્યવાહીમાં કુલ 1.5 કરોડથી વધુનું મુદ્દામાલ કબજે કરાયો છે. લખપતના બરંદા ગામે થતી ગેરકાયદે મેટલ ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી છે. બરંદામાં ખનીજ ચોરી બદલ 1 હિટાચી મશીન, 1 આઇવા ટ્રક, 2 ટેકટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. માંડવીના પુનડી ગામે બેન્ટોનાઈટ ખનીજ ચોરી સામે કાર્યવાહી કરાઈ છે. પુનડીમાં ખનીજ ચોરી બદલ એક્સવેટર મશીન અને 2 ડમ્પર સામે કાર્યવાહી કરાઈ છે.
સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાંથી બે મોબાઈલ મળતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કુખ્યાત આરોપી પાસેથી આઈફોન અને કીપેડ ફોન મળ્યા છે. વિશાલ ગોસ્વામી જે ખોલી માં હતો તે ખોલીમાંથી મળ્યા મોબાઇલ. વિશાલ ગોસ્વામી ફાયરિંગ અને ખંડણીના ગુનાનો આરોપી છે. અગાઉ પણ જેલમાંથી અનેક વખત મળી ચુકયા છે મોબાઈલ. જેલની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.
ગુજરાતના ગાંધીનગર ખાતે 5 નવા મેટ્રો સ્ટેશનનો પ્રારંભ થશે. આગામી 12 જાન્યુઆરીના રોજ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર બનેલા 5 મેટ્રો સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. અમદાવાદની જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મેટ્રોમાં મુસાફરી કરશે PM નરેન્દ્ર મોદી. PM નરેન્દ્ર મોદી સાથે જર્મન ચાન્સેલર પર મેટ્રોમાં કરશે મુસાફરી. જે પાંચ નવા મેટ્રો સ્ટેશનની શરૂઆત થવાની છે તેમા અક્ષરધામ – જુના સચિવાલય – સેક્ટર 16 – સેક્ટર 24 અને મહાત્મા મંદિર સ્ટેશનનો સમાવેશ થાય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં દૈનિક 1.5 લાખથી વધુ મુસાફરો કરે છે મુસાફરી. નવા 5 સ્ટેશન શરૂ થયા બાદ અનેક લોકોને મળશે રાહત.
વિંછીયાના ઓરી ગામે જૂથ અથડામણ, સામસામે ફાયરિંગની ઘટના બની છે. જૂના વેરઝેરમાં ઘાતક હથિયારોથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો છે. વિંછીયા તાલુકાના ઓરી ગામે જૂના મનદુઃખમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ત્રણ લોકોએ હવામાં ફાયરીંગ પણ કર્યું હતું. ફાયરિંગ કરનાર લઘુ ધાધલ, પ્રતાપ ખાચર અને કુલદિપ ખાચરે ફાયરિંગ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. વિંછીયા પોલીસે બન્ને પક્ષે નવ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં આવેલા મોરૈયા ગામની બે ખાનગી કંપનીમાં આગ લાગી છે. મોરૈયાની પતરાના શેડમાં ચાલતી શ્રી હરિ પેપર અને પિન્ગાઝ કંપનીમાં લાગી વિકરાળ આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે 6 વાગે ફાયર વિભાગને કોલ મળતા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે. ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાણંદ નગરપાલિકા, બાવળા નગરપાલિકાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે. સદનસીબે હાલ વિકરાળ આગમાં કોઈ જાનહાનિ નહી. છેલ્લા 5 કલાકથી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
સુરત શહેરમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને આધારે સુરત પોલીસ એકટિવ થઈ હતી. મોટા વરાછા વિસ્તારમાંથી ઝડપાયો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો. ઉત્રાણ પોલીસે બાતમીના આધારે રેડ કરી બે યુવકોની ધરપકડ કરી. 89 હજારના 89 બોબીન કબ્જે કરવામાં આવ્યા. સુદામા ચોક ખાતે આવેલી કૃષ્ણઃ વોચ એન્ડ ગિફ્ટ નામની દુકાનની આડમાં વેંચતા હતા ચાઈનીઝ દોરી. ચાઈનીઝ દોરી લોકો માટે પ્રાણઘાતક, ઉતરાણ પોલીસે મુદ્દમાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી.
રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં ત્રણ દુકાનોના તાળા તોડી તેલના ડબ્બાની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. તસ્કરોએ રોકડ અને તેલના ડબ્બા ઉઠાવી ગયા હતા. દાણાપીઠના નિમેષ ટ્રેડર્સ, જલારામ ટ્રેડર્સ સહિતની દુકાનોમાં ચોરી થઈ. સીંગતેલ, રોકડ અને ખજૂર સહિતનો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા. રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીંગ ને લઈને સવાલો ઉઠવા લાગ્યા.
ગેસનું બિલ ચૂકવણા નહીં કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ વિભાગની બિલ ના ચૂકવનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. અભિયાન દરમિયાન કુલ રૂ.10.04 લાખની બાકી રકમની વસૂલાત કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી, 61 ઘરના ગેસ કનેક્શન કાપી નખાયા. ફતેહપુરા ચાર રસ્તા, જુની ઘડી, યાકુતપુરા, કાલુપુરા, બાજવાડા, પાણી ગેટ, ભેશવાડા, મોટી છીપવાડ, ખત્રીપોડ, દુધવાલા મોહલ્લો, નરસીજી પોલ વિસ્તારમાં કરાઇ કાર્યવાહી.
ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ રદ થઈ છે. ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનની અસર, મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કે રિફંડ અપાશે. ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
સુરતમાં શાકભાજીનો વેપાર કરતા શખ્સની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. રાંદેર રોડ પરથી પોલીસે ઝડપી પાડ્યો. નઝીલ સૈયદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોટર સાયકલ પર પસાર થતાં નઝીલને પોલીસે અટકાવ્યો હતો. જેની તપાસ કરતા 17 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સ અંગેની પૂછપરછમાં ઉઝેફ શેખ અને શોએબ નામના શખ્સોના નામ બહાર આવ્યા છે. બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા આરોપી પાસેથી રોકડા રૂપિયા, મોટર સાયકલ, ડ્રગ્સ મળી 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો. વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે.
ગુજરાતમાં બુધવારની સરખામણીએ ગુરુવારે ઠંડીનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. નલિયામાં ઠંડીનો પારો ગઈકાલની માફક 9 ડિગ્રીએ અટક્યો છે. જ્યારે રાજકોટમાં 10.1 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. કચ્છના ભૂજમાં ઠંડીનુ પ્રમાણ 10.2 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીના પ્રમાણ પર કરીએ એક નજર.
ગુજરાતમાં આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો પ્રારંભ થશે. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા અને પુનઃ નિર્માણના 75 વર્ષની ઉજવણી. CM ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવની કરશે પૂજા અર્ચના. રાજ્યના 243 શિવાલયોમાં 72 કલાક અખંડ શિવ ધૂન અને રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. 1000 થી વધુ શિવાલયોમાં એક દિવસીય આરાધનાનું આયોજન. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ઊજવાશે પર્વ. 11 જાન્યુઆરીના રોજ PM નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે કરશે દર્શન અને ભવ્ય રોડ શો.
તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા ખાતે બે જૂથ વચ્ચે રાત્રિ દરમ્યાન પથ્થરમારો થયો હતો. બાઇક ચાલક સાથે થયેલ બોલાચાલી જેવી નજીવી બાબતે મામલો ગરમાતા, બે જૂથ સામસામે આવી જઈ પથ્થરમારા કર્યો હતો. જિલ્લા પોલીસનો કાફલો દોડતો જઈને સ્થિતિને કાબૂમાં લીધી હતી. ખટીક ફળિયામાં બે જૂથના ટોળા વચ્ચે પથ્થર મારો થયો હતો. પથ્થરમારામાંઅંદાજે 7 થી 8 લોકોને ઈજા પહોચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જૂથ અથડામણમાં કેટલાક વાહનોને પણ નુકશાન પહોંચ્યું હતું. તાપી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાત્રિ દરમ્યાન ઘટના સ્થળે પહોંચ્યા. જૂથ અથડામણ માં સામેલ કેટલાક લોકોને પોલીસે અટક કરી. ગંભીર રીતે ઘાયલોને મહારાષ્ટ્રની નંદુરબાર હોસ્પિટલમાં જ્યારે કેટલાકને નિઝર હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ પરિસ્થિતિ કાબુ માં હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ, પશ્ચિમ રેલવે સેકશનમાં ચાલતા વિકાસના કાર્યોની રૂપરેખા આપતા કહ્યું કે, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા પ્લેટફોર્મના નવીનીકરણના કામો માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જેથી ભવિષ્યમાં ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે.
નવસારી શહેરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. 28 વર્ષિય તેજસ અરવિંદભાઈ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. નવસારી શહેરના છાપરાથી મોગાર જતાં માર્ગ ઉપર રખડતા ઢોર સાથે બાઈક ચાલક અથડાયો હતા. રખડતા ઢોરના કારણે શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી છે.
સામાકાંઠા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. શેરીમાં રમતા બાળકને શ્વાન એ બચકા ભર્યા હતા. સ્થાનિકોના જણાવ્યાનુસાર, દિવસ દરમ્યાન આઠ થી દસ લોકોને શ્વાને બચકા ભર્યા છે.
મનપા દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પગલા લેવામાં નથી આવ્યા.
વ્હાઇટ હાઉસે ટ્વિટ કરીને જાહેર કર્યું છે કે, “આજે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક રાષ્ટ્રપતિ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સને 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર કાઢવામાં આવશે. જે હવે યુએસ હિતોને સેવા આપતા નથી. આમાં 35 બિન-યુએન સંગઠનો અને 31 યુએન સંસ્થાઓનો સમાવેશ થાય છે.”
Published On - 7:08 am, Thu, 8 January 26