
આજે 06 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીએ 23 ફૂટની ભયજનક સપાટી વટાવી 24 ફૂટ પર પહોંચતાં તંત્ર સાબદું બન્યું છે. મનપાની ટીમે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગાડી ફેરવી લોકોને એલર્ટ કર્યા છે.
શહેરના ભેંસત ખાડા, ગધેવાન વિસ્તાર, રિંગ રોડ, બંદર રોડ સહિતના વિસ્તારોને એલર્ટ જાહેર કરાયા છે. જણાવી દઈએ કે, કેટલાક વિસ્તારના લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું છે. ભેંસત ખાડા વિસ્તારમાં આવેલ ગોટલી માતા અને ભક્તિ માતાની પ્રતિમાને પણ સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી છે.
અમદાવાદમાં હાર્ટ એટેકથી પોલીસ જવાનનું મોત થયું. ચાલુ ફરજે ASI પ્રવિણસિંહ ખાંટનું હાર્ટ એટેકના કારણે મોત થયું. તાજીયાના બંદોબસ્ત દરમિયાન રોલ કોલ વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
અમદાવાદ મનપાએ ચાલુ વર્ષે રસ્તા પરના ખાડા પુરવા માટે રૂ.47 કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. જોવાની વાત એ છે કે, ખાડાઓ પાછળ છેલ્લા 2 વર્ષમાં મનપા રૂ.70 કરોડ જેટલા ખર્ચ કરી ચૂકી છે.
છેલ્લા બે વર્ષમાં AMCએ રૂપિયા એક હજાર 406 કરોડના ખર્ચે 435 કિલોમીટરના રસ્તા બનાવ્યા છે પરંતુ તેની સામે બે વર્ષમાં લગભગ 615 જગ્યાએ 13 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ખાડાઓ પડ્યા છે. અમદાવાદની વસ્તી 90 લાખની આસપાસ છે. દરેક અમદાવાદીને સરેરાશ એક ખાડો 130થી 150 રૂપિયામાં પડ્યો છે. વિપક્ષનો આરોપ છે કે, રસ્તા પર ખાડાની ફરિયાદો વધુ છે, મનપા ખાડાના સાચા આંકડા છુપાવી રહી છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રાતથી પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. સમગ્ર વિસ્તારની હાલત ખરાબ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. સુરત શહેરમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો છે. નવસારી અને તાપી જિલ્લામાં પડેલા વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા, જ્યારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નદીઓની સપાટીમાં વધારો થયો છે.
ઈન્ડિયાએ પાંચમાં દિવસની શરૂઆતમાં જ ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું છે. ભારત હવે જીતથી ફક્ત 5 વિકેટ દૂર છે, જ્યારે ઇંગ્લેન્ડને હજુ પણ 516 રનની જરૂર છે.
આકાશ દીપે ભારતને શરૂઆતના સેશનમાં જ બે મોટી સફળતા અપાવી છે. ઓલી પોપ 24 રન અને હેરી બ્રૂક 23 રન બનાવીને આકાશ દીપના શિકાર બન્યા છે. ઇંગ્લેન્ડે 83 રનના સ્કોર પર જ 5 વિકેટ ગુમાવી દીધી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. બર્મિંગહામમાં ખરાબ હવામાનને કારણે રમત હજુ શરૂ થઈ નથી. ઇંગ્લેન્ડ સિરીઝમાં 1-0થી આગળ છે.
એજબેસ્ટનથી ભારતીય ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. વરસાદ બંધ થઈ ગયો છે અને અમ્પાયરો થોડીવારમાં ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ મેચ શરૂ થવાની શક્યતા છે.
Raining in Birmingham. The UK MetOffice forecast, which has been pretty good so far, says there will be rain till about 11 with a decreasing percentage thereafter.
— Harsha Bhogle (@bhogleharsha) July 6, 2025
બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ભારત તેની ઐતિહાસિક ટેસ્ટ જીતથી 7 વિકેટ દૂર છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 536 રન બનાવવા પડશે. ભારતે ઇંગ્લેન્ડને એજબેસ્ટન જીતવા માટે 608 રનનો રેકોર્ડ લક્ષ્યાંક આપ્યો છે.
બર્મિંગહામ ટેસ્ટના છેલ્લા દિવસે વરસાદના કારણે મેચ મોડી શરુ થશે. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 7 વિકેટની જરૂર છે.
આણંદમાંથી આજે ફરી એક નવી શ્વેત ક્રાંતિનો પ્રારંભ થયો છે. ટૂંકમાં કહીએ તો, અમૂલ મીઠા સહકારી મંડળીની જાહેરાત કરવામાં આવી છે. અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વી. કે. હુંબલે જણાવ્યું કે, આ પહેલના માધ્યમથી મીઠું પકવનારા અગરિયાઓ માટે હવે વૈશ્વિક મંચ ઉભો થશે. તેમણે એ પણ કહ્યું કે, આગામી 15 દિવસમાં મીઠાની સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવશે. 35 પૈસા કમાનારા અગરિયાઓને હવે 8 થી 10 ગણા રૂપિયા મળશે. અમૂલને વૈશ્વિક સ્તરે મીઠાનું માર્કેટિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે પર રીક્ષા અને મીનીટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 129 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી તાલુકાના ડોલવણમાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. સુરતના બારડોલીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ચુરાહ વિધાનસભા મતવિસ્તારના નાકરોડ-ચાંજુ રોડ પર બાઘેગઢ નાળામાં વાદળ ફાટવાથી રસ્તા પરનો લોખંડનો પુલ તણાઈ ગયો અને રસ્તો પણ તૂટી ગયો. તેના કારણે બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો. ચારદા, ચાંજુ, દેહરા, બાઘેગઢ ચાર ગ્રામ પંચાયતો રસ્તાથી સંપૂર્ણપણે કપાઈ ગઈ છે.
નવસારી રોડ પર પાણી ભારત લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ખાડીપૂરને કારણે રાજકારણીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવતા, આ કિસ્સામા સુરત શહેરના મેયર અને સ્થાનિક ધારાસભ્ય દોડ્યા હતા. મેયર દક્ષેશ માવાણી અને સ્થાનિક ધારાસભ્ય મનુભાઈ પટેલને પાણી ભરાવાની જાણ થતા જ ઘટના સ્થળે પહોચ્યા હતા. રોડની બન્ને બાજુ આવેલ ડ્રેનેજના ઢાકણ ખોલીને પાણીનો નિકાલ કરવા કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કેમિકલયુક્ત પાણી હોવાની જાણ થતા તેમણે ડાઇંગ કારખાના ચાલવતા લોકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આણંદના ઉમરેઠ પાસેના બેચરી ગામે વીજ કંરટ લાગતા બે યુવકના મોત થયા છે. મહોરમ નિમિત્તે કતલની રાત્રીએ તાજીયા રમતા વીજ્ કરંટ લાગ્યો હતો. મોહસીનખાન અને હુસેનખાનના મોત થયા હતા. તાજીયા રમતા તાજીયા વીજ વાયરને અડી જતાં બન્ને યુવક મોતને ભેટયા હતા. બેચરી ગામમાં મહોરમ પર્વ માતમમાં છવાયો હતો. ગામના બન્ને યુવકના મોત થતાં બેચરી ગામમાં શોકનો માહોલ પ્રસર્યો છે.
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે. તેની સાથેસાથે, અમદાવાદ શહેરમાં હાલમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ટ્રાફિક જામ થવાની સંભાવના છે. આ સંજોગોમાં મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની નિર્ધારિત ટ્રેનના પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી જાય, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
બનાસકાંઠાના વાવના ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે. વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોનો મોત નીપજયા હતા. માતા-પિતા અને પુત્રનું વિજ કરંટથી કરુણ મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવારજનોમાં માતમ છવાયો હતો. મૃતક પરિવારના મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં છે.
સુરતમા ખાડી પૂરને લઈને મળેલી હાઇ લેવલની બેઠકની વિગતો સામે આવી રહી છે. કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા અધિકારીઓને ખખડાવ્યા હોવાનુ કહેવાઈ રહ્યું છે. અલગ-અલગ વિભાગના 80થી વધુ અધિકારીઓ સાથે બન્ને પ્રધાનોએ અઢી કલાક સુધી બેઠક યોજી હતી. સુરતમાં થઈ રહેલા વિકાસને કારણે ખાડીપૂર આવ્યાનું ચિત્ર સિંચાઇ વિભાગે બતાવતા, CR પાટીલે તતડાવી કહ્યું, ‘રમતો બંધ કરો, જવાબદારી તમારી છે’. સુરતને નર્કાગાર બનાવનાર મેટ્રોના અધિકારીઓને પણ પ્રધાનોએ તતડાવ્યા હોવાની કાનાફૂંસી થઈ રહી છે.
ખાડીપૂરનો મુદ્દો પતી ગયા પછી મેટ્રોનો મુદ્દો ઊઠ્યો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રીતસર મેટ્રોના અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું હતું કે છ-છ મહિના પહેલાથી બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરી દેવામાં આવે છે. એટલે લાખો લોકોના ધંધા-રોજગાર છીનવાઇ જાય છે. જે સ્થળે કામગીરી કરવાની છે ત્યાં 4 દિવસ પહેલા બંધ કરોને. લોકોની તકલીફોનો તો વિચાર કરો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી બોલ્યા હતા કે, પાલ, ઉમરા, ભેંસાણમાં આટલા વર્ષોમાં ક્યારેય પાણી ભરાયા નથી. આ વખતે પહેલીવાર મેટ્રોના કારણે પાણી ભરાયા છે. આ પછી સી.આર. પાટીલે કહ્યું કામગીરી કરતા પહેલા કોર્પોરેશનની મંજૂરી લો.
વડોદરાના ડભોઇ તાલુકાના ગોઝાલી ગામે આડા સંબંધની શંકાએ પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો બનાવ બન્યો છે. પતિએ દંડા વડે બેરહેમી હાથ પગ અને બરડામાં પત્નીને માર માર્યો હતો. સારવારના અભાવે મોત થતા ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગોજલી ગામના નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ રેવલભાઈ વસાવાએ પત્ની રાધા વસાવાને આડા સંબંધની શંકાએ માર માર્યો હતો. રાધા વસાવાનું મોત નીપજતા ડભોઇ પોલીસે, મૃતક મહિલાના પતિ પ્રકાશ વસાવાની ધરપકડ કરી છે.
અમદાવાદના મણિનગરમાં યુવતી સાથે મેમો ભરવાના નામે 6 લાખની છેતરપિંડીનો કિસ્સો બન્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે, યુવતીના ભાઈના મિત્રોને કારનો મેમો ભરવા માટે કેટલાક દસ્તાવેજ આપ્યા હતા. આ દસ્તાવેજનો દુરપયોગ કરીને ખોટી સહી કરીને કાર ઉપર લોન લઈ લીધી હતી. આમ ભાઈના મિત્રોએ કરેલ રૂપિયા 6 લાખની છેતરપિંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને અન્ય એકની શોધખોળ શરૂ કરી છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે બીએનએસની કલમ 109 (1), 79, 115(2), 118(1), 351 (3), 352, 324(3) મુજબના ગુન્હાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ગુન્હા અંગે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ચૈતર વસાવાને રિમાન્ડ અર્થે બપોરના સમયે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.
સાબરકાંઠાના હિંમતનગરના દેરોલમાં ખાનગી ફ્લોર મીલમાં ધમકી આપી રૂપિયાની માંગણી કરનારા 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પત્રકાર અને પોલીસ સમન્વય સમતિના સભ્ય હોવાની ઓળખ આપી પૈસાની માંગણી કરી હતી. બે મહિલા અને બે પુરુષ સહિતની ચાર સભ્યોની ટોળકીએ ફ્લોર મીલમાં પહોંચી દાદાગીરી કરી હતી. 9 ટ્રકો સહિત 1.43 લાખ ટન ઘઉંનો જથ્થો અટકાવી પૈસાની માંગણી કરી હતી. પૈસા નહીં આપો તો મામલતદાર સહિતના અધિકારીઓને સ્થળ પર બોલાવીને અટકાયતી કાર્યવાહી કરવાની ધમકીઓ આપી હતી. ધમકીઓ આપીને પૈસાની માંગણી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક સપ્તાહની પ્રાથમિક તપાસ બાદ પૂરાવાઓ એકઠા કરીને પોલીસ ફરિયાદ નોંધી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે ચાર શખ્શોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં કૂલ 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે ગુજરાત રાજ્યમાં વર્તમાન ચોમાસામાં 43.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ ઝોનમાં 41.78 ટકા, ઉત્તર ગુજરાતમાં 39.15 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 42.42 ટકા, સૌરાષ્ટ્રમાં 43.71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.41 ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદના બગોદરા બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતને કારણે એક તરફનો હાઈવે રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. જેના કારણે હાઈવે રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો.
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. સંજય વસાવા સાથે થયેલ ઝપાઝપી બાબતે ચૈતર વસાવા વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે. ફરિયાદી સંજય વસાવાની એફ આઈ આરના આધારે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે અટકાયત કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પુછપરછ માટે લાવવામાં આવ્યા છે. પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. જોકે એલ સી બી ઓફીસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો યથાવત છે. નર્મદા પોલીસે એસ આર પીની એક ટુકડી રાજપીપળા એલ સી બી ખાતે હાજર રાખી છે.
2 થી 1 ના ગુણોત્તરમાં, તમને એક નવો રાજકીય પક્ષ જોઈએ છે અને તમને તે મળશે! જ્યારે આપણા દેશને કચરો અને ભ્રષ્ટાચારથી નાદાર કરવાની વાત આવે છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં, પણ એક પક્ષીય વ્યવસ્થામાં રહીએ છીએ. આજે, અમેરિકા પાર્ટી તમને તમારી સ્વતંત્રતા પાછી આપવા માટે બનાવવામાં આવી છે.
By a factor of 2 to 1, you want a new political party and you shall have it!
When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.
Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN
— Elon Musk (@elonmusk) July 5, 2025
Published On - 7:16 am, Sun, 6 July 25