આજે 06 એપ્રિલને રવિવારના રોજ રામનવમી છે. અયોધ્યામાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ પણ છે. જેને લઈને ભાજપ દ્વારા ગુજરાત સહીત સમગ્ર દેશમા વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા છે. આઈપીએલની 18મી સિઝનમાં આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રસાકસી ભરી મેચ યોજાશે. ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પંચમહાલઃ કૌટુંબિક ફુવાએ સગીરા પર આચર્યું દુષ્કર્મ. સગીરાના ભાઇને તાંત્રિક વિધીના બહાને સારો કરી આપવાની લાલચ આપી. ત્યારબાદ વિધીના બહાને સગીરાને સમશાન લઇ ગયો અને દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાએ આ ઘટનાની જાણ તેની માતાની કરી, ત્યારબાદ પરિવારે ફુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પાવાગઢ પોલીસે આ નરાધમ ફુઆની ધરપકડ કરી, તેની સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી છે.
અમદાવાદમાં ફરી એક વખત સર્જાયો અગ્નિકાંડ. રહેણાક મકાનમાં બનાવાયેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં એવી ભીષણ આગ લાગી કે બે જિંદગી હોમાઇ ગઇ. અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેણાંક મકાનમાં બનાવાયેલા ACના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ACના ગેસના બાટલા એક બાદ એક બ્લાસ્ટ થતા સર્વત્ર ભયનો માહોલ છવાયો. આગે જોતજોતામાં એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આસપાસના અન્ય મકાનો અને પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં આવ્યા. મામલાની જાણ થતાં જ અમદાવાદના અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી. સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. આગના બનાવમાં માતા અને પુત્રનું કરુણ મોત નિપજ્યું.
આગની ઘટના બાદ ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે. રહેણાક વિસ્તારમાં કેવી રીતે ગોડાઉન બનાવવામાં આવ્યું તે મોટો સવાલ છે. ગેરકાયદે રીતે બનેલા ગોડાઉનને કારણે બહુ મોટી જાનહાનિ થવાની પણ શક્યતા હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમણે ગોડાઉન મામલે તંત્રને રજૂઆતો કરી હતી છતાં કોઇ જ પગલાં ન લેવાયા.
કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, પોતાની જ પાર્ટીના નેતા હોવા છતા, કોંગ્રેસને ત્રિભોવન પટેલ કોણ છે તે પણ ખબર નથી. નરેન્દ્ર મોદીની સરકારે ત્રિભોવન પટેલના નામે સહકારી બિલ પસાર કર્યું છે. તેમના નામે યુનિવર્સિટી બનાવી છે. તો પણ કોંગ્રેસ ત્રિભોવન પટેલનું નામ કેમ આપ્યું તેમ કહીને વિરોધ કર્યો હતો.
ઈફકોની કામગીરી અંગે અમિત શાહે કહ્યું કે, ઇફકોનો રેકોર્ડ છે કે જે વસ્તુ હાથમાં લીધી તેને લોજીકલ રેકોર્ડ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આપણે આજે ખાતરના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યા છીએ. આજે ઇફકોનું 40 હજાર કરોડનું ટર્ન ઓવર છે અને 3200 કરોડનો નફો થયો છે. આજે ખાતરનો એક આખો થેલો ઇફકોએ, નાનકડી બોટલમાં ભરીને આપી દીધો છે. પહેલા હું મારા ગામમાં જોતો કે લોકો સાઇકલમાં પાછળ 2 થેલી ફર્ટિલાઇઝર લઈને જતા અને આજે કોઈ 2 બોટલ ખિસ્સામાં મૂકી દે તો પણ ખબર ના પડે.
સુરેન્દ્રનગર સાથણીની જમીનો ખુલ્લી કરીને, જમીનના કબજાઓ સોંપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં 27 એકર સાથણીની જમીન પરના કબજાઓની સોંપણીઓ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મોણપર ગામે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સાથણીની જમીનોના કબજા ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી. હતી. વર્ષોથી સાથણીની જમીનો ફાળવામાં આવી હતી, પણ કબજાઓ સોંપવામાં આવ્યા નહોતા. માજી સૈનિકો અને સર્વેયરોને સાથે રાખી પ્રાંત અધિકારી ચિઠ્ઠી ફેકી સાથે નક્કી કરી માપણી કરી હદ નક્કી કરી અને કબજો સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા સાથણીની જમીનોના 27 એકર જમીનના કબજાઓ સોંપવામાં આવ્યા.
તાલાલાના સાસણ રોડ પર આવેલ “ગીર પ્લસ રીસોર્ટ” માં પોલીસે પાડેલા દરોડામાં જુગારીઓ ઝડપાયા છે. આ જુગારીઓની પુછપરછ કરતા તેઓ રાજકોટથી જુગાર રમવા માટે રીસોર્ટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે “ગીર પ્લસ રીસોર્ટ” માથી વાહનો સહિત રૂપિયા 21 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધા છે.
નકલી નોટ કૌંભાડમાં રાજસ્થાન પોલીસે દાહોદથી વધુ એકને દબોચ્યો છે. નકલી ચલણી નોટ કૌભાંડમાં રાજસ્થાન પોલીસને સફળતા સાપડી છે. રાજસ્થાનના આંનદપૂરી પોલીસે વધુ એક ઇસમની ઝાલોદના ઠેરકાથી ઝડપી પાડ્યો છે. આરોપી દાહોદ શહેરના પડાવ વિસ્તારમા ભાડાનુ મકાન રાખી 5 લાખથી વધુની 100, 200, 500 ની દરની નોટો પ્રિન્ટ કરી હતી. અત્યાર સુધી નકલી ચલણી નોટ પ્રકરણમાં કુલ 11 જેટલા આરોપી પોલીસ એ ઝડપી પાડી 3,60,000/હજારની નકલી નોટો કબજે કરી છે. આરોપીઓ ગુજરાતના બોર્ડર વિસ્તારમા નકલી નોટો છાપી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમા ફરતી કરતા હતા. નકલી ચલણી નોટો કૌભાંડ અંગે રાજસ્થાન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસે 24 કિલો ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. એક મહિલા સહિત બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. મૂળ ઓરિસ્સાની મહિલા આરોપી છબીન હિનાદાસ અને રૂ સોમ્બા શેટ્ટીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 2.40 લાખની કિંમતનો 24 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આરોપીઓ ઓરિસ્સાથી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો લઈ સુરત ડિલિવરી કરવા આવ્યા હતા. ગાંજાનો જથ્થો સુરતના કોણે અને કયા ડિલિવરી કરવાનો હતો તેની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.
ગાંધીનગરથી એક અજીબ વીડિયો સામે આવ્યો છે. ગાંધીનગર ગીફ્ટ સીટી અને PDPU રોડ પર બાઈક ચાલક યુવક યુવતીઓનો વીડિયો વાયરલ થયો છે. બાઈક અને ઈલેક્ટ્રીક વ્હીકલ લઈને બુમો પાડી શૌર મચાવતા હોય તેવા દ્રશ્યો વીડિયોમાં સામે આવ્યા છે. મોડી રાત્રિના સમયે યુવકો અને યુવતીનો વીડિઓ સોશિયલ મીડિયા ઉપર થયો વાયરલ. શોર મચાવી અન્ય વાહન ચાલકોને કરી રહ્યા છે પરેશાન. કોણ છે એ તમામ યુવક યુવતીઓ કે જે મોડી રાત્રીએ જોરશોરથી બૂમો પાડીને અન્ય વાહનચાલકો માટે મુશ્કેલી સર્જે છે.
કેનેડામાં સુરતના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. મોટા વરાછાના ધર્મેશ કથીરિયા નામના યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી છે. પાડોશી દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ધર્મેશ કેનેડામાં અભ્યાસ સાથે ડિપાર્ટમેન્ટ સ્ટોર ચલાવી પરિવારને મદદ કરતો હતો. પરિવારને ન્યાય અપાવા ભારતના વિદેશમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે. કેનેડાથી મૃતદેહ ભારત લાવવામાં આવશે. મૃતદેહ લાવવામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયા મદદે આવ્યા હતા.
વડોદરા કારેલીબાગ હિટ એન્ડ રન કેસ, રક્ષિતની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરીને પોલીસે તેને જામીન પર મુક્ત કર્યો છે. પ્રાંશુના રિમાન્ડ નહીં માગતા, પોલીસની કાર્યવાહી સામે લોકો સવાલ કરી રહ્યાં છે. અકસ્માત પહેલા રક્ષિત ગાંજો લાવ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. ક્ષિત, પ્રાંશુ અને સુરેશ એમ ત્રણેય મિત્રોએ સાથે બેસીને ગાંજો પીધો હતો. સુરેશના ઘરે બેસી ફૂંક્યા હતા ગાંજાના ત્રણ કસ, સમગ્ર મામલે પોલીસ રક્ષિતને જેલમાંથી લાવીને NDPS અંગે કરશે પૂછપરછ.
વડોદરાના વાઘોડિયાના રાહકોઈ રસુલાબાદ ગામ વચ્ચે સ્નેચરોએ વૃદ્ધાનો ભોગ લીધો છે. દિયર સાથે વિધવા પેન્શનના નાણાં ઉપાડવા જતા વૃદ્ધાના ગળામાંથી સ્નેચરોએ ઓછોડો તોડતા નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનુ મોત થયું હતું. જરોદ પોલીસે, 2 બાઈક સવાર સામે ઓછોડો તોડવા અને હત્યા કરવાનો ગુનો નોંધી ભાગેડા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મહેસાણાના વિજાપુરની સસ્તા અનાજની 3 દુકાનનો પરવાનો રદ કરાયો છે. ત્રણ મહિના માટે સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરાયો છે. સરદારપુર, સુંદરપુર અને રામપુર કોટ વિસ્તારમાં દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી છે. અનાજ ઘટ સહિતના ક્ષતિઓ તપાસમાં નીકળી હતી. તપાસ અહેવાલ અને સુનાવણી બાદ પૂરવઠા અધિકારીએ હુકમ કર્યો.
સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે. વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. લોકસભામાં, તેના પક્ષમાં 288 અને વિરુદ્ધ 232 મત પડ્યા. બંને ગૃહોમાં વિપક્ષી પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે.
ધ્રાગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ નજીક ઘુડખર અભ્યારણમાં ખનીજ ચોરી કરતા ખનિજ માફિયા ઝડપાયા છે. મોટી માલવણ નજીક કચ્છના રણમાં ઘુડખર અભયારણ્ય આવેલ છે. આ અભયારણ્યમાં ખનિજ ચોરી થતી હોવાની બાતમી વન વિભાગને મળી હતી. જેથી વન વિભાગે અભયારણ્યમાં રેડ કરતા, બે ડમ્પરો અને એક હિટાચી મશીન રેતી ચોરી કરતા ઝડપાયુ હતુ. વન વિભાગે રૂપીયા 1.50 લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી છે. વન વિભાગની મંજુરી વગર અભયારણ્યમાં પ્રવેશ કરવો પ્રતિબંધ છે, છતા ખનીજ માફિયાઓ અભયારણ્યમાં પહોચ્યા હતા.
અનંત અંબાણીની 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકા પહોચ્યા છે. વાજતે ગાજતે અનંત અંબાણી દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા છે. અનંત અંબાણીની પદયાત્રામાં નીતા અંબાણી અને પત્નિ રાધિકા જોડાયા હતા. પદયાત્રા દરમિયાન વિવિધ રીતે લોકો સ્વાગત કરતા જોવા મળ્યા હતા. અનંત અંબાણીનું રેતચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બોલીવુડ સ્ટાર વીર પહાડિયા પણ અનંતની સાથે યાત્રામાં જોડાયા હતા. લોકોએ હર્ષભેર અનંત અંબાણીને આવકાર્યા હતા.
રામ નવમી પહેલા, અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર ફૂલો અને રોશનીથી ઝગમગ્યું છે. સતત બીજા વર્ષે, નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાની પ્રતિમા ઉપર સૂર્યતિલક કરાશે. આ માટે, IIT રૂરકી, ચેન્નાઈ વગેરેના વૈજ્ઞાનિકોએ વિવિધ સંસ્થાઓના નિષ્ણાતો સાથે મળીને શનિવારે સૂર્ય તિલકનું ટ્રાયલ કર્યું. શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે રવિવારે, રામ નવમી પર, સૂર્ય ભગવાન પોતે, પોતાના કિરણોથી રામ લલ્લાને લલાટે તિલક કરશે.
Published On - 7:16 am, Sun, 6 April 25