આજે 02 જુલાઇને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના સમયગાળામાં, ગુજરાતના 157 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 10.75 ઈંચ નોંધાયો છે. તો કેશોદમાં પણ 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મેમનગર, ગુરૂકુળ, વસ્ત્રાપુર, થલતેજ, એસજી હાઇવે, જોધપુરમાં વરસાદ વરસ્યો છે.
અમદાવાદના ધોળકા-સરખેજ હાઈવે પર અકસ્માતમાં 2 ના મોત થયા છે. એસટી અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઇકસવારના મોત થયા હતા. ધોળકા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.
આવતીકાલ તારીખ 3 જુલાઈને શુક્રવારથી EPFO ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા થવાનું શરૂ થશે. આગામી પંદર દિવસમાં તમામે તમામ સાત કરોડ સક્રિય ખાતાઓમાં સરકારે નક્કી કરેલા 8.25 ટકાના દરે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ દર લાગુ પડશે. એટલે કે, 2025-2026ના વર્ષમાં પ્રોવિડન્ડ ફંડ ખાતામાં જમા થયેલ રકમ ઉપર વાર્ષિક 8.25 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે.
ગીર સોમનાથના કોડીનારમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ બાદ નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી. કોડીનારના પાણી દરવાજા, વાસ સ્ટેશન રોડ, શિંગોડા બ્રિજ નજીક વરસાદી પાણી ભરાયા.
રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રોડ નીચાણ વાળા વિસ્તારમાં હોવાના કારણે પાણી ભરાયા.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે બચાવ તંત્ર એલર્ટ થયું છે. વલસાડમાં NDRF અને નવસારીમાં SDRFની ટીમ તહેનાત કરાઈ છે. નવસારીમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી પર તંત્ર નજર રાખી રહ્યું છે. પૂર સંભવિત વિસ્તારોમાં SDRF દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. NDRF અને ફાયર બ્રિગેડે વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત. પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા તંત્રે આગોતરી તૈયારી કરી.
મુસ્લિમ મહિલા દ્વારા હિન્દુ પ્રેમી પર એસિડ એટેકના કેસમાં કોર્ટે મહિલા આરોપીને 10 વર્ષની સજા ફટકારી. પુરુષ પ્રેમી પર એસિડ એટેક કરનાર મહિલાને સેશન્સ કોર્ટે 10 વર્ષની કેદ ફટકારી છે. કોર્ટે દોષિત મહિલાને ₹.1 લાખનો દંડ પણ ફટકાર્યો. પરિણીત પ્રેમીએ સંબંધ તોડી નાખતા મહિલાએ કાલુપુર AMTS બસ સ્ટેન્ડ ખાતે કર્યો હતો એસિડ હુમલો. હુમલામાં પીડિતની આંખ, પીઠ અને ગુપ્ત ભાગ ગંભીર રીતે દાઝ્યા, સારવાર બાદ પણ આંખની દ્રષ્ટિ પર અસર
FSL રિપોર્ટ, 8 સાક્ષી અને 15 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે મહિલાને દોષિત ઠેરવી. વર્ષ 2024માં કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં સિટી સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો.
જૂનાગઢના માળિયાહાટીના 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. મેઘલ નદી અને લાઠો દરિયો નદીમાં આવ્યું પૂર. મેઘલ નદીમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવનો વરસાદી પાણીએ જળાભિષેક કર્યો. સિદ્ધેશ્વર મહાદેવ બન્યા જળમગ્ન. માળિયાહાટીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
ગુજરાત સરકારની વિવિધ નાગરિક લક્ષી સેવાઓને ઓનલાઇન બનાવવા સરકારનો નવો અભિગમ. નવીન મહેસુલી સેવાઓનો મુખ્યમંત્રી એ ઈ ફાઈલિંગ સેવાનો રિમોટથી કરાવ્યો પ્રારંભ. IRCMS પોર્ટલ પર હવે કેસનું ઈ ફાઈલિંગ કરી શકાશે. ઘરે બેઠા અરજદારો કેસ કરી શકશે દાખલ. મુખ્યમંત્રી એ રેવા પ્રોજેક્ટનો રિમોર્ટથી શરૂ કરાવ્યો. રેવા પ્રોજેક્ટ થી ક્યુઆર કોડ દ્વારા લોકો મહેસૂલ સબંધી સીધા ફરિયાદ અને અભિપ્રાય આપી શકશે. રેવાથી મહેસૂલ સેવા વધુ પારદર્શક બનશે.
આગામી 2 કલાક એટલે સાંજના સાત કલાક સુધીમાં ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 8 જિલ્લામાં વરસાદનુ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠાના પાલનપુરમાં એક જ રાતમાં 6 આંગડિયાપેઢીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. આંગડિયા પેઢીના સંચાલકની ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પાલનપુરમાં તરખાટ મચાવનાર આંતર રાજ્યની સેતાન ગેંગના મુખ્ય સૂત્રધાર સહીત ત્રણને દબોચ્યા. મુંબઈથી એલસીબીની ટીમે ત્રણેયને દબોચી લીધા. પોલીસએ સીસીટીવી સહીત હ્યુમન ઇન્ટરલિજન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચી. ત્રણેય તસ્કરોએ અગાઉ પણ અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું. પોલીસએ 1.10 લાખના મુદ્દામાલ સાથે 3 ની અટકાયત કરી હાથ ધરી વધુ તપાસ.
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 14 જુલાઈએ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે હવે પેટાચૂંટણી યોજાઈ રહી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ પાંચ હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય થતાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બાબરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. બાબરા તાલુકાના દરેડ, ખાખરિયા, જામબરવાળા, કરિયાણા, લુણકી અને ઈંગરોળા સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તપેશ્વર મંદિર પરિસરમાં પણ પાણી ભરાઈ જતાં અવરજવર પ્રભાવિત થઈ હતી. શહેરના ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
નવસારીના મિથિલા નગરી વિસ્તારમાં રીંગ રોડ પર મસમોટો ભૂવો પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ માત્ર એક મહિના અગાઉ બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ પહેલા જ વરસાદમાં રસ્તો બેસી જતાં ભૂવો પડ્યો છે. રસ્તાની વચ્ચે ભૂવો પડતાં અકસ્માતની આશંકા વધી છે, જ્યારે GUDCની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરી સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી છે.
મહિસાગર જિલ્લામાં 6 દિવસના નવજાત બાળકને જંગલમાં ત્યજી દેવાના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં બાળકની માતાને શોધી કાઢી છે. તપાસ દરમિયાન મહિલાએ જ નવજાતને જંગલમાં ત્યજી દીધો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ રાજસ્થાનના ડુંગરપુરમાં બાળકને જન્મ આપ્યો હતો. વિવિધ ટીમોની સઘન તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે નવજાતની માતા સુધી પહોંચી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી છે. ટોડાં ગામની સ્થાનિક નદીમાં પૂર આવતાં ગામ નજીક આવેલા ડાયવર્ઝનનું ધોવાણ થઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાઈ જતાં કાલાવડ-ધોરાજી હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો છે. હાઈવેના બંને છેડે અનેક વાહનો અટવાઈ ગયા છે, જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નવી મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી બે વિદ્યાર્થીનીઓનું વરસાદી પાણીમાં કરંટ લાગતાં મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ વરસાદી પાણીમાં જીવતો વીજ વાયર પડી જતાં તેમાં કરંટ પ્રસરી ગયો હતો અને બંને છોકરીઓ તેના સંપર્કમાં આવતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે, જ્યારે વીજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
ગીરસોમનાથ જિલ્લામાં અવિરત મેઘસવારીનો માહોલ યથાવત રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વેરાવળમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સૂત્રાપાડામાં માત્ર 2 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત કોડિનાર, ઉના, ગીર-ગઢડા અને તાલાલા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને ખેતીના પાકોને પણ ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Published On - 7:42 am, Thu, 2 July 26