The liveblog has ended.
-
01 May 2026 08:00 PM (IST)
કડીમાં SMC એ ઝડપ્યો 35.70 લાખના મુદ્દામાલ સાથેનો દારૂ
કડીમાં SMC નો સપાટો, 35.70 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપાયો. કડીની નારે કોરોલા ફાર્મા કંપની પાસે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો. વાહનમાંથી રૂપિયા 25.46 લાખની 7272 વિદેશી દારૂની બોટલ જપ્ત. ભૂસાની આડમાં સંતાડીને લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. દારૂ, વાહન, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. 35.70.820 નો મુદ્દામાલ રિકવર કરાયો છે. દાંતીવાડાના 2 આરોપીઓ ઝડપાયા, સપ્લાયર સહિત 7 શખ્સો વોન્ટેડ.
-
01 May 2026 07:22 PM (IST)
નવી બંધાતી બિલ્ડગમાંથી ઈલેક્ટ્રીક વાયર ચોરી જતી ગેંગ ઝડપાઈ
જામનગરમાં ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ. શહેરમાં નવા બાંધકામો પરથી ઇલેક્ટ્રીક વાયરની કરતા ચોરી. ત્રણ નવા બાંધકામો પરથી વાયરની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ આરોપીઓને પકડવા ચક્રો કર્યા હતા ગતિમાન. પોલીસે 48 નંગ ઇલેક્ટ્રિક વાયર, મોટરસાયકલ સહિતનો મુદ્દમાલ જપ્ત કર્યો. સંજય રાઠોડ, પરબત રાઠોડ અને અમિતની ધરપકડ કરવામાં આવી. સુમાર પરમાર નામનો શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું. પોલીસે રૂ.2.04 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
-
-
01 May 2026 06:11 PM (IST)
અમદાવાદના વટવા અને નારોલ વિસ્તારમાં અસામાજીક તત્વોએ વાહનો અને મકાનમાં કરી તોડફોડ
વટવા અને નારોલ વિસ્તારમાં એક જ દિવસે બે ઘટનાઓ. પોલીસે સગીર અને મહિલાઓ સહિત 5 આરોપીની ધરપકડ કરી. આયેશા ઉર્ફે આશા ગેંગનો ખુલ્લેઆમ આતંક. ગેંગ દ્વારા સોસાયટીમાં તોડફોડ અને દહેશત ફેલાવવાનો પ્રયાસ. વાહનો અને મકાનના દરવાજા-બારણાને પહોંચાડ્યું નુકસાન. 25 માર્ચે પણ નારોલના સોફિયા પાર્કમાં કરી હતી તોડફોડ. તલવાર અને ધારીયા જેવા હથિયારો સાથે ગેંગ સક્રિય. નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
-
01 May 2026 05:52 PM (IST)
ગુજરાત રાજ્ય GST વિભાગની આવક 44 % વધીને રૂપિયા 9,916 કરોડની થઈ
ગુજરાત રાજ્ય GST વિભાગની આવકમાં 44 % નો વધારો નોંધાયો છે. એપ્રિલ-2026 માં રૂપિયા 9,916 કરોડની થઈ આવક. ગત વર્ષે GST ને એપ્રિલ-2026 માં થઈ હતી રૂપિયા 6,901 કરોડની આવક. GST ના અમલીકરણ બાદની સૌથી ઊંચી માસિક આવક. રાષ્ટ્રીય કક્ષાએ GST આવકનો ગ્રોથ 8.7% રહ્યો. વેટ હેઠળ એપ્રિલ-2026 માં 2,711 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,055 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની થઈ આવક. આમ કુલ આવક 13,703 કરોડની આવક નોંધવામાં આવી.
-
01 May 2026 05:31 PM (IST)
મોંધવારીના નામે મત મેળવનાર મોદી સરકાર નહીં મોંધી સરકાર, હવે પેટ્રોલ ડિઝલમા ખિસ્સા ખાલી કરાવશેઃ કોંગ્રેસ
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મોદી સરકાર સૌથી મોંઘી સરકાર છે. રેસ્ટોરન્ટો અને નાના ધાબાઓ પર ભાવ વધારાની સીધી અસર થાય છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7 વાર કોમર્શિયલ ગેસમાં ભાવ વધારો કરાયો છે. કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ 3100 રૂપિયા થશે. 2026માં કોમર્શિયલ ગેસના ભાવમાં રૂ.1500 સુધીનો વધારો થયો છે. ચૂંટણી પૂર્ણ થતા હજી પણ અનેક ક્ષેત્રમાં ભાવ વધારો આવશે એવું લાગી રહ્યું છે. માર્ચ મહિનામાં ઘરેલું ગેસ પર પણ ભાવ વધારો કર્યો હતો પણ ચૂંટણી હોવાથી વધુ ભાવ વધારો કર્યો નહોતો. મોંઘવારીના નામે મતો મેળવ્યા એ જ સરકાર આજે સૌથી મોંઘી સરકાર સાબિત થઈ રહી છે. કોમર્શિયલ ગેસ,પેટ્રોલ-ડીઝલનો કેટલો જથ્થો છે તેની વિગતો સરકાર જાહેર કરે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા માટે પણ જનતા તૈયારી રાખે.
-
01 May 2026 05:28 PM (IST)
જગદીશ વિશ્વકર્માએ મહિલાઓના પાલવ સુધીની વાત કરીને ઠાકોર સમાજની દીકરી અને દલિત સમાજના નેતાનું અપમાન કર્યુંઃ બળદેવ ઠાકોર
ભાજપ પ્રદેશ પ્રમુખના વિવાદિત નિવેદન મુદ્દે બળદેવજી ઠાકોર લાલઘૂમ થયા છે. જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોર વિશે કરેલી ટિપ્પણીની કરી આકરી નિંદા. મહિલાઓના પાલવ સુધી વાત પહોંચાડવી એ ભાજપ નેતાનો અતિ અભદ્ર વ્યવહાર. ઠાકોર સમાજની દીકરી અને દલિત સમાજના નેતાનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જગદીશ વિશ્વકર્માને બાળબુદ્ધિ ગણાવી તાત્કાલિક જાહેરમાં માફી માંગવા કરી માંગ. જો માફી નહીં મંગાય તો ભાજપના આગામી કાર્યક્રમોનો સખત વિરોધ કરવાની આપી ચીમકી. નારી સન્માનની વાતો કરતી ભાજપ પાર્ટીના પ્રમુખને બોલવાનું ભાન ન હોવાનો કટાક્ષ. સમગ્ર મામલે માતૃશક્તિ અને સમાજને આગળ આવી વિરોધ નોંધાવવા બળદેવજીની અપીલ.
-
01 May 2026 02:39 PM (IST)
દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત
દ્વારકા જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. પોશીત્રા ગામમાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી સર્વે નંબર 567માં થયેલા ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. અંદાજે 650 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્રના જણાવ્યા મુજબ આશરે 16.25 લાખ રૂપિયાનાં આ ગેરકાયદેસર દબાણોને દૂર કરીને જમીન મુક્ત કરાવવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
-
01 May 2026 02:38 PM (IST)
ગેનીબેન ઠાકોર પર ભાજપ પ્રદેશ પ્રમુખનું વિવાદિત નિવેદન
પાલનપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જગદીશ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. કાર્યકર્તાઓને સંબોધતા તેઓએ ગેનીબેન ઠાકોર વિશે વિવાદિત ટિપ્પણી કરતાં કહ્યું કે “તમારા સાડીના પાલવમાંથી બહેનોએ સીટો છીનવી લીધી.” આ નિવેદન સામે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને વિરોધ પક્ષ દ્વારા પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ રાજકીય ઘમાસાણ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
-
01 May 2026 02:37 PM (IST)
48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડાની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે ગરમી અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. હાલમાં પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી 48 કલાક સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાયું છે. જોકે 48 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર થતાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે, જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહી શકે છે. જોકે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા થોડું નીચું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
-
01 May 2026 01:51 PM (IST)
રાજકોટના પડવલા ગામમાં ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું: કુખ્યાત અલી મોહમદ સોઢાનું ગેરકાયદેસર મકાન જમીનદોસ્ત
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુખ્યાત અલી મોહમદ સોઢાના ગેરકાયદેસર બાંધકામ પર “દાદાનું બુલડોઝર” ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ આરોપીએ સરકારી જમીન પર અંદાજે 300 વાર જેટલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેણાંક મકાન બાંધ્યું હતું, જેનો ખર્ચ આશરે 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અલી મોહમદ સોઢા સામે 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તાજેતરમાં જ તેણે ગામના એક વ્યક્તિ પર ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પીડિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કાર્યવાહી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી, PI, ASP સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર ઓપરેશનને ધ્યાનમાં રાખીને પડવલા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
-
01 May 2026 01:08 PM (IST)
અમદાવાદ: વિવાદિત સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટવાયુ
અમદાવાદમાં આવેલી વિવાદિત સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ICSE બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં આ સ્કૂલના આશરે 1200 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટવાઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ દેશભરની અંદાજે 11 શાળાઓનું પરિણામ હાલ જાહેર કરવામાં આવ્યું નથી. આ મામલે સ્કૂલના આચાર્યે ICSE બોર્ડ સાથે વાતચીત કરી છે, જ્યારે બોર્ડ તરફથી પણ શક્ય તેટલી વહેલી તકે પરિણામ જાહેર કરવાની ખાતરી આપવામાં આવી છે.
-
01 May 2026 12:43 PM (IST)
અમરેલીઃ ગીર જંગલના ખજૂરી નેસ નેસડામાં વિવાદ બાદ કાર્યક્રમ રદ
અમરેલી જિલ્લામાં આવેલા ગીર જંગલના ખજૂરી નેસ વિસ્તારમાં યોજાનારા ‘સંસ્કૃતિ દર્શન’ કાર્યક્રમને લઈને ઉભો થયેલો વિવાદ અંતે કાર્યક્રમ રદ્દ થવામાં ફેરવાયો છે. પત્રિકા વાયરલ થતા ઉભેલા વિરોધ બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. આ વિવાદ અંગે ટ્રસ્ટના પ્રમુખ મનસુખ સુવાગિયાએ નિવેદન આપતા જણાવ્યું કે આ કાર્યક્રમ મનોરંજન માટે નહીં પરંતુ ગીરના ગાય-ભેંસોના સંવર્ધન અને માલધારી વિકાસ માટે યોજવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે ગીર જંગલ માલધારી વિકાસ સંઘ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ સકારાત્મક હતો. તેમના જણાવ્યા મુજબ, “સારો ઉદ્દેશ હતો અને રાજભા આ વિસ્તારના હોવાથી ભજન-દુહા ગાવાના હતા.” તેમણે વિરોધ કરનાર લોકો પર આક્ષેપ કરતા કહ્યું કે જે લોકો એક વૃક્ષ પણ વાવ્યું નથી તેઓ જ વિરોધ કરે છે. સાથે જ તેમણે ઉમેર્યું કે તેમના પરિવારના સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના ન હતા. સમગ્ર મામલે હવે સ્થાનિક સ્તરે ચર્ચા વધુ તેજ બની છે.
-
01 May 2026 11:45 AM (IST)
ભરૂચઃ ભાજપનો ખેસ પહેરીને બદલો લેવાની ધમકી આપવાનો વીડિયો વાયરલ
ભરૂચ જિલ્લામાં રાજકીય વિવાદનો એક વીડિયો વાયરલ થતાં હલચલ મચી છે. કાવી તાલુકા પંચાયત બેઠકમાં પરાજય બાદ જંબુસરના દેહગામ વિસ્તારમાં પાણી બંધ કરવાની ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં ભાજપનો ખેસ પહેરીને એક વ્યક્તિ બદલો લેવાની વાત કરતો જોવા મળ્યો હોવાનું કહેવાય છે અને આ વીડિયો વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરવામાં આવ્યો હતો. આ મામલો જંબુસર વિસ્તારમાં વધુ ચર્ચાનો વિષય બન્યો છે. પરાજિત ઉમેદવાર તરીકે ઓળખાતા શકીલ ખાલીદ અહેમદ મલેકનો વીડિયો સામે આવ્યા બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
-
01 May 2026 10:31 AM (IST)
પોરબંદર: પરણિતાએ પ્રેમીથી થયેલા બાળકને દાટી દેતા ચકચાર
પોરબંદર જિલ્લામાં માધવપુર વિસ્તાર નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંડેર ગામની એક પરણિતા ઘણા સમયથી પિયરમાં રહેતી હતી, જ્યાં તેના પ્રેમસંબંધમાંથી બાળક જન્મ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે પરણિતાના પતિએ તેની પત્નીના પ્રેમસંબંધનો ભાંડો ફોડીને પોલીસને લેખિતમાં જાણ કરી હતી. આરોપ મુજબ બાળકને પોરબંદર-વેરાવળ હાઈવે નજીક દાટી દેવામાં આવ્યું હતું. બાળકનો જન્મ લેડી હોસ્પિટલમાં થયો હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે પરણિત મહિલા અને તેની માતાની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે FSL અને ડોગ સ્ક્વોડની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી છે.
-
01 May 2026 10:21 AM (IST)
એર ઇન્ડીયાએ ફ્લાઇટ ઘટાડવાનો કર્યો નિર્ણય
એર ઇન્ડિયાએ જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા ધરખમ વધારાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપની હવે દરરોજ આશરે 100 જેટલી ફ્લાઇટ ઓછી ઉડાડશે, જેથી વધતા ઓપરેશનલ ખર્ચને નિયંત્રિત કરી શકાય. વધતા ઈંધણના ખર્ચના કારણે એરલાઈન ઉદ્યોગ પર દબાણ વધી રહ્યું છે, અને આ નિર્ણય તેનો સીધો અસરકારક પ્રતિસાદ માનવામાં આવે છે. મુસાફરોને ફ્લાઇટ ઉપલબ્ધતા અને સમયપત્રકમાં ફેરફારોનો સામનો કરવો પડી શકે છે.
-
01 May 2026 09:55 AM (IST)
સુરેન્દ્રનગર: પાવડરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરીનો એક મોટો પર્દાફાશ થયો છે. ધાંગધ્રા-હળવદ હાઈવે પર LCB પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ટ્રકની તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ટ્રકમાં સફેદ પાવડરની આડમાં છુપાવીને રાખવામાં આવેલી દારૂની 3518 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ.10 લાખની કિંમતનો દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂ.30.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
01 May 2026 09:18 AM (IST)
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ
સુરતમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્ય માટે ગૌરવસભર પહેલ કરવામાં આવી છે. શહેરના ચોર્યાસી વિસ્તારમાં દેશનો પહેલો માનવ રહિત અને બેરિયરલેસ ટોલબૂથ લોન્ચ કરવામાં આવ્યો છે. તાઈવાનની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ટોલબૂથ 20 મીટર દૂરથી જ વાહનની નંબર પ્લેટ સ્કેન કરી શકે છે, જેના કારણે વાહનચાલકોને રોકાવાની જરૂર નહીં રહે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વચાલિત હોવાથી નિયમોનો ભંગ કરનાર માટે તરત જ ઈ-ચલણ જનરેટ થઈ જશે. આ નવી વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થામાં આધુનિકતા લાવવાની સાથે સમય બચત અને પારદર્શિતા વધારવામાં મદદરૂપ સાબિત થશે.
-
01 May 2026 08:54 AM (IST)
ગીરના ખજુરી નેસમાં મંજૂરી વગર ‘સંસ્કૃતિ દર્શન’ કાર્યક્રમથી વિવાદ
અમરેલી જિલ્લામાં આવેલા ગીર જંગલના જાણીતા ખજુરી નેસ વિસ્તારમાં મંજૂરી વગર ‘સંસ્કૃતિ દર્શન’ કાર્યક્રમ યોજવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ હેઠળ આવેલા આ નેસમાં કાર્યક્રમ અંગેની પત્રિકા વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. પત્રિકામાં બહારથી મહેમાનોને આમંત્રિત કરવાના, ગીરના જંગલમાં રાત્રી રોકાણ તેમજ ભજન-ડાયરાઓ યોજવાના ઉલ્લેખથી પ્રકૃતિ સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ છે. ખાસ કરીને પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા નેસડામાં આવા કાર્યક્રમને મંજૂરી કેવી રીતે મળી તે મુદ્દે ચર્ચા તેજ બની છે. પત્રિકામાં પરષોત્તમ રૂપાલા અને રાજ્યના પૂર્વ વનમંત્રી મુલુ બેરા સહિત કલાકારોની હાજરીનો પણ ઉલ્લેખ છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે આયોજકોને નોટિસ ફટકારી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
01 May 2026 08:32 AM (IST)
કચ્છઃ દાદા સાથે ઘર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા પૌત્રને કારે મારી ટક્કર
કચ્છ જિલ્લામાં દુર્ઘટનાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા દાદા સાથેના પૌત્રને એક કારએ ટક્કર મારી હતી. આ અકસ્માત મોટાપીર રોડ પર મુસ્લિમ ચોકડી નજીક સર્જાયો હતો, જેની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતમાં પૌત્ર ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
-
01 May 2026 07:51 AM (IST)
મધ્ય પ્રદેશઃ જબલપુરના ક્રુઝ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 6 પર પહોંચ્યો
મધ્ય પ્રદેશના જબલપુર નજીક આવેલા બરગી ડેમમાં થયેલી ક્રુઝ દુર્ઘટનાએ ચિંતા ફેલાવી છે. પર્યટકોથી ભરેલી ક્રુઝ ગઇકાલે ડેમના પાણીમાં ડૂબી જતા અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હજુ પણ 9 લોકો લાપતા હોવાનું જણાવવામાં આવે છે. દુર્ઘટના સમયે ક્રુઝમાં કુલ 31 લોકો સવાર હતા, જેમાંથી 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઑપરેશન સતત ચાલુ છે. આ ક્રુઝનું સંચાલન મધ્ય પ્રદેશ પર્યટન નિગમ દ્વારા કરવામાં આવે છે.
-
01 May 2026 07:25 AM (IST)
ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ગુજરાતના 66માં સ્થાપના દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને શુભકામના પાઠવી. CM ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંબોધન આપતા ગુજરાતના છેલ્લા અઢી દાયકાની અવિરત વિકાસ યાત્રાને યાદ કરી. રાજ્યમાં થયેલા વીજ, પાણી, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે આમુલ પરિવર્તનને બિરદાવતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા જનસમર્થન માટે આભાર માન્યો.