
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદનોના ઝડપી પરિવહન માટે એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ, રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કિસાન પરિવહન યોજના હેઠળ ‘સનેડો’ તરીકે ઓળખાતા “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર” કૃષિ સાધનની ખરીદી માટે ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે કૃષિ પ્રધાને ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ મલ્ટીપર્પઝ કામો માટે “સનેડો” નામના ત્રિ-ચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો અને વિવિધ સ્તરેથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપીને રાજ્ય સરકારે સનેડાની ખરીદી માટે મળતી રૂ. 25,000ની સહાયમાં વધારો કર્યો છે.
હવે રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂતોને સનેડાની ખરીદી માટે કુલ ખર્ચના 40 ટકા અથવા મહત્તમ રૂ. 60,000ની સહાય મળશે. જ્યારે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 75000ની સહાય મળશે, તેમ જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, ખેડૂતો આ સહાય સાત વર્ષમાં માત્ર એકવાર મેળવી શકશે. ખરીદેલું સાધન ભારત સરકારની સંસ્થા દ્વારા ટેસ્ટેડ અને i-Khedut પોર્ટલ પર નોંધાયેલું હોવું ફરજિયાત છે. આ વાહનનો ઉપયોગ માત્ર કૃષિ પેદાશોના પરિવહન માટે જ કરવાનો રહેશે. વાહન ખરીદ્યા બાદ આગામી ૨ વર્ષ સુધી તેનું વેચાણ કરી શકાશે નહીં, તેમજ તેમાં પેસેન્જર પરિવહન માટે કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
આ નિર્ણય બદલ રાજ્યના ખેડૂતો તથા ખેડૂત સંગઠનો દ્વારા રાજ્ય સરકાર, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ સરાહનીય નિર્ણયથી કૃષિ ઉત્પાદનોને બજાર સુધી સમયસર પહોંચાડવામાં સરળતા રહેશે, પરિવહન પાછળ થતો ખર્ચ ઘટશે અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.