અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા ‘ગુજરાતના ખેડૂતો’, વિજ્ઞાન જાથાનો વિરોધ ફગાવી ફરી આગાહી શરૂ કરવા કરી ‘માંગ’

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાના વિવાદોથી કંટાળીને આગાહીઓ કરવાનું બંધ કરવાની જાહેરાત કરતાં જ ગુજરાતના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અંબાલાલ કાકાના આ અચાનક નિર્ણય બાદ હવે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ખેડૂતો તેમના સમર્થનમાં ખુલ્લીને મેદાનમાં આવ્યા છે.

અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા ગુજરાતના ખેડૂતો, વિજ્ઞાન જાથાનો વિરોધ ફગાવી ફરી આગાહી શરૂ કરવા કરી માંગ
| Updated on: Jul 13, 2026 | 8:31 PM

ગુજરાત રાજ્યના જાણીતા અને ઘરે-ઘરે લોકપ્રિય એવા આગાહીકાર અંબાલાલ પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતાં જણાવ્યું છે કે, તેઓ હવે પછી હવામાન અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. વારંવાર વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવતા વિરોધ અને વધતા વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે આખરે આગાહી કરવાનું બંધ કરવાનો આકરો નિર્ણય લીધો છે.

અંબાલાલ પટેલે શું કહ્યું?

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તેમની ઉંમર થઈ ગઈ હોવાથી હવે તેમને કોઈ વિવાદમાં પડવું નથી. વિજ્ઞાન જાથા વારે ઘડીએ વિવાદો ઊભા કરે છે, જેના કારણે હવે તેઓ હવામાન અંગે આગાહી કરવાનું બંધ કરી રહ્યા છે. અંબાલાલ કાકાના આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતો ભારે પરેશાન થઈ ગયા છે અને સમગ્ર ખેડૂત આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ખેડૂતો અંબાલાલ પટેલના સમર્થનમાં

અંબાલાલ પટેલની આગાહીઓ ખેડૂતો ખૂબ જ ધ્યાનથી સાંભળતા હોય છે અને તેના આધારે પોતાના પાકનું આયોજન કરતા હોય છે, તેથી આ નિર્ણય બાદ હવે ગુજરાતના ખેડૂતો અંબાલાલ પટેલના સમર્થનમાં ખુલ્લીને સામે આવ્યા છે.

અંબાલાલ પટેલ કેવી રીતે આગાહી કરતાં હતા?

અંબાલાલ પટેલ કોઈ અંદાજે નહીં પરંતુ ચોક્કસ પદ્ધતિથી વિશ્લેષણ કરીને ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, ગ્રહો અને નક્ષત્રોની મદદથી ગણતરી કરીને આગાહી કરતા હતા. તેઓ પંચાંગ અને જ્યોતિષીય યોગનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાની સાથે ઋતુચક્ર તેમજ વર્ષોના પોતાના બહોળા અનુભવનો ઉપયોગ કરીને પરંપરાગત પદ્ધતિ પર આધારિત આગાહી આપતા હતા. તેમનો આ અભિગમ વૈજ્ઞાનિક હવામાન મોડેલથી તદ્દન અલગ અને સત્તાવાર હવામાન વિભાગથી સંપૂર્ણ સ્વતંત્ર વિશ્લેષણ પર આધારિત હતો.

જયંત પંડ્યાનો વિરોધ

બીજી તરફ, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા કરવામાં આવેલા નિવેદનનો અન્ય આગાહીકારોએ પણ સખત વિરોધ કર્યો છે અને તેઓ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે. જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામીએ જયંત પંડ્યાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યું છે કે, આગાહીકારો ભડલી વાક્ય અને ગ્રહ-નક્ષત્રના આધારે જ આગાહી કરે છે.

આ પ્રક્રિયામાં આશરે 8 ટકા જેટલી આગાહીઓ ખોટી પડતી હોય છે પરંતુ તેનાથી બધા આગાહીકારો ખોટા સાબિત નથી થતા. તેમણે વધુમાં આકરા પ્રહારો કરતાં કહ્યું કે, જયંત પંડ્યાને ભારતીય સંસ્કૃતિમાં કોઈ વિશ્વાસ નથી અને તેમની વિચારધારા સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિ વિરોધી છે.

અંબાલાલ પટેલની આગાહી 90 થી 95 ટકા જેટલી સાચી પડતી: ખેડૂતોનો દાવો

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરવાનું બંધ કરવાની જાહેરાત કર્યા બાદ હવે ગુજરાતના અને ખાસ કરીને રાજકોટના ખેડૂતો તેમના સમર્થનમાં ખુલ્લીને સામે આવ્યા છે.

ખેડૂતોનો દાવો છે કે, અંબાલાલ પટેલની આગાહી હંમેશા 90 થી 95 ટકા જેટલી સાચી પડતી હોય છે. વાતાવરણ અને હવામાનમાં અચાનક થતા ફેરફારોને કારણે જો ક્યારેક 5 ટકા જેટલી ભૂલ થાય તો તે બિલકુલ સ્વાભાવિક બાબત છે. ખેડૂતો આજે પણ અંબાલાલ પટેલની આગાહી પર પૂરેપૂરો ભરોસો રાખે છે અને તેમનું સ્પષ્ટપણે માનવું છે કે, અંબાલાલ પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં જ હવામાનની આગાહી કરતા હતા.

ફરીથી હવામાનની આગાહી શરૂ કરો:  રાજ્યના ખેડૂતો

ખેડૂતોનું વધુમાં માનવું છે કે, હવામાનમાં અચાનક આવતા બદલાવોને કારણે ભૂતકાળમાં કદાચ કેટલીક આગાહીઓ ખોટી પડી હોઈ શકે પરંતુ અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ હંમેશા ખેડૂતો માટે અત્યંત વિશ્વસનીય સાબિત રહી છે. આ જ કારણે વિજ્ઞાન જાથા દ્વારા ઊભા કરાયેલા વિવાદો અને તેમની વાતોને સંપૂર્ણપણે ફગાવી દઈને અંબાલાલ પટેલે ખેડૂતોના હિત માટે ફરીથી હવામાનની આગાહી શરૂ કરવી જોઈએ તેવી જોરદાર માંગ અત્યારે ખેડૂત આલમમાંથી ઊઠી રહી છે.

ભાવનગરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ‘મંદીનો માહોલ’, બાંધકામ ખર્ચ વધતા બિલ્ડરો મુશ્કેલીમાં – જુઓ Video

Published On - 8:13 pm, Mon, 13 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.