Gujarat : અને રાજેન્દ્ર અસારીએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી બે ગોળીઓ ધરબી દીધી !

|

Jul 02, 2021 | 7:10 PM

Gujarat : પોલીસ ટીમને રસ્તામાં ડફેરો મળ્યા અને એક અકલ્પનિય ઘટના સર્જાઇ. અંતે પોલીસ જેને ત્રણ વર્ષથી શોધતી હતી તે ગેંગ પકડાઇ ગઇ અને તત્કાલીન ડીવાયએસ.પી અને હાલના ડીઆઈજી રાજેન્દ્ર અસારીને 2004માં ગેલેન્ટરી એવોર્ડ મળ્યો

Gujarat : અને રાજેન્દ્ર અસારીએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી બે ગોળીઓ ધરબી દીધી !
સત્ય ઘટના : ગેલેન્ટરી એવોર્ડની

Follow us on

Gujarat : ગોધરા, આજથી બે દાયકા પહેલા ગુજરાતમાં ગુનેગારો માટેનો સેફ પેસેજ ગણાતો. મધ્યપ્રદેશથી આવતા દેશી હથિયારોની હેરાફેરી ઉપરાંત જાંબુવા ગેંગ, ચિખલીગર ગેંગ અને ચડ્ડીબનિયનધારી ગેંગની અવરજવર ગોધરા અને તેની આસપાસના વિસ્તારમાંથી રહેતી હતી. આ ગેંગે તે સમયે ગુજરાતમાં ઘરફોડ ચોરીથી માંડીને લૂંટ, ધાડ જેવા અનેક ગુનાઓથી ગુજરાત પોલીસને રીતસરના આંખે અંધારા લાવી દીધા હતા.

આ વિસ્તારમાં એક એક્ટિવ અધિકારીની જરૂર હતી. સમયની માગ અને વિરમગામ તાલુકાના પ્રોબેશન પિરિયડ દરમિયાન કરેલી કામગીરી જોતા રાજેન્દ્ર અસારીને રાજ્ય સરકારે ગોધરાના એસડીપીઓ તરીકેનું પોસ્ટિંગ આપ્યું હતું. તેમનું પોસ્ટિંગ ગોધરાકાંડની ઘટનાના આઠ-નવ મહિના અગાઉ જ થયું હતુ. આમ છતાં આટલાં ટૂંકા ગાળામાં અનેક રીઢા અને વર્ષોથી વોન્ટેડ આરોપીઓને પકડવા તેમને સફળતા મળી હતી. ત્યારબાદ ગોધરાકાંડ થયો અને તે પછીના તોફાનોમાં પોલીસ વ્યસ્ત બની ગઇ.

રાજેન્દ્ર અસારી હવે પાછા પોતાના અસલી મિજાજમાં આવી ગયા હતા. પોલીસ વિભાગમાં ડીવાયએસ.પીની પોસ્ટને સુપરવિઝનની પોસ્ટ મનાય છે, પરંતુ રાજેન્દ્ર અસારીને ફિલ્ડવર્કનો શોખ. પોતાના તાબાના અધિકારીઓ જે આરોપીઓને પકડી ન શકે તેમને અસારી જાતે પોતાના સ્કવોડની સાથે જઇને પકડી પાડતા. જેના કારણે તાબાના પોલીસ અધિકારીઓને પોતાની નિષ્ફળતાથી શરમાવું પડતુ, જ્યારે અસારીની બેચના કે તેમના સિનિયર અધિકારીઓ તેમને હસતા મોઢે મજાકમાં કહેતા કે, આપણે સાહેબ છીએ, કામ લેવાનું હોય, કરવાનું ન હોય.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પણ, રાજેન્દ્ર અસારીને મન પોતે પોલીસ છે અને ખાખીવર્દી પહેરી છે તો બસ, કાયદો અને વ્યવસ્થા માટે થતા તમામ કામ કરી છુટવા આ એક જ મંત્ર હતો. સપ્ટેમ્બર ૨૦૦૨ની એક સવારે રાજેન્દ્ર અસારી હજુ પોતાની ઓફિસ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં એક પોલીસ કોન્સ્ટેબલ એક બાતમીદાર સાથે તેમના બંગલે પહોંચ્યો. કોન્સ્ટેબલે સલામ કરી કહ્યું, સાહેબ ‘અબ્દુલ્લા’ (નામ બદલ્યું છે) એક ઇન્ફર્મેશન લાવ્યો છે.

અસારીએ બંગલાના ગાર્ડનમાં લાગેલા ખુરશી-ટેબલ પર બેસવા કહ્યું. પોતે બસ ઓફિસ જવાની તૈયારીમાં હતા એટલે વર્દી પહેરીને જ બહાર આવ્યાં અને બાતમીદાર સામે બેઠાં. કોન્સ્ટેબલ સાહેબની ખુરશીની બાજુમાં ઊભો હતો. અબ્દુલ્લા પહેલાં તો બોલતા ખચકાયો પણ કોન્સ્ટેબલ ગુસ્સા સાથે બોલ્યો ‘બોલ જે બોલવું હોય એ, મોટા સાહેબ છે’. અસારીએ હાથના ઇશારાથી કોન્સ્ટેબલને શાંત કર્યો અને અબ્દુલ્લાને પૂછ્યું, ‘શું ઇન્ફર્મેશન છે બોલ’.

અસારીના શાંત સ્વભાથી સ્વસ્થ થતા અબ્દુલ્લા બોલ્યો, ‘રાઘવ અમે એને રઘો કહીએ છીએ. એ દાહોદ અને બીજા જિલ્લાઓમાં ચોરી લૂંટના બે ડઝનથી વધુ ગુનામાં ફરાર છે. જે હાલ ભરૂચમાં એક ઠેકાણે છે. તમે જશો તો મળી જશે’.અસારીએ અબ્દુલ્લા પાસેથી આખું નામ અને ગુનાની થોડી વિગતો જાણી. પોતાની ઓફિસ પહોંચતા જ તાબાના એક પી.આઈને બોલાવી રાઘવ ઉર્ફ રઘાના ગુનાની ખાતરી કરાવી.

બાતમીદારે કહેલી વાત પ્રમાણે રાઘવને અનેક ગુનામાં પોલીસ શોધતી હતી. અસારીએ નક્કી કર્યુ, ઘણાં સમયથી વોન્ટેડ આરોપીને પકડવાનું કામ હવે કોઇ તાબાના અધિકારીને નથી આપવું, આને તો જાતે જ પકડી લેવો છે. ઓફિસમાં લગભગ ૧૨ વાગવા આવ્યા હતા. તે તાત્કાલીક સરકારી ગાડીમાં ઘરે જવા નીકળ્યા. સાથે જ સ્કવોડના વિશ્વાસુ સંજયસિંહ ઝાલા અને અન્ય બે કોન્સ્ટેબલને કહ્યું, સિવિલ ડ્રેસ (સાદા કપડા)માં કોઇ ખાનગી ગાડી લઇને બંગલે આવો. એક ઓપરેશનમાં બહાર જવાનું છે.

અસારી ઘરે ગયા, જમવાનું તૈયાર હતુ અને કોન્સ્ટેબલ આવે તે પહેલા ઉતાવળે જમીને વર્દી બદલી બ્લ્યૂ જીન્સ પેન્ટ અને સ્કાય બ્લ્યૂ ટી શર્ટ પહેરી લીધા. જ્યારે કોઇ રીઢા આરોપીને પકડવાનો હોય ત્યારે પોલીસ ભાગ્યેજ વર્દીમાં જતી હોય છે. સાદા કપડામાં ઓપરેશન કરવાનું કારણ બસ એટલું જ હોય છે કે આરોપીઓ કે તેમના સાગરીતો ઓળખી ન જાય. સામાન્ય લોકોમાં પોલીસને જોઇને કોઇ ઉચાટ ન થાય જેના કારણે ઓપરેશન સફળ જવાની તક વધી જતી હોય છે.

લગભગ એક વાગ્યે સંજયસિંહ ઝાલા, ભરત ખાંટ અને પીન્ટુભાઇ એમ ત્રણેય કોન્સ્ટેબલ એક ઇન્ડિગો કારમાં અસારીના બંગલે પહોંચી ગયા. ભરત ખાંટે કારનું સ્ટિયરિંગ પકડ્યું અને અસારી બાજુમાં ગોઠવાયા. જ્યારે પાછળ ભરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ પીન્ટુ બેઠા. અસારીએ કારમાં બેસતા જ કોન્સ્ટેબલોને પૂછ્યું, મારી પાસે એક સરકારી વેપન છે, તમને વાંધો નથીને? અસારીનો પૂછવાનો ભાવાર્થ હતો કે, મારી પાસે જ હથિયાર છે, આરોપી પોલીસ પર હુમલો કરવાની ટેવ વાળો છે.

જો એની પાસે હથિયાર હશે તો તે હુમલો કરશે, તમને ડર નથીને? પણ ત્રણેય કોન્સ્ટેબલ સાહેબનો ભાવ સમજી ગયા. કોન્સ્ટેબલોએ કહ્યું, ‘ચિંતા ના કરશો સાહેબ લડી લઇશું’. જો કે, સાંજ સુધીમાં આ લડી લઇશું એ વાત ખરેખર સાચી ઠરવાની હતી તે પણ એક એવા સંજોગ સાથે કે જેની કલ્પના અસારીથી માંડીને ત્રણેય કોન્સ્ટેબલે ક્યારેય કરી નહોતી. સાંજે એક એવી ઘટના સર્જાવા જઇ રહી હતી તે ઇન્ડિગોમાં સવાર પોલીસકર્મીએ સ્વપ્નેય વિચારી નહોતી. તો જેના માટે વડોદરા ગ્રામ્ય પોલીસ ત્રણ વર્ષથી મહેનત કરી રહી હતી તે ઘડી આપોઆપ પોલીસ સામે આવવાની હતી.

ઇન્ડિગો કાર ભરૂચ તરફ દોડવા લાગી હતી. ભરબપોરનો સમય હતો. અધિકારી સહિત ચારની ટીમને વાયા દાહોદ ભરૂચ સુધી પહોંચતા લગભગ સાંજના છ વાગી ગયા હતા. આરોપીને પકડવાના ઉત્સાહના કારણે થાકનો તો સવાલ જ નહોતો. બાતમીદારે આપેલી જગ્યા પર પહોંચતા પોલીસને આંચકો લાગ્યો. કારણ, તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી એક કલાક પહેલાં જ ત્યાંથી ફરાર થઇ ગયો છે.

પોલીસ તરીકેની ઓળખ આપી આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરાઇ પણ આરોપીની ભાળ ના મળી. ઓપરેશન નિષ્ફળ રહેતા અસારી અને કોન્સ્ટેબલો પણ હતાશ થઇ ગયા. ફરી કારમાં બેઠા અને દાહોદ જવા રવાના થયા. લગભગ આઠેક વાગી ગયા હતા અને વડોદરા તરફ દોડતી કારમાં ચારેય પોલીસકર્મીઓ ગુમસૂમ હતા. ભરૂચથી નીકળ્યાના દોઢેક કલાકમાં કાર કરજણ હાઇવે પર હાલના ટોલબૂથ પાસે પહોંચી. જે ત્યારે અસ્તિત્વમાં નહોતું.

હાઇવે પર વાહનોની લાંબી કતાર હતી. થોડીવાર તો ચારેય કારમાં એમ સમજી બેસી રહ્યાં કે, હાઇવે છે, ભારે વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક હશે. પણ કોઇ વાહન આગળ વધતુ જ નહોતું અને પાછળ ટ્રાફિક વધવા લાગ્યો હતો. આ જોઇ અસારીએ દરવાજો ખોલ્યો અને ટ્રાફિક કેમ જામ થયો છે એ જોવા નીચે ઊતર્યા.

અધિકારીને કારમાંથી ઊતરાત જોઇ પાછળની સીટ પર બેઠેલા ભરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ પીન્ટુ પણ કારમાંથી ઊતર્યા. અસારીને મન આગળ જઇ ટ્રાફિક નિયમન કરાવી ટ્રાફિક હળવો કરાવી દઉં, તેથી તે આગળ વધવા લાગ્યાં. ત્યાંતો બૂમાબૂમ અને ચીસાચીસ તેમને સંભળાવા લાગી. ગાડીઓના કાચ ફૂટવાના અવાજ અને ગાળાગાળી સંભળાતા જ તે અવાજની દિશામાં દોડ્યા.

પાછળ બન્ને કોન્સ્ટેબલ પણ તેમને જોઇ દોડ્યાં. રાતના લગભગ ૯.૧૫ વાગ્યા હતા, હાઇવે પર ઘોરઅંધારૂ છવાઇ ગયું હતુ પણ ગાડીઓની હેડલાઇટના અજવાળામાં તે ગાડીઓની વચ્ચેથી જગ્યા કરતા આગળ વધ્યા. આગળ નવેક ખડતલ શખ્સ હાથમાં બેઝબોલની સ્ટિક, તલવાર અને છરા લઇ ગાડીઓના કાચમાં તોડફોડ કરી રહ્યાં હતા. જે ગાડીઓમાં મહિલાઓ બેઠી હોય તેમના દાગીના સરેઆમ લૂંટી રહ્યાં હતા.

આ જોઇ મહિલાઓ અને બાળકોના રડવાના અવાજ ગાડીઓના ઘોંઘાટ વચ્ચે પણ જાણે વાતાવરણને ધ્રુજાવી રહ્યાં હતા. આ દ્રશ્ય જોતા જ અસારી પહેલા તો હબક ખાઇ ગયાં. આ શું? સરેઆમ આ રીતે લૂંટ? વિરમગામ પ્રોબેશન દરમિયાનના અનુભવથી અસારીને સમજતા વાર ના લાગી કે, આ લૂંટારુ ડફેર છે. ડફેર ગેંગ લૂંટ માટે કોઇને મારી નાંખતા પણ વિચારતી નથી. લોકો એટલા ગભરાયેલા હતા કે કોઇએ ગાડીની બહાર નીકળવાની હિંમત પણ નહોતી કરી. ત્યાં અસારી અને બન્ને કોન્સ્ટેબલે આ ગેંગને પડકારી.

આ જોઇ કારના સ્ટિયરિંગ પર બેઠેલા ભરત ખાંટ પણ ગાડી બંધ કરી દોડી આવ્યાં. આ સમયે રાજેન્દ્ર અસારીની ઉંમર હતી ૨૭ વર્ષ. જ્યારે તેમની સાથેના કોન્સ્ટેબલ પણ થોડા સમય પહેલા જ પોલીસબેડામાં જોડાયા હતા. જો કે, ચારેય કસાયેલા શરીરે ફિટ હતા. સંજયસિંહ ઝાલા તો પોલીસમાં જોડાયા તે પહેલા મિ.ભાવનગર રહી ચુકેલા. લૂંટારુઓને પડકાર ફેંકતા પહેલા અસારીએ પોતાના કોન્સ્ટેબલોને કહ્યું, આપણે સામનો કરવો પડશે.

કોન્સ્ટેબલ બોલ્યા રિસ્ક છે, એ આપણા કરતા વધારે છે. અસારીએ હવે મનોબળ મજબૂત કરવા કહ્યું, આપણે રિસ્ક નહીં લઇએ તો લોકોની જિંદગી રિસ્કી થઇ જશે. લીડરની હિંમતની હિંમત જોઇ કોન્સ્ટેબલોને પણ ભરોસો આવી ગયો અને કહ્યું, સાહેબ, પહોંચી વળીશું. હવે પોલીસે પડકાર ફેંકાતા જ આ ગેંગ લોકોને લૂંટવાનું બંધ કરી આ ચારેય સાદા કપડામાં ધસી આવેલા પોલીસ સામે પહોંચી ગયા. અસારીએ કહ્યું, ભાગી જાવ, પોલીસ છે. ડફેરોએ અસારીને પગથી માથા સુધી જોઇને અટ્ટહાસ્ય કરતા છરો બતાવ્યો અને કહ્યું, તું જતો રહે, નહીંતર આ જોયું છે? અસારી સમસમી ઉઠ્યા અને આરોપીઓ પર તુટી પડ્યાં.

ગાડીઓની કતાર વચ્ચે એક તરફ નવ ડફેર હથિયાર સાથે તો બીજી તરફ ખાલી હાથે ચાર પોલીસકર્મી. લગભગ દસેક મિનિટ ઝપાઝપી ચાલી. ક્યારેક ડફેર પોલીસકર્મીને ઊંચા કરી કોઇ ગાડીના બોનેટ પર પછાડે તો ક્યારે પોલીસ બે બે ડફેરોને બાથમાં ભીડી તેમના માથા ખટારામાં પછાડે. નવ ડફેરો પર ચાર વર્દીધારી ભારી પડી રહ્યાં હતા.

આ જોઇ એક ડફેરે કોન્સ્ટેબલ સંજયસિંહને છરો માર્યો. સદનસીબે છરો સાથળ પર જીન્સપેટને ફાટીને લોહી કાઢતો ઘસાયો. આ ગંભીર ઇજા નહોતી, પરંતુ પોતાના કોન્સ્ટેબલ પર છરાથી હુમલો? આ જોતા જ અસારીએ હવે ના છુટકે સરકારી વેપન કાઢ્યું અને છરો હવામાં વીંજનારા ડફેરને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી એક ગોળી ધરબી દીધી. ગોળીબારના અવાજે વાહનોનો ઘોંઘાટ જાણે શાંત કરી દીધો.

ગોળીબાર થતા જ ડફેરો પણ સ્તબ્ધ થઇ ઊભા રહી ગયા. ડફેરો હવે સમજી ગયા કે ખરેખર આ પોલીસ જ છે. બીજી તરફ અસારીએ જેને ગોળી મારી તેને પણ જાણે તમ્મર ચડી ગયા હોય તેમ તે બે પળ માટે તો સ્તબ્ધ થઇને જ ઊભો હતો. અસારીએ આંખના પલકારામાં બીજીવાર ટ્રીગર દબાવ્યું અને બે બે ગોળીઓ છાતીમાં ધરબી દીધી. આ ડફેર લોહીલૂહાણ થઇને જમીન પર ફસડાઇ પડ્યો, જ્યારે તેના સાગરીતો તેને મૂકીને ફરાર થઇ ગયા.

એક ડફેર છાતીમાં ગોળીઓ વાગી હોવાથી લગભગ નિશ્ચેતન થઇને પડ્યો હતો. અસારીએ ત્યાંથી જ પોતાના ડીએસપી ડી.આર પટેલને ફોન લગાડ્યો અને કહ્યું કે, કરજણ પાસે ડફેર ગેંગ લૂંટ ચલાવતી હતી તેને પડકારી બે રાઉન્ડ ગોળીબાર કર્યા છે. એક ડફેર પડી ગયો છે, જીવે છે કે કેમ એ ખબર નથી.! ડી.આર પટેલે અસારીના ફોન પછી ઘટનાની જાણ રેન્જ આઇ.જી દિપક સ્વરૂપને કરી.

દિપક સ્વરૂપે તાત્કાલીક અસારીને વળતો ફોન કર્યો અને કહ્યું, ‘વેલ ડન બોય, આ ગેંગને પકડવાનું કામ કેટલાય સમયથી ચાલતુ હતુ. તમે લોકોનાં જાન-માલ બચાવ્યા છે, ચિંતા ના કરશો, પોલીસ ફોર્સ મોકલાવી છે’. ગણતરીના સમયમાં જ આસપાસના આઠ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ અધિકારીઓ દોડી આવ્યાં.

ઘાયલ ડફેરને પોલીસે વડોદરાની હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં ઓપરેશન પછી તેની પૂછપરછમાં ખુલાસો થયો કે, આ ગેંગને છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા ગ્રામ્ય પોલીસ શોધતી હતી. કરજણ હાઇવે પર આ પહેલી ‘હાઇવે રોબરી’ નહોતી. અવારનવાર લૂંટ થતી હોય ગ્રામ્ય પોલીસે પેટ્રોલિંગ વધાર્યું હતુ છતાં ડફેર ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો.

આ ઘટના બાદ ડફેર ગેંગના તમામ સાગરીતોને અલગ અલગ સમયે પકડી પાડવામાં આવ્યાં. જ્યારે આ અદમ્ય સાહસ બદલ રાજેન્દ્ર અસારીને વર્ષ ૨૦૦૪માં રાષ્ટ્રપતિના હાથે ગેલેન્ટરી એવોર્ડ મળ્યો હતો.

ગુજરાતમાં ગેલેન્ટરી એવોર્ડ અત્યાર સુધીમાં ત્રણ જ અધિકારીઓને મળ્યો છે, જેમાં સૌથી પહેલા એ.એ પઠાણ, ત્યાર બાદ આર.બી બ્રહ્મભટ્ટને અક્ષરધામ હુમલા સમયે સાહસભરી કામગીરી કરવા બદલ. જ્યારે ત્રીજો એવોર્ડ રાજેન્દ્ર અસારીને અને ચોથો એવોર્ડ ભાવેશ રોજીયાને મળ્યો છે.

Next Article