BJPના નેતાઓ સાથેના ફોટા જોઈ પોલીસ ગભરાઈ ! 4 દિવસ છતા પોલીસ પકડથી દૂર છે, ‘રાજકીય નેતા’ એવો હુમલાખોર

નવરાત્રિના પવિત્ર તહેવાર વચ્ચે ગાંધીનગરમાં ભાજપના પૂર્વ નેતાની દાદાગીરી સામે આવી છે. કલોલના સનાવડ ગામે ગરબા ગ્રાઉન્ડ બહાર માત્ર કાર રોકવાનો ઈશારો કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને "રિચી રીચ" પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરે 24 વર્ષીય ખેલૈયા પર જંગલીની જેમ હુમલો કરી દીધો.

BJPના નેતાઓ સાથેના ફોટા જોઈ પોલીસ ગભરાઈ ! 4 દિવસ છતા પોલીસ પકડથી દૂર છે, રાજકીય નેતા એવો હુમલાખોર
| Updated on: Oct 20, 2026 | 7:18 PM

ગાંધીનગર અને અમદાવાદના હાઈપ્રોફાઈલ વર્તુળોમાં પોતાની વગ ધરાવતા ભાજપના પૂર્વ નેતા અને બોપલ સ્થિત “રિચી રીચ” પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરની વધુ એક શરમજનક કરતૂત સામે આવી છે. કલોલના સનાવડ ગામે આવેલા “ફોક રાસ” ગરબા ગ્રાઉન્ડ બહાર નવરાત્રિની રાત્રે આનંદ માણવા ગયેલા 24 વર્ષીય ખેલૈયા તનિષ્ક પર જે રીતે જંગલી હુમલો કરવામાં આવ્યો, તે જોઈને લોકો હેરાન છે.

હિંસકતાની તમામ હદો વટાવી

આમાં ગુનો માત્ર એટલો જ હતો કે, ફરિયાદી તનિષ્કે રસ્તો ઓળંગવા માટે કાર રોકવાનો ઈશારો કર્યો હતો. આટલી નાની વાતમાં ઉશ્કેરાઈ ગયેલા ભાવિક ગજ્જરે કોઈ રાક્ષસની જેમ તનિષ્ક પર તૂટી પડી તેનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.


એટલું જ નહીં, લોખંડના પંચ વડે નાક પર ગંભીર ઈજા પહોંચાડી અને હિંસકતાની તમામ હદો વટાવતા યુવકનો અડધો કાન બચકું ભરીને ચાવી ગયો. આ ઘટના બાદ ટીવી9 (TV9) ની ટીમ જ્યારે પીડિત તનિષ્કના ઘરે પહોંચી ત્યારે તેણે અડધો કાન ગુમાવ્યાની અને નરાધમ પૂર્વ નેતાના અસલી ચહેરાની દર્દનાક આપવીતી વર્ણવી હતી.

મર્સિડીઝમાં ફરાર અને વીડિયો બનાવી ‘સ્વબચાવ’નો ડ્રામા

ઘટનાને અંજામ આપ્યા બાદ જંગલી બનેલો ભાવિક ગજ્જર પોતાની કાળા રંગની મર્સિડીઝ કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો. હત્યાના પ્રયાસ (IPC 307) જેવો ગંભીર ગુનો નોંધાયા બાદ પણ ધરપકડથી બચવા માટે આ ભાજપના પૂર્વ નેતાએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે, તેણે હુમલો નથી કર્યો પરંતુ ‘સ્વબચાવ’ કર્યો છે. 24 વર્ષના નિર્દોષ યુવકનો કાન ચાવી જવો અને નાક લોહીલુહાણ કરી દેવું… શું આને સ્વબચાવ કહેવાય?

હાઇબ્રિડ ગાંજાના વેચાણથી લઈને મોટા નેતાઓ સાથેના સંબંધો

ભાવિક ગજ્જર માટે વિવાદો અને અસામાજિક પ્રવૃત્તિઓ કોઈ નવી વાત નથી. આ એ જ વ્યક્તિ છે, જેનું અમદાવાદના સરખેજમાં સિંધુભવન રોડ પર આવેલું “રિચી રિચ” પાન પાર્લર અગાઉ હાઇબ્રિડ ગાંજાના કાળા કારોબાર અને વેચાણના પર્દાફાશમાં વિવાદમાં આવી ચૂક્યું છે.

સોશિયલ મીડિયા પર અનેક મોટા નેતાઓ સાથે ભાવિકના ફોટાઓ છવાયેલા છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે, રાજકીય આકાઓનો હાથ હોવાના અહંકારમાં પૂર્વ નેતા કાયદાને ખિસ્સામાં લઈને ફરી રહ્યો છે.

પોલીસની કામગીરી પર સણસણતા સવાલો

  1. નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં ગરબા રમવા ગયેલા એક સામાન્ય ખેલૈયા પર આટલો દર્દનાક હુમલો થાય છે અને ઘટનાના 4 દિવસ વીતી ગયા છતાં આરોપી પોલીસ પકડથી દૂર કેમ છે?
  2. શું સાંતેજ અને ગાંધીનગર પોલીસ રાજકીય દબાણ હેઠળ દબાઈ ગઈ છે?
  3. ભાજપના પૂર્વ નેતા સામે કડક કાર્યવાહી કરતા પોલીસના હાથ કેમ ધ્રૂજી રહ્યા છે?
  4. ક્યાં સુધી નેતાગીરીના જોરે આવા ગુંડાઓ ખુલ્લા ફરતા રહેશે અને સામાન્ય જનતાનું લોહી નિકાળતા રહેશે?

નવરાત્રિના માહોલમાં એક નિર્દોષ ખેલૈયાનો કાન ચાવી જનાર આ હિંસક આરોપીની ધરપકડ ક્યારે થશે, તે હવે જોવાનું રહે છે. કાયદો બધા માટે સરખો છે કે પછી નેતાઓ માટે અલગ છે? ગાંધીનગર પોલીસ પાસેથી હાલ જનતા આ જવાબ માંગી રહી છે.

Breaking News : મમતાની મમત છોડ્યા બાદ સાંસદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ ! હરાજી વિના વડોદરા મહાનગરપાલિકાનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત

Published On - 7:17 pm, Tue, 20 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.