પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વપરાશ સાથે પ્રજાજનોને સ્વાસ્થપ્રદ જીવનશૈલી આપવાનો સરકારનો પ્રયાસ છે : મુખ્યમંત્રી
રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે આહવા ખાતે યોજયેલા "આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ" કાર્યક્રમ હેઠળ, ડાંગ જિલ્લાને રાજ્યના સંપુર્ણ રસાયણ યુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે.કાર્યક્રમના ભાગરૂપે ડાંગનું વિશ્વ વિખ્યાત ડાંગી નૃત્ય પણ રજૂ કરાયું હતું. તો પ્રાકૃતિક ડાંગ વિષયક ફિલ્મ ઉપરાંત અન્ય દસ્તાવેજી ફિલ્મોનુ પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણો કિસાન અત્યાર સુધી રાસાયણિક ખાતરયુક્ત ખેતી કરતો હતો. આના પરિણામે એની જમીનને પણ અસર પહોંચી હતી. હવે કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય, અને ડાંગના વનબંધુ ખેડૂતોમાંથી અન્ય કિસાનો પ્રેરણા લઈ, આવી પ્રાકૃતિક ખેતી કરતા થાય તે સમયની માંગ છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યુ કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં આ પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી, અને આગ્રહી છે. તેમના માર્ગદર્શન, અને રસને કારણે રાજ્યમા પ્રાકૃતિક ખેતીને ઉત્તરોતર નવી દિશા મળતી રહે છે. ભૂપેન્દ્ર પટેલે દ્રષ્ટાંત આપતા કહ્યું કે, રાસાયણિક ખાતરથી પકવેલા અનાજથી આપણને ખબર ના પડે તેમ, શરીરમા રોગ પ્રવેશી જતા હોય છે, અને બિમારી ઘર કરી જાય છે. ત્યારે આ કુદરતી પ્રાકૃતિક ખેતી દ્વારા શુધ્ધ, સાત્વિક અન્ન મળી રહે, અને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, કેન્સર, જેવા રોગોથી બચી શકાય છે.
તેમણે આવી પ્રાકૃતિક ખેતીમાં નુકશાનની પણ સંભાવના ઊભી થાય, તો રાજ્ય સરકાર ખેડૂતોને યોગ્ય મદદ માટે, પડખે ઊભી રહેવા તત્પર છે તેવી નેમ પણ દર્શાવી હતી. ખેતી પ્રધાન ભારત દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિને પ્રાકૃતિક ખેતી તરફ દોરીને જમીનની ફળદ્રુપતા વધારવા સાથે, પ્રજાજનોને સ્વાસ્થપ્રદ જીવનશૈલી આપવાની અપીલ કરતા રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમા ડાંગના ખેડૂતોને સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી.
રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે આહવા ખાતે યોજયેલા “આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ હેઠળ, ડાંગ જિલ્લાને રાજ્યના સંપુર્ણ રસાયણ યુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનિય છે કે, “સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા” હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબો માટે રૂ.૩૧ કરોડની નાણાકિય સહાય યોજના ઘોષિત કરવામા આવી છે.
જેમાં ખેડૂત કુટુંબોને ખેત ઉત્પાદનની સંભવિત ઘટ સામે વળતર પેટે રૂ.૧૦ હજાર પ્રતિ હેક્ટર વાર્ષિક સહાય માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ, ઉપરાંત ખેડુતોના થર્ડ પાર્ટી ઓર્ગેનિક સર્ટિફિકેશન અને હેન્ડ હોલ્ડીંગ માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ડાંગ જિલ્લાના ૧૨૫૨૭ ખેડુતો કુટુંબોને રૂ.૬.૫૦ કરોડની સહાય ચૂકવવામા આવી છે.
“આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ દરમિયાન રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રતિકરૂપે પાંચ ખેડુતોને સહાયના ચેકોનુ વિતરણ કરવા સાથે, ભારત સરકારની FPO યોજના હેઠળ ૩૦૦ ખેડુતોને આ યોજના હેઠળ મેનેજમેન્ટ કોસ્ટ માટે રૂ.૧૮ લાખ, અને રૂ.૨ કરોડની ગેરંટી લોન, “આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ વિષયક નવ મિનિટના વિડીયો દસ્તાવેજીકરણનુ લોન્ચિગ, પ્રાકૃતિક ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલ, સરદાર પટેલ એવોર્ડ વિજેતા બે ખેડૂત કુટુંબોને એવોર્ડ, અને પ્રમાણપત્ર, તથા પ્રાકૃતિક ખેતી કરતી જિલ્લાની ૩૦૦ બહેનો દ્વારા ૬૦૦ કિલો ચોખા કુપોષિત બાળકો માટે આંગણવાડીઓને અર્પણ કરાયા હતા.
કાર્યક્રમના ભાગરૂપે ડાંગનું વિશ્વ વિખ્યાત ડાંગી નૃત્ય પણ રજૂ કરાયું હતું. તો પ્રાકૃતિક ડાંગ વિષયક ફિલ્મ ઉપરાંત અન્ય દસ્તાવેજી ફિલ્મોનુ પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિના પ્રચારક સાંઇરામ દવે, ગૌદાન કરનાર ગૌશાળાના સંચાલકો, અને ગાય મેળવનારા લાભાર્થીઓનુ પણ અહીં અભિવાદન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પ્રાકૃતિક ખેત પેદાશના નિદર્શન અને વેચાણ સ્ટોલસની મુલાકાત લઈ જરૂરી જાણકારી મેળવવા સાથે ઉપયોગી માર્ગદર્શન પણ પૂરુ પાડ્યું હતું.
રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત પોલીસ પેરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજયપાલ અને મુખ્યમંત્રી સહિત કૃષિ, પશુપાલન, અને ગૌ-સેવા સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, ડાંગના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી નરેશભાઈ પટેલ, કૃષિ-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશેષ આમંત્રિત તરીકે વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ હાજરી આપી હતી.
પ્રાકૃતિક કૃષિના પ્રચારક અને ગુજરાતના ખ્યાતનામ કલાકાર સાંઇરામ દવે, તથા ડાંગના માજી રાજવીઓ પણ અહી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા ડાંગના પ્રભારી સચિવ જયપ્રકાશ શિવહરે, કૃષિ સચિવ મનિષ ભારદ્વાજ, ડાંગ કલેકટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, ‘આત્મા’ નિયામક ધાર્મિક બારોટ, ડાંગના આત્મા પ્રોજેક્ટના નિયામક પ્રવિણ માંડાણી, નિવાસી અધિક કલેકટર પી.એ.ગામીત, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલ સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.
કાર્યક્રમના આરંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા કૃષિ સચિવ મનિષ ભારદ્વાજે પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું હતુ. જ્યારે કાર્યક્રમના અંતે કલેકટર ભાવિન પંડ્યાએ આભારવિધિ કરી હતી.