Somnath Demolition: સોમનાથ કોરિડોરની પરિકલ્પના પૂર્ણ થશે ત્યારે લોકો આ IPS અધિકારીને કરશે યાદ
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તિર્થસ્થાનોનો વિકાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના બે મહત્વના તીર્થસ્થાનો સોમનાથ અને બેટ દ્રારકામાં વિકાસના કામો પુરજોશમાં થઇ રહ્યા છે. બેટ દ્રારકામાં ગેરકાયદેસર ઇમારતો પર તંત્રનું બુલડોઝર ફર્યા બાદ સોમનાથમાં પણ છેલ્લા એક વર્ષથી તંત્રની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
સોમનાથમાં સપ્ટેમ્બર 2024માં થયેલું ડિમોલેશન સોમનાથના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન માનવામાં આવે છે. આઝાદી સમયથી જે જમીનો વિવાદાસ્પદ હતી અને જેમાં ધાર્મિક સ્થાનોનું દબાણ થઇ ગયું હતું તેવી જમીનોને ખુલ્લી કરાવીને પોલીસ અને વહિવટી વિભાગે સક્ષમ તંત્રનો પરિચય બતાવ્યો છે.
જાણકારો માની રહ્યા છે કે સરકાર અને સોમનાથ ટ્રસ્ટ ધીમા પગલે સોમનાથ કોરિડોર તરફ આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા તિર્થસ્થાન પૈકી સોમનાથ કોરિડોર રોડમેપ તૈયાર થઇને તેની પરિકલ્પના તરફ આગળ વધશે. આ પરિકલ્પના માટે જે જગ્યાઓની ખાલી કરાવવાની જરૂરિયાત હતી તે સ્થળોનું શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશન કરીને પોલીસ અને વહિવટી તંત્રએ આ પ્રોજેક્ટને આગળ વધાર્યો છે.
આ કામગીરીના પાયામાં એક IPS અધિકારીનો મહત્વનો રોલ રહ્યો છે. ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પોતાના કાર્યકાળમાં પાંચ જેટલા મોટા ડિમોલેશન કરીને સોમનાથ ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરી છે સાથે સાથે મંદિર અને આસપાસના વિકાસના દ્રાર પણ ખોલ્યા છે. કાયદો અને વ્યવસ્થાની રીતે સંવેદનશીલ મનાતા ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશન કરાવીને મનોહરસિંહ જાડેજાએ ગુજરાત પોલીસની મજબૂત છાપ ઉભી કરી છે.
એક વર્ષમાં પાંચ ઐતિહાસિક ડિમોલેશન, ધાર્મિક સ્થાનોથી માંડીને કેબિનો-ભંગારના ડેલા તોડી પડાયા
ગીર સોમનાથ વહિવટી તંત્ર દ્રારા છેલ્લા એક વર્ષમાં ડિમોલેશનની પ્રક્રિયા પુરજોશમાં શરૂ કરી છે. વહિવટી તંત્ર અને પોલીસ દ્રારા સયુંક્ત રીતે પાંચ મોટા અને સૌથી વધારે પડકારજનક ડિમોલેશન કરવામાં આવ્યા જેમાં પાથરણાંવાળાથી લઇને ધાર્મિક સ્થાનો તોડી પાડવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ ડિમોલેશન દરમિયાન વેરાવળ અને પ્રભાસ પાટણ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહી હતી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરી થઇ.
8-10-2023ના રોજ ભંગારના ડેલા દૂર કરાયા
પોલીસ દ્રારા સૌથી પહેલું મેગા ઓપરેશન ગત ઓક્ટોબર માસમાં શરૂ કરાયું હતું જેમાં પ્રભાસપાટણ રોડ પર આવેલી સોમનાથ ટ્રસ્ટ હસ્તકની જગ્યામાં ભંગારના ડેલા અને કોમર્શિયસ બાંધકામ દૂર કરાયા. મનોહરસિંહ જાડેજા દ્રારા સ્થાનિક આગેવાનોનો સંપર્ક કરીને તેઓને વિશ્વાસમાં લીધા હતા અને વર્ષોથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ભંગારના ડેલાઓને તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલેશનનું પ્રથમ પગથિયું હતું.
27-01-2024-174 ઝુંપડાઓ દૂર કરાયા
ગધિયા પ્લોટ તરીકે જાણીતી જગ્યા પરથી 174 જેટલા ઝુંપડાઓ દૂર કરવામાં આવ્યા
28-01-2024 સોમનાથનું પટાંગણ ખુલ્લુ કરાયું
સોમનાથ મંદિરના પટાંગણમાં જુનુ બસ સ્ટેન્ડ આવેલું હતું અને તેની આગળ વર્ષોથી નાની દુકાનો, કેબિનો અને પાથરણાંવાળાના દબાણ દુર કરાયા હતા અને વિશાળ જગ્યા ખુલ્લી કરાઇ હતી, આ જગ્યા દુર કરવાને કારણે સોમનાથ મંદિરની એન્ટ્રીનો માર્ગ મોકળો થયો હતો અને વિશાળ પટાંગણ ઉભુ થઇ શક્યું હતું. હવે આપ જ્યારે પણ સોમનાથ પહોંચો ત્યારે પાર્કિંગથી જ સોમનાથ મંદિરના દર્શન થાય છે. રોજી રોટીના પ્રશ્ને વ્યવહારૂ ઉકેલ લાવીને મનોહરસિંહે વેપારીઓને પણ વિશ્વાસમાં લઇને શાંતિપૂર્ણ ડિમોલેશન કરાયું હતું.
31-01-2024 હમીરજી સર્કલના દબાણ દૂર કરાયા
સોમનાથ મંદિર જગવિખ્યાત છે અને વીઆઇપી મુવમેન્ટ થતી હોય છે ત્યારે હમીરજી સર્કલ નજીકના દબાણો દૂર કરીને વીઆઇપી પાર્કિંગ અને એક્ઝીટ ગેઇટ તરફનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે જેના કારણે ગમે તેટલી ભીડ થાય તો પણ મેનેજમેન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ.
29-09-2024 કબ્રસ્તાન, દરગાહ, મકબરા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યાં
સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન આ કહી શકાય છે જેમાં પોલીસે પડકારજનક રીતે 9 જેટલા ધાર્મિક દબાણો દુર કરીને 58 એકર જેટલી સરકારી જમીનને ખુલ્લી કરાવી છે. આ જમીન સરકાર દ્રારા સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવી છે અને મંદિરનો પાછળનો ભાગ છે.
આ ડિમોલેશનનું પ્લાનિંગ પાંચ દિવસથી ચાલતું હતું પરંતુ જ્યારે આગલી રાત્રે ડિમોલેશન થવાનું છે તેવી વાત પ્રભાસપાટણ અને વેરાવળ પંથકમાં પહોંચી જતા લોકોના ટોળા એકઠા થયાં હતા જો કે લોકોના હોબાળો સામે મનોહરસિંહ જાડેજા અને તેની ટીમ ઝૂકી નહિ અને હિંમતભેર ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી.
કડક અધિકારીની છાપ, વાર્તાલાપ અને પ્રોપર પ્લાનિંગથી શાંતિપૂર્ણ રીતે કરાયા ડિમોલેશન
ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દબાણ દૂર કરવાની પ્રક્રિયા વહિવટી તંત્ર દ્રારા નક્કી કરવામાં આવે છે પોલીસનું કામ શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે જોવાનું હોય છે.દરેક ડિમોલેશનમાં બંદોબસ્ત સ્કિમ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે ડિમોલેશન પહેલા જરૂરી બંદોબસ્તની ફાળવણી કરાઇ છે.આ ઉપરાંત જે તે જગ્યાની સ્થળ મુલાકાત અને આગેવાનો સાથે વાર્તાલાપથી આ ડિમોલેશન કરવામાં આવ્યા છે.પ્રભાસપાટણ રોડ પર ડિમોલેશનની આગલી રાત્રીએ લોકોના ટોળાં એકઠા થયાં હતા આ સમયે પહેલા આગેવાનોને સમજાવટથી અને ત્યારબાદ તોફાની તત્વો સામે અટકાયતી પગલાં લઇને આ કાર્યવાહીને મક્કમતાથી પૂર્ણ કરી હતી.
મનોહરસિંહ જાડેજા કડક અધિકારીની છાપ ધરાવે છે. તેઓ અગાઉ નર્મદા જિલ્લામાં અને રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં તેની સાથે એલસીબી પીઆઇ તરીકે અરવિંદસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓની મજબૂત ટીમને કારણે સંવેદનશીલ ગણાતા વેરાવળ જિલ્લામાં શાંતિ સ્થાપવામાં તેઓ સફળ રહ્યા છે.
આ પણ વાંચો: ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ, ખેડૂતોનો મોઢે આવેલ કોળિયો છિનવાયો, જુઓ Video