Gir somnath : સૌરાષ્ટ્રમાં મેઘમેહર યથાવત, સૂત્રાપાડા-કોડીનારમાં ગાજવીજ સાથે વરસાદ, રાવલ ડેમ છલોછલ
ગીર સોમનાથ જિલ્લાનો રાવલ ડેમ છલકાઈ ગયો છે અને ગીર સોમનાથ તેમજ અમરેલી (Amreli) જિલ્લામાં વરસાદથી બંને જિલ્લાના ડેમ ઓવરફલો થઈ ચૂક્યા છે તેના પરિણામે પીવાના પાણીની તેમજ ખેતી માટેના પાણીની ચિંતા સાવ ટળી ગઈ છે. તો ગીર જંગલમાં પણ પશુ પક્ષીઓ માટે પાણીની ચિંતા નથી રહી.
ગુજરાતમાં મેઘરાજાની અવિરત મેઘમહેર થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલો રાવલ ડેમ (Raval Dam) છલકાઈ ગયો છે. આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા, કોડીનાર અને વેરાવળમાં 1 ઇંચ જેટલું પાણી વરસી ગયું છે. જિલ્લામાં સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. તો અમરેલી જિલ્લામાં (Amreli) પણ સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાળ, ઠવી, ભમોદ્રા, વીરડી સહિતના ગામોમાં વરસાદ વરસાદ થયો હતો અને ઠવી ગામની નદીમાં પૂર આવ્યું હતું. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ છે અને ધીમી ધારે વરસાદ (Rain) થઈ રહ્યો છે. અમરેલીમાંં ભરપૂર વરસાદથી જિલ્લાનો સુરવો ડેમ વારંવાર ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને જિલ્લાના ખેડૂતો માટે પાણીની ભરપૂર આવક થઈ છે .
અમરેલીના મોટા આંકડિયામાં (Mota Ankadiya) મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ (Heavy rain) ખાબકતા ગામની બજારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો અમરેલીથી (Amreli) લુણીધાર, માલવણ, કોલડા, જંગર, જીથુંડી, ઇશ્વરીયા, લાખાપાદર જવાનો માર્ગ (roads) પણ બંધ કરવાની ફરજ પડી છે. મોટા આકડીયા ગામના બસ સ્ટેન્ડ તેમજ બજારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ લોકો મોટા આકડીયાથી બહાર ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ છે.
અમરેલીમાં વરસાદી માહોલ યથાવત્
શેત્રુંજી જળાશય ઓવરફ્લો
તો બીજી તરફ ભાવનગરમાં (Bhavnagar) શેત્રુંજી જળાશય વહેલી સવારે 4 વાગ્યા બાદ ઓવરફલો થયું હતું. હાલમાં જળાશયમાં 12235.90 મિલિયન ઘન ફુટ પાણીનો જથ્થો એકત્રિત થયો છે અને ડેમના 59 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં ઉપરવાસ માંથી પાણીની આવક 5310 ક્યુસેક અને નદીમાં જાવક 5310 ક્યુસેક છે. તો લોકોને સાવચેત રાખવા વહીવટીતંત્ર સાબદુ થયું છે શેત્રુંજી નદીના હેઠવાસના ગામડાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજયના વિવિધ ડેમ પાણીથી ભરપૂર
9 જિલ્લામાં 100% કરતા વધારે વરસાદ થઈ જવાને લઈ ખરીફ પાકનું વાવેતર 97% જેટલુ થઈ ગયુ છે જે એક સારી વાત છે. નાના મોટા શહેરની વાત કરીએ તો પણ વરસાદ એવરેજ કરતા વધારે જોવા મળ્યો છે. કચ્છમાં 70%, ગીરસોમનાથમાં 40%, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 60% કરતા વધારે વરસાદ નોંધાવો એ કૃષિ વિશેષજ્ઞોના મતે સારી વાત છે.
વિન ઇનપુટ ક્રેડિટ યોગેશ જોષી- ગીરસોમનાથ, રાહુલ બગડા- અમરેલી ટીવી 9