ગીર સોમનાથ જિલ્લાના 350થી વધુ પાક જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ આવી મેદાને. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સુત્રોચ્ચાર કરી આપ્યું આવેદન. ટૂંક સમયમાં પાક જેલમાંથી કેદ માછીમારોને છોડવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મામલતદાર કચેરીમાં આજે મોટી સંખ્યામાં પાકિસ્તાન જેલમાં કેદ માછીમાર પરિવારની મહિલાઓ રોષ સાથે એકઠી થઈ અને સુત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. માછીમાર પરિવારની મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 4-4 વર્ષથી પાકિસ્તાન જેલમાં તેમના ઘરના મોભીઓ સબડી રહ્યા છે. તેમ છતાં સરકાર તેમને છોડાવવા માટે પ્રયત્ન કરતી નથી. કોરોના બાદ તો પત્ર વ્યવહાર અને ટેલિફોનિક વાતો પણ બંધ થઈ છે.
મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલમાંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીનતા દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહીં. એટલે જ આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રોષ સાથે પાક વિરુદ્ધ અને મોદી સરકાર મદદ કરો ના સુત્રોચ્ચાર કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રજૂઆત કરી. ટૂંક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહીં કરે તો આંદોલન પણ કરવા પડશે તો કરીશુ.
બીજી તરફ માછીમાર પરિવારની મહિલાઓનો આક્રોશ પણ યોગ્ય હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના 500થી વધુ માછીમારો પૈકી અનેક માછીમારો બે-બે વર્ષ થયાં છે તો કેટલાકને 3-4 વર્ષ જેવો સમય થવા છતાં પાક જેલમાંથી મુક્તિ ન મળતા હવે માછીમારોના પરિજનો પ્રતિક્ષા ખોટી હોવી તેવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન જેલમાં પોતાના પરિજનો કેદ હોવાને લઇ અનેક પરિવારો મુશ્કેલીમાં પણ મુકાયા છે.
ઘણા લોકોના ઘરમાં બીમારીએ ભરડો લીધો છે. તો ઘણાને પોતાના બાળકોના અભ્યાસને લઈ ચિંતા છે. પોતાના ઘરના મોભીના વિરહમાં નાના ભૂલકાઓ સહિત વૃદ્ધો પણ ચિંતામાં મુકાયા છે કે ક્યારે પોતાનો સંતાન પાક જેલમાંથી મુક્ત થઈ ઘરે આવશે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જેમાંથી 350 તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ છે. અને એટલે જ છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજૂઆત કરવા છતાં માછીમારો ન છૂટતા મહિલાઓમાં રોષ સાથે વેદના જોવા મળી હતી.
Published On - 6:42 pm, Mon, 11 October 21