
લોકસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. જેમાં આજે રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો પણ જોડાયા છે. કોમન યુનિવર્સિટી એક્ટના સ્ટેચ્યુટમાં સંગઠનની જોગવાઈને લઇ વિરોધ કરી રહેલા અધ્યાપકો હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
રાજ્યની ભાજપ સરકાર 11 સરકારી યુનિવર્સિટીને લગતો કોમન યુનિવર્સિટી એક્ટ લાવી ત્યારથી સરકારી-ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો વિરોધ કરી રહ્યા હતા. હવે આજ કોમન યુનિવર્સિટી એકટના નિયમોના સ્ટેચ્યુટમાં યુનિવર્સિટીના કર્મચારીઓ સંગઠન ના રચી શકે અને સહભાગી ના બની શકે એ જોગવાઈઓનો અધ્યાપકો વિરોધ કરી રહ્યા હતા.
જો કે હવે એજ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવ સહિત 50 કરતા પણ વધારે અધ્યાપકો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા.
કોમન યુનિવર્સિટી એક્ટરની જોગવાઈઓનો વિરોધ કરી રહેલ અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું કે, કોમન યુનિવર્સિટી એક્ટ માટે અમે સુધારાઓ મોકલ્યા હતા. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી સાથેની બેઠકમાં સંગઠન ના રચી શકે એ જોગવાઈ પરત ખેંચવાની બાંહેધરી આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી અધ્યાપકોની તમામ માંગણીઓ કોઈ પણ પ્રકારના કોર્ટ કેસ વગર પૂર્ણ થઈ છે. આ સિવાય નવી શિક્ષણ નીતિ લાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત કરવા માટે અધ્યાપકો ભાજપની વિકાસની રાજનીતિ સાથે જોડાયા છે.
આ પણ વાંચો અમદાવાદ : PM મોદીના ભાષણના વીડિયો સાથે છેડછાડનો કેસ, સાયબર ક્રાઇમે આરોપીની કરી ધરપકડ