65 કિમીની ઝડપે પવન ફૂંકવાની શક્યતા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે દરિયાકાંઠાના તમામ જિલ્લાને એલર્ટ કર્યા
દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ભારે પવન સાથે ભારે વરસાદની પરિસ્થિતિ આગામી 24 કલાક દરમિયાન સર્જાયેલ છે.
GANDHINAGAR : રાજ્યાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકવાની શક્યતાને પગલે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે દરિયાકાંઠાના તમામ જિલ્લાને એલર્ટ કર્યા છે. આ અંગે ટેસ્ટ ઈમરજન્સી સેન્ટરે રાજ્યના દરિયાકાંઠાના તમામ જિલ્લા કલેકટરને સૂચના આપી છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર એરીયા દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત ઉપર સર્જાયેલ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ભારે પવન સાથે ભારે વરસાદની પરિસ્થિતિ આગામી 24 કલાક દરમિયાન સર્જાયેલ છે. જેના કારણે દરિયાઈ વિસ્તારમાં 45 થી ૫૫ કિમી પ્રતિ કલાકથી વધતાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફુકાવાની સંભાવના રહેલ છે. જે આવતી કાલ વહેલી સવાર સુધી ઝડપ વધવાની સંભાવના છે. જે આગાહી ધ્યાને લેતાં દરિયા કિનારાના જિલ્લાઓને એલર્ટ રહેવા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે કહ્યું કે દરિયાઈ વિસ્તારના તમામ જિલ્લાઓમાં પ્રવાસન અને મનોરંજન પ્રવૃત્તિઓ તાકિદની રીતે પ્રતિબંધ મુકવા જણાવવામાં આવેલ છે. દરિયા કિનારે આવેલ પ્રવાસન સ્થળો પર તથા નજીકના તમામ રોડ રસ્તાઓ ઉપર બીચ જેવી પ્રવાસન જગ્યાઓ પર પ્રવાસીઓ-પર્યટકો 30 સપ્ટેમ્બર અને તા 1 ઓકટોબર સુધી ન જાય તે રીતે સંપૂર્ણ પ્રતિબંધિત રાખી તકેદારી રાખવા તમામ પગલાં લેવા આથી જણાવવામાં આવ્યું છે.
આ સાથે જ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે પ્રવાસન સ્થળો પર હયાત પ્રવાસીઓ-પર્યટકોને દરિયા કિનારેથી દુર કરવા તેમજ આવી જગ્યાઓ ખાલી કરાવી વિડીયોગ્રાફી – ફોટોગ્રાફ્રા સહિત માહિતી અને SEOC ખાતે ઈ-મેઈલ તથા RAC અને સ્ટેટ ડિઝાસ્ટર વોટસએપ ગૃપમાં વિગતો મોકલી આપવા આદેશ કર્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓના કલેકટર્સને સૂચના આપી છે કે જિલ્લામાં આવેલ તમામ બંદરો, માછીમારી સ્થળો તથા બીચ પર બોટીંગ, ફીશીગ જેવી પ્રવૃત્તિ વોર્નિગ મુજબ આગામી બે દિવસ સુધી મોકુફ રાખવા તથા માછીમારી માટે દરિયામાં કોઈ બોટ ન જાય તેની તકેદારી રાખવા સબંધિત ફીશરીઝ વિભાગ , GMB, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવીના સબંધિત અધિકારીઓને આ ચેતવણી આપી જરૂરી સુચના આપી હેઆગોતરૂ આયોજન કરવું, તેમજ તેની જાણ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને કરવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક, ગાંધી જયંતિ નિમિતે યોજાનાર ગ્રામસભાઓના આયોજનને આખરી ઓપ અપાયો