
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો અને બાળકોના મોતની ઘટનાઓ સામે આવતા આરોગ્ય વિભાગ સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. વધતી ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં ખાસ સર્વેલન્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના 9 જેટલા ગામોમાં દવાઓનો છંટકાવ, આરોગ્ય તપાસ અને જનજાગૃતિની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગે બે વર્ષ પહેલાં જિલ્લામાં નોંધાયેલા ચાંદીપુરા વાયરસના કેસોના આધારે સંવેદનશીલ વિસ્તારોને ચિહ્નિત કર્યા છે. તે વિસ્તારોમાં રોગચાળો ફરી ન ફેલાય તે માટે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ટીમો દ્વારા સતત મોનિટરિંગ સાથે સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
નવ ગામોના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધી 391 ઘરોમાં ઘર-ઘર જઈ સર્વે કરવામાં આવ્યો છે. સાથે જ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈપણ બાળકમાં તાવ, ઉલટી, બેભાન થવું અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર શરૂ કરી શકાય.
આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા, મચ્છર અને રેતી માખીના સંપર્કથી બચાવવાના પગલાં લેવા તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી છે. ખાસ કરીને કાચા મકાનો, ભેજવાળા સ્થળો અને ખાડાઓને પૂરવા તેમજ ગંદકી દૂર રાખવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે બાળકમાં સતત તાવ, ઊંઘ વધારે આવવી, ઉલટી, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો સમય ગુમાવ્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે પહોંચવું જોઈએ. રાજ્યમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને વધુ સતર્ક રહેવા અને સતત સર્વેલન્સ જાળવવા સૂચના આપી છે.
આ પણ વાંચો-Breaking News: સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ, હિંમતનગર સિવિલમાં બાળકનું સારવાર દરમિયાન મોત
Published On - 1:43 pm, Sat, 11 July 26