Breaking News : ગુજરાતમાં ભારે વરસાદની તારાજી વચ્ચે કેબિનેટ બેઠકને લઈ મોટો નિર્ણય, મંત્રીઓને મેદાનમાં ઉતરવા મુખ્યમંત્રીનું સૂચન

ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે પોતાની કેબિનેટ બેઠક બુધવારને બદલે મંગળવારે યોજવાનો નિર્ણય લીધો છે.

Breaking News : ગુજરાતમાં ભારે વરસાદની તારાજી વચ્ચે કેબિનેટ બેઠકને લઈ મોટો નિર્ણય, મંત્રીઓને મેદાનમાં ઉતરવા મુખ્યમંત્રીનું સૂચન
| Edited By: | Updated on: Jul 27, 2026 | 3:46 PM

ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન દાહોદ, છોટાઉદેપુર, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. મૂળ બુધવારે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠક હવે મંગળવારે ગાંધીનગરમાં યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ કેબિનેટ મંત્રીઓને બુધવારે પોતાના મતવિસ્તાર તેમજ પ્રભારી જિલ્લાની મુલાકાત લેવાનું સૂચન કર્યું છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા કરવા, વહીવટી તંત્ર સાથે સંકલન સાધવા અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી પર નજર રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન દાહોદ, છોટાઉદેપુર, વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા અગાઉથી તૈયારીઓ કરી રહી છે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક પ્રતિસાદ મળી રહે અને સ્થાનિક લોકોને જરૂરી સહાય સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. તેથી જ કેબિનેટ બેઠકનો દિવસ બદલીને મંગળવારે રાખવામાં આવ્યો છે, જેથી બુધવારે તમામ મંત્રીઓ પોતાના વિસ્તાર અને પ્રભારી જિલ્લાઓમાં હાજર રહી પરિસ્થિતિ પર સીધી નજર રાખી શકે.

આગામી 72 કલાક બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 30 જુલાઈથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય બનવાના કારણે વરસાદની તીવ્રતા વધી શકે છે. અપર એર સર્ક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન રાજ્યના હવામાન પર અસર કરશે. તેના કારણે અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

28 અને 29 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 30 જુલાઈથી સતત ત્રણ દિવસ સુધી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ ‘હાલાકી’ – જુઓ Video

Published On - 3:30 pm, Mon, 27 July 26

Follow Us