અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે
રાજ્ય સરકારે આ વરસાદી આફતનો ભોગ બનેલા ત્રણ જિલ્લાના લોકો, પશુપાલકોને ઉદારત્તમ મદદ-સહાય માટે પ્રવર્તમાન SDRFના સહાય ધોરણો ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી છે.
GANDHINAGAR : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 22 સપ્ટેમ્બરે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળી જેમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ-જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પરિવારો- પશુપાલકો માટે સહાયના ધોરણો વધુ ઉદાર બનાવવાની રાજ્ય સરકારે આગવી સંવેદનીશલતા દર્શાવી છે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતું વાઘાણીએ મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયોની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે આ વરસાદી આફતનો ભોગ બનેલા આ ત્રણ જિલ્લાના લોકો, પશુપાલકોને ઉદારત્તમ મદદ-સહાય માટે પ્રવર્તમાન SDRFના સહાય ધોરણો ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય 1)ઘરવખરી સહાયમાં રૂ.3200 નો વધારો કરી હવે પરિવાર દિઠ રૂ.7000 અપાશે 2)વરસાદથી નાશ પામેલા ઝૂંપડાના કિસ્સામાં રૂ.5900 નો વધારો કરી હવે ઝૂંપડા દિઠ રૂ.10 હજાર સહાય મળશે 3)અંશત: નુકશાન પામેલા પાકા મકાનોની સહાય પેટે હવે રૂ. 15 હજાર મળશે. 4)અંશત: નુકશાન પામેલા કાચા મકાનોની સહાયમાં રૂ.6800નો વધારો કરવામાં આવ્યો છે. 5)દૂધાળા મોટા પશુ મૃત્યુ સહાય હવે પાંચ પશુ સુધી પશુ દિઠ રૂ.50 હજાર પ્રમાણે અપાશે. 6)ઘેટાં-બકરાં જેવા દૂધાળા નાના પશુઓના મૃત્યુના કિસ્સામાં પશુદિઠ રૂ.5 હજાર સહાય રાજ્ય સરકાર આપશે.
મહેસુલ મંત્રી અને શિક્ષણ મંત્રીએ અતિ વરસાદની પરિસ્થિતીમાં મૃત્યુ પામેલા નાના-મોટા દૂધાળા પશુઓની પશુ મૃત્યુ સહાયના ધોરણોમાં કેબિનેટ બેઠકે કરેલા વધારાની વિગતો પણ આપી હતી.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર 3 પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પશુપાલકોને પશુઓના મૃત્યુથી થયેલા નુકશાન અંગે સહાનૂભુતિ દર્શાવતાં હવે 5 પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
એટલું જ નહિ, SDRFના ધોરણો મુજબ રૂ.30 હજારની પશુ મૃત્યુ સહાય પશુ દિઠ મળતી હતી. તેમાં વધારાના રૂ.20 હજાર રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે.આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુ દિઠ રૂ.50 હજારની સહાય પશુપાલકોને અપાશે.
વરસાદની આ સ્થિતીમાં આ ત્રણ જિલ્લાઓમાં ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના પણ મૃત્યુ થયાના કિસ્સા રાજ્ય સરકારના ધ્યાને આવ્યા છે.મંત્રીઓએ આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દિઠ રૂ.2 હજારનો વધારો રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે તેની વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ કે, હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુદિઠ 5 હજાર પ્રમાણે રાજ્ય સરકાર આપશે.
મંત્રીઓએ કહ્યું કે, ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના રૂ. 2100 ઉપરાંત રાજ્ય સરકાર તરફથી રૂ. 2900 વધારાના મળી કુલ રૂ.5000 ની સહાય શેડ-ગમાણ દિઠ આપવાનોમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ વરસાદી આફતમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તોની મદદ સહાય માટે સદૈવ તત્પર છે અને આ સુધારેલા ધોરણો મુજબ સહાય ચુકવણી માટેના જરૂરી આદેશો પણ કરવામાં આવ્યા છે.