Gandhinagar : કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય, અંદાજે 100 લાખ કિલો વીડીના વધારાના ઘાસના જથ્થાને વિના મૂલ્યે કાપીને લઇ જવાશે
Gandhinagar News : આ વર્ષે રાજ્યમાં અંદાજે 100 લાખ કિલોગ્રામ વીડીના વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા, પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- દુધઉત્પાદક મંડળીઓને વિના મૂલ્યે વાઢી લઇ જવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જે અંગે મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં અંદાજે 100 લાખ કિલોગ્રામ વીડીના વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા, પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- દુધઉત્પાદક મંડળીઓને વિના મૂલ્યે વાઢી લઇ જવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. અબોલ પશુઓની હિતમાં આ નિર્ણય કર્યો હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ કે,જુના વર્ષમાં એકત્રીત કરવામાં આવેલા કુલ 576 લાખ કિલોગ્રામ ઘાસ હાલમાં વન વિભાગ હસ્તકના ગોડાઉન તથા પ્લેટફોર્મ પર ગંજીમાં સંગ્રહિત છે. ચાલુ વર્ષે કુલ. 273 લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ પાસે ઉપલબ્ધ થવાનું છે.
તેમણે ઉમેર્યું કે, ચાલુ વર્ષના અંત સુધીમાં વિભાગ પાસે અંદાજીત 813 લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ પાસે ઉપલબ્ધ થશે. જ્યારે વન વિભાગ હસ્તકના ગોડાઉનની કુલ કેપેસીટી 700 લાખ કિલોગ્રામ ઘાસ સંગ્રહ કરવાની છે. જેથી વધારાના ઘાસનો સદઉપયોગ માટે વધારાના 100 લાખ કિલોગ્રામથી વધુના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા, પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- દુધઉત્પાદક મંડળીઓને વિના મૂલ્યે વાઢી લઇ જવા મંજૂરી અપાશે.
તેમણે કહ્યું કે,આ નિર્ણય દ્વારા રાજ્યના લાખો અબોલ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો મળી રહેશે. વાડીઓમાં ઘાસ કાપી લેવાથી આવતા વર્ષે તેની ઉત્પાદન ક્ષમતા વધશે, તેમજ વીડીઓમાં ઉભા ઘાસમાં દવ-આગ લાગવાની સંભાવનાઓમાં પણ ઘટાડો થશે. આ છુટછાટ આપવાથી વન વિભાગ ઉપર કોઇ આર્થિક બોજો કે ખર્ચ કે માંડવાળ કરવાની પરિસ્થિતિ ઉભી થશે નહીં . વધુમાં વીડી પ્રત્યે સ્થાનિકોની લાગણી વધશે અને તેઓને ભવિષ્યમાં પણ વીડિ સંરક્ષણ માટે વધુ પ્રેરણા મળશે.
મહત્વનું છે કે, રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયાસોથી છેલ્લા 10 વર્ષમાં વન વિભાગે વીડી સુઘારણા અને ઘાસ સુધારણા હેઠળ કરેલા કામેના પરિણામે ઘાસના જથ્થાનું મોટા પ્રમાણમાં એકત્રીકરણ થયું છે.
તો બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં વધુ પારદર્શીતા લાવવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે હાઇ ક્વોલીટી વિઝન CCTV કેમેરા નેટવર્ક સ્થાપવાનો નિર્ણય લીધો છે. તદઉપરાંત નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. આ CCTV પ્રોજેક્ટના અમલીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.