Gujarat માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, હવે ધોરણ 1 થી અંગ્રેજી વિષય ભણાવાશે
ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતી ફરજિયાત અને મહત્વપૂર્ણ છે પરંતુ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી શીખવવામાં આવશે. શિક્ષણ બજેટ પર ચર્ચા દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી
ગુજરાત(Gujarat) વિધાનસભામાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેર કર્યું હતું કે જૂન 2022 માં શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી રાજ્યની તમામ સરકારી શાળાઓમાં(School) ધોરણ 1 થી અંગ્રેજી (English) એક વિષય તરીકે દાખલ કરવામાં આવશે.હાલમાં સરકારી શાળાઓમાં ધોરણ 3 માં અંગ્રેજી વિષય તરીકે દાખલ કરવામાં આવે છે. આ અંગે ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું કે ” ગુજરાતી ફરજિયાત અને મહત્વપૂર્ણ છે પરંતુ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી શીખવવામાં આવશે,” શિક્ષણ બજેટ પર ચર્ચા દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, આવતા શૈક્ષણિક સત્રમાં, અમે ધોરણ 1 માં અંગ્રેજીને એક વિષય તરીકે દાખલ કરીશું, જે જૂન 2023 માં વર્ગ 2 સુધી આગળ વધશે. હાલ ગુજરાતમાં 32,000 થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ (વર્ગ 1-8 થી) છે, જેમાં 51 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.
GCERT અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે જરૂરી ફેરફારો લાવવાની કામગીરી શરૂ કરી હતી.પસંદ કરાયેલા શિક્ષકો દ્વારા ધોરણ 1 થી અંગ્રેજી શીખવવાની કામગીરી કરવામાં આવશે.
માતૃભાષા ગુજરાતી રાખવાની જરૂરિયાતને સંતુલિત કરવાનો મધ્યમ માર્ગ
આ દરમ્યાન પ્રાથમિક શાળાઓમાં માતૃભાષામાં ભણાવવાની અથવા વૈશ્વિકીકરણના સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક બનવા માટે સક્ષમ બનાવવા અંગ્રેજી ભાષા શીખવાડવા અંગેની ચર્ચાએ શિક્ષણવિદો અને નીતિ ઘડનારાઓના અભિપ્રાયને વિભાજિત કર્યા છે. જોકે, ગુજરાત સરકારે ધોરણ 1 થી અંગ્રેજી દાખલ કરવાની અને હજુ પણ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા ગુજરાતી રાખવાની જરૂરિયાતને સંતુલિત કરવાનો મધ્યમ માર્ગ શોધી કાઢ્યો છે.ગુજરાત સરકારનું માનવું છે કે બાળકોને ભવિષ્યમાં અંગ્રેજી બોલવા અને લખવામાં સક્ષમ થવા માટે બોલવા અને સાંભળવાનો મજબૂત પાયો હોવો જરૂરી છે, તેમજ આજના સમયમાં માતૃભાષાની સાથે અંગ્રેજી પણ એટલું જ જરૂરી છે.
આ પણ વાંચો : રાજ્યમાં શાળા કોલેજોમાં હિજાબ મુદ્દે સરકારે પરિપત્ર કર્યો, જાણો શું છે આ પરિપત્રમાં