Gandhinagar : રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ જ્ઞાન સહાયકોની રાહે, શૈક્ષણિક સત્ર શરૂ થયાના એક મહિના પછી પણ પ્રવાસી શિક્ષકો ના મળ્યા
ગુજરાતમાં ચાલુ વર્ષથી નવી શૈક્ષણિક નીતિ લાગુ કરી દેવામાં આવી છે, પરંતુ તેની સામે રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે.
Gandhinagar: રાજ્યની શાળાઓમાં (School) પાંચ જૂનથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હતી. જોકે, હજુ સુધી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો નથી મળ્યા અને શાળાઓ શિક્ષકોની ઘટ સાથે ચાલી રહી છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અત્યારે શિક્ષકોની 8 હજારથી વધુની ઘટ હોવાનો દાવો શાળા મહામંડળ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ આશંકા વર્તાઈ રહી છે કે હજુ પણ શાળાઓને અંદાજીત ત્રણ મહિના સુધી શિક્ષકો નહીં મળે.
આ પણ વાંચો Gujarat સરકારે રોજગારી આપવામાં ભરી નવી ઉડાન, હાંસલ કર્યો દેશમાં પ્રથમ ક્રમ
ગુજરાતમાં ચાલુ વર્ષથી નવી શૈક્ષણિક નીતિ લાગુ કરી દેવામાં આવી છે, પરંતુ તેની સામે રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓનું વિષયવાર સમય પર શૈક્ષણિક કાર્ય પૂર્ણ થાય એ શક્યતા ઓછી જોવાઇ રહી છે. સામાન્ય રીતે શાળાની શરૂઆત થાય ત્યારથી જ પ્રવાસી શિક્ષકો આપી દેવાના હોય છે. પરંતુ સરકારે કરેલ નવા નિયમ મુજબ પ્રવાસી શિક્ષક જેને હવે આગામી સમયે જ્ઞાન સહાયક તરીકે લેવાના રહેશે.
TATની પરીક્ષાના પરિણામો આવ્યા બાદ શાળાઓને પ્રવાસી શિક્ષકો મળશે
હાલમાં TATની પરીક્ષા લેવાઈ રહી છે. જેના પરિણામો આવ્યા પછીની કાર્યવાહીમાં લાંબો સમય નીકળી જાય એવી શક્યતાઓ છે. ત્યારે સંચાલકો પ્રશ્ન કરી રહ્યા છે કે ક્યારે આ ક્વોલિફાય શિક્ષકો આવશે અને ક્યારે શાળાઓને મળશે. અમદાવાદ શાળા સંચાલક મંડળના પ્રમુખ અમૃત ભરવાડ જણાવ્યું હતું કે સરકારની નીતિના કારણે ગ્રાન્ટેડ શાળાઓના બાળકોનું શૈક્ષણિક કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે.
પ્રવાસી શિક્ષકો હવે જ્ઞાન સહાયક
અત્યાર સુધી શાળાઓને જે પ્રવાસી શિક્ષકો મળતા એમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે અને જ્ઞાન સહાયક નામ આપવામાં આવ્યું છે. જેના સાથે 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવાની રહેશે. આ કરાર 300 રૂપિયાના સ્ટેમ્પ પર શાળાએ કરવાનો છે. ભવિષ્યમાં પૂર્ણ લાયકાત ધરાવનાર શિક્ષક પોતાના હક માટે કાયમી થવા કોર્ટમાં જશે તો સૌપ્રથમ કોર્ટ શાળા સંચાલક જોડે જવાબ માંગશે.
વિપક્ષે સરકારની આ નીતિ સામે સવાલો ઉઠાવ્યા
શાળાઓમાં શિક્ષકો ના હોવાથી શૈક્ષણિક કાર્ય પર અસર થઈ રહી હોવાનો દાવો સંચાલકો કરી રહ્યા છે. તો વિપક્ષ પણ સરકારની આ નીતિ સામે સવાલો કરી રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે ભાજપ સરકારના મોડલમાં શાળાઓ શિક્ષક વગરની છે. બાળકોને પ્રવાસે લઈ જવા વાળું સાંભળ્યું હતું પરંતુ પ્રવાસી શિક્ષકો ભાજપ સરકાર લઈને આવી. શિક્ષણ સાથે આવા પ્રયોગો ના કરવા જોઈએ અને શિક્ષકોની બાકી પડેલ 32 હજારની ભરતી સરકારે જલ્દી પૂર્ણ કરી શાળાઓમાં શિક્ષકની ઘટ પૂર્ણ કરવી જોઈએ.