નવા વર્ષના પ્રારંભે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS) 2024 ગુજરાતમાં યોજવામાં આવી રહી છે. તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ગાંધીનગરમાં ગઇકાલે એટલે કે 3 જાન્યુઆરી 2024એ વાઇબ્રન્ટ સમીટને લઈને ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યપ્રધાને બોલાવેલી આ બેઠકમાં વાયબ્રન્ટની સુરક્ષા મામલે ચર્ચા કરવામાં આવી હતી. તો ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહ વિભાગના બજેટ અને પોલીસ ભરતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
4 વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઇને મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. જે અંતર્ગત 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે. UAE, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેશે.
જાપાન, મોરોક્કો, રવાન્ડા, યુ.કે., થાઈલેન્ડ, યુએઈ, સિંગાપોર, કઝાકિસ્તાન, એસ્ટોનિયા, યુક્રેન, યુગાન્ડા, ભૂતાન, વિએતનામે સત્તાવાર કન્ફર્મેશન આપ્યું છે. બીજી તરફ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત 5 જાન્યુઆરીના રોજ હોટલ લીલા ખાતે હોલિસ્ટિક હેલ્થકેરની થીમ સાથે આરોગ્યલક્ષી સેમિનાર યોજાશે. જેમાં પ્રમોટિંગ ફાર્માસ્યુટિકલ, ટેકનોલોજી અને મેડિકલ સેક્ટરના વિકાસ મુદ્દે ચર્ચા થશે.
આ પણ વાંચો-સુરેન્દ્રનગરના ચોટીલા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
12 જાન્યુઆરીના રોજ વેસ્ટ ટૂ એનર્જી પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્લ્ડ બેન્કના ડાયરેક્ટર, નીતિ આયોગ, વર્લ્ડ બેન્ક, જાયકા ઇન્ડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. સેમિનારમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ મુદ્દે પર ચર્ચા કરાશે. કૃષિ અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં વેસ્ટ વોટરને રિયુઝ વોટર તરીકે ઉપયોગ કરવા માટેના વિશેષ આયોજનો પર પણ મંથન કરાશે.