WOMEN POWER : CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં બે મહિલાઓનો સમાવેશ, જાણો કોણ છે આ બે મહિલા પ્રધાનો
ગત રૂપાણી સરકારના પ્રધાનમંડળમાં માત્ર એક મહિલા પ્રધાન વિભાવરીબેન દવે હતા, પણ CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં બે મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
GANDHINAGAR :રાજ્યના નવા પ્રધાનમંડળના 24 પ્રધાનોએ શપથ લીધા.પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ગત રૂપાણી સરકારના પ્રધાનમંડળમાં માત્ર એક મહિલા પ્રધાન વિભાવરીબેન દવે હતા, પણ CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં બે મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોણ છે આ નવા મહિલા મંત્રીઓ અને તેમણે ક્યાં વિભાગની જવાબદારી સોપવામાં આવી છે, આવો જોઈએ.
વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલને મહિલા અને બાળકલ્યાણ વિભાગનો સ્વતંત્ર હવાલો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના વિભાગની જવાબદારી આપવામાં આવી છે. મનીષા વકીલ વડોદરા શહેર મત વિભાગ (વડોદરા) વિધાનસભા – 141 મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. તેમનો જન્મ તા. 25 માર્ચ 1975 રોજ વડોદરા ખાતે થયો હતો.
મનીષા વકીલના અભ્યાસની વાત કરીએ તો તેમણે એમ.એ. અને બી.એડ. (અંગ્રેજી સાહિત્ય) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બ્રાઇટ ડે સ્કૂલના સુપરવાઈઝર તરીકે તથા સોલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા.
મોરવાહડફના ધારાસભ્ય નિમિષા સુથાર CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં મોરવાહડફના ધારાસભ્ય નિમિષા સુથારને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદરી અપાઈ છે. નિમિષાબેન મનહરસિંહ સુથાર, મોરવાહડફ મતવિભાગ (પંચમહાલ) વિધાનસભા-125 મતવિસ્તારમાંથી ચુંટાયેલા છે. તેમનો જન્મ વર્ષ 1982 માં થયો છે. મોરવાહડફની વિધાનસભાની બેઠક ઉપરથી વર્ષ 2021 માં પેટાચૂંટણીમાં વિજેતા થયા છે. અગાઉ તેઓ વર્ષ 2013-2017 દરમિયાન ગુજરાત વિધાનસભામાં મોરવાહડફનું પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓએ ડિપ્લોમાં ઈન ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર કમ પ્રોગ્રામિંગ સુધીનો અભ્યાસ કરેલો છે.
નવી ટીમ સક્ષમ, સાથે મળીને કામ કરીશું : વિભાવરી દવે CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના એક પણ મંત્રીને નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આવા જ એક મંત્રી છે રાજ્યના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે કે જેઓ રૂપાણી સરકારમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા.
નવા પ્રધાનમંડળમાં સ્થાન ન મળતા વિભાવરીબેન દવેએ કહ્યું કે અમને જે આપ્યું છે એનો સંતોષ છે, બીજાનો પણ વારો આવે છે. તેમણે કહ્યું કે અમે ભાજપના કાર્યકર છીએ અને વિવિધ પદ પર રહીને કાર્ય કરતા રહીએ છીએ. અમે કાર્યકર ક્યારેય મટી જતા નથી. તેમણે કહ્યું નવા ઉત્સાહ અને ઉમંગ સાથે નવી ટીમ સાથે કામ કરીશું.તેમણે કહ્યું નવા પ્રધાનમંડળના સભ્યો ખુબ સક્ષમ છે.