CM ભુપેન્દ્ર પટેલે દુબઈ એક્સ્પો-2020માં સંબોધન કર્યું, DHOLERA SIRને વિશ્વફલક પર રજૂ કર્યું, રોકાણકારોને આમંત્રણ આપ્યું

TV9 GUJARATI

|

Updated on: Oct 06, 2021 | 9:51 PM

CM ભૂપેન્દ્ર પટેલે આગામી વાયબ્રન્ટ સમિટ-2022 માં UAE ના વેપાર-ઉદ્યોગ સાહસિકોને જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.

CM ભુપેન્દ્ર પટેલે દુબઈ એક્સ્પો-2020માં સંબોધન કર્યું,   DHOLERA SIRને વિશ્વફલક પર રજૂ કર્યું, રોકાણકારોને આમંત્રણ આપ્યું
CM Bhupendra Patel addresses Dubai Expo 2020

GANDHINAGAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દુબઈ એક્સ્પો-2020માં સંબોધન કર્યું અને સાથે જ “સેટીંગ ન્યૂ બેંન્ચમાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી-ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી” ની વિડીયો કોન્ફરન્સથી પ્રભાવક પ્રસ્તુતિ કરી. મુખ્યપ્રધાને કહ્યું ‘ધોલેરા- અ- ન્યૂ એરા’ની નેમ સાથે ધોલેરા ભવિષ્યનું સૌથી અત્યાધુનિક સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે. મુખ્યપ્રધાને દુબઇ એક્સપો -2020 ના ગ્લોબલ પ્લેટફોર્મ પરથી વિશ્વભરના ઉદ્યોગ-વેપાર રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આહવાન કર્યું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના વેપાર ઉદ્યોગકારો, રોકાણકારોને ગુજરાતમાં પોતાનો વેપાર કારોબાર વિસ્તારવા અને ગ્લોબલ બિઝનેસ ડેવલપમેન્ટમાં જોડાવા આહવાન કર્યુ હતું.આ સંદર્ભમાં મુખ્યપ્રધાને કહ્યું કે, પોલિસી ડ્રીવન સ્ટેટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસની નેમ સાથે ગુજરાત વડાપ્રધાન મોદીના “આત્મનિર્ભર ભારત – મેઇક ઇન ઇન્ડીયા”ના સંકલ્પને દેશ-વિદેશના રોકાણો ગુજરાતમાં આકર્ષિત કરી પાર પાડવા પ્રતિબદ્ધ છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુબઇમાં યોજાઇ રહેલા દુબઇ એક્સપો -2020 માં ઇન્ડીયા પેવેલિયન ખાતે આયોજિત સ્પેશ્યલ સેશન “ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા”માં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતું.મુખ્યપ્રધાને જણાવ્યું કે, આજે ગુજરાતની ચર્ચા અને તૂલના વિશ્વના વિકસીત દેશો સાથે થાય છે. દેશનું સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ એટલે કે 37 ટકા FDI એકલા ગુજરાતે મેળવ્યું છે.

મુખ્યપ્રધાને કહ્યું એન્જીનીયરીંગ, ઓટો પાર્ટસ, ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ તથા જેમ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં ગુજરાત અગ્રીમ છે.તેમણે ઉમેર્યુ કે, 1600 કિ.મી.નો વિશાળ દરિયા કિનારો ધરાવતું ગુજરાત એક મેજર અને 48 નોન-મેજર પોર્ટને કારણે મિડલ ઇસ્ટ, આફ્રિકા અને યુરોપ સાથેના સામુદ્રીક વ્યાપારનું ગેટ-વે બન્યું છે.

મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનનો ફાળો પણ મહત્વનો બની રહ્યો છે.તેમણે આવા SIR માં ધોલેરા SIR સૌથી મોખરે છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતાં વડાપ્રધાને ધોલેરા SIRને વિશ્વકક્ષાનું ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવવાનું જોયેલું સપનું સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાકાર થશે તેમ ઉમેર્યુ હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIR ગ્રીનફિલ્ડ પ્રોજેકટ 920 સ્કવેર કિલોમીટરના વિશાળ વિસ્તાર, DMIC સાથેના જોડાણ તેમજ નેકસ્ટ જનરેશન ટેકનોલોજી સાથે સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલીટીઝ સાથેનું વેલ પ્લાન્ડ સિટી બનવાનું છે તેની વિશેષતાઓનું વિવરણ કર્યુ હતું.

મુખ્યપ્રધાને ધોલેરા SIR માં એરોસ્પેસ, ડિફેન્સ, એન્જીનીયરીંગ, આઇ.ટી, ઇલેકટ્રોનીક તથા રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોનું પોટેન્શ્યલ રહેલું છે તેમ પણ જણાવ્યું હતું.અત્યારે નેશનલ અને સ્ટેટ હાઇવે સાથે જોડાયેલું ધોલેરા નજીકના ભવિષ્યમાં અમદાવાદ સાથે એકસપ્રેસ વે સાથે પણ જોડાઇ જશે તેની છણાવટ કરતાં મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, ધોલેરામાં વિશાળ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પણ શરૂ થયું છે.મુખ્યપ્રધાને ગુજરાતના વૈશ્વિક ઔદ્યોગિક વિકાસના નવા યુગ, નવા એરાની શરૂઆત આ ધોલેરા SIR થી થઇ રહી છે તેનું ગૌરવ કરતાં કહ્યું કે, ધોલેરા એટલા માટે જ અ ન્યૂ એરા કહેવાયું છે.

CM ભૂપેન્દ્ર પટેલે આગામી વાયબ્રન્ટ સમિટ-2022 માં UAE ના વેપાર-ઉદ્યોગ સાહસિકોને જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતની વૈશ્વિક ઓળખ એવી આ વાયબ્રન્ટ સમિટમાં આવનારા ઉદ્યોગ-વેપાર-રોકાણકારો ભારતના સૌ પ્રથમ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી-ધોલેરાની મુલાકાત લઇ વિકાસની ગાથાને સાકાર થતી પ્રત્યક્ષ નિહાળી શકશે. તેમણે દુબઇ એક્સપો-2020 માં જોડાયેલા સૌને પ્રેરણા આપતાં કહ્યું કે, “વેલ કમ ટુ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ધોલેરા એન્ડ સેટ ન્યૂ બેચ માર્ક ફોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ”

મુખ્યપ્રધાનના આ પ્રભાવક સંબોધનને સૌ ઉપસ્થિતોએ હર્ષનાદથી વધાવ્યું હતું.આ વિશેષ સત્રમાં દુબઇના પ્રતિષ્ઠિત શરાફ ગૃપના વાઇસ ચેરમેન શૈફુદીન શરાફ, દુબઇ ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ અમન પૂરી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ચેરમેન સંજીવ ગુપ્તા વગેરે એ પણ ભારતના વિકાસમાં ગુજરાતની અગ્રેસરતાની પ્રસંશા કરી હતી.

મુખ્યપ્રધાન સાથે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સિચવ પંકજ જોષી અને ઉદ્યોગ કમિશ્નર રાહૂલ ગુપ્તા જોડાયા હતા.ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડના એમ.ડી. હારિત શુકલાએ આ વિશેષ સેશનનો હેતુ સ્પષ્ટ કરી સૌને આવકાર્યા હતા.ઇન્ડેક્ષ-બી ના એમ.ડી નિલમ રાનીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati