AAP નેતા ઇસુદાન ગઢવી પર કથિત રીતે દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા
શ્રદ્ધા ઝાએ કહ્યું કે એ લોકો રજૂઆત કરવા આવ્યાં હોય એવું કોઈ રીતે લાગતું નહોતું. એ લોકો હોબાળો કરવા જ આવ્યાં હતા અને હલકી ભાષાનો પ્રયોગ કરી રહ્યાં હતા. તેમણે મહિલાઓ માટે અભદ્ર શબ્દોનો પણ પ્રયોગ કર્યો.
GANDHINAGAR : ગાંધીનગરમાં AAP નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા છે. કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે AAP અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયા બાદ, ભાજપની મહિલા કાર્યકરોએ AAPના નેતા ઈસુદાન ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપની મહિલા કાર્યકરોનો આરોપ છે કે ઈસુદાન નશાની હાલતમાં હતા અને તેમણે તેમની છેડતી કરી છે. ભાજપની મહિલા કાર્યકરોએ આ બાબતે પોલીસને અરજી આપી છે. હવે ઈસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
કમલમ ખાતે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ભાજપના મહિલા કાર્યકરો શ્રદ્ધા ઝા અને શ્રદ્ધા રાજપૂતના શરીર પર નિશાન થઇ ગયા છે. આ બંને મહિલા કાર્યકરોએ તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.
આ અંગે AAP ઇસુદાન ગઢવી વિરુદ્ધ અરજી કરનાર શ્રદ્ધા રાજપૂતે કહ્યું આજે જયારે તેઓ ભાજપ કાર્યાલયે આવ્યાં ત્યારે મહિલા મોરચાની ઓફીસમાં બેઠા હતા આ સમયે એક જોરદાર અવાજ આવ્યો હતો.અવાજના કારણે બધા બહાર આવી ગયા હતા અને અમે જોયું કે આ AAP કાર્યકરોનું મોટું ટોળું અમારી સામે બેસી ગયું હતું.
શ્રદ્ધા રાજપૂતે આરોપ લગાવ્યો કે AAPના યુવા નેતાઓએ ખુબ જ અભદ્ર ભાષામાં અમારી સાથે વાત કરી, અમે કહ્યું કે આવા ખરાબ નારાઓ ન લગાવો. એ લોકોએ અમને પકડીને ઝાપઝાપી કરી અને બેનરના ડંડા વડે પીઠમાં પણ માર માર્યો છે. તેમણે કહ્યું કે અરજીમાં ઇસુદાન વગેરેએ દારૂ પીને ધમાલ કરી હતી એ લખ્યું છે, પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે.
તો શ્રદ્ધા ઝાએ કહ્યું કે એ લોકો રજૂઆત કરવા આવ્યાં હોય એવું કોઈ રીતે લાગતું નહોતું. એ લોકો હોબાળો કરવા જ આવ્યાં હતા અને હલકી ભાષાનો પ્રયોગ કરી રહ્યાં હતા. તેમણે મહિલાઓ માટે અભદ્ર શબ્દોનો પણ પ્રયોગ કર્યો. તેમણે કહ્યું કે આ ટોળામાંથી ઘણા બધા ભાઈઓ એવા લાગતા હતા જેમણે દારૂ પીધો હોય.
આ પણ વાંચો : ગુજરાતના આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવાયો, કોઇ રાહત નહિ
આ પણ વાંચો : આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓના નામે રાજકીય રોટલા શેકે છે : હર્ષ સંઘવી