
ગાંધીનગર સેક્ટર 24માં બાળકી ઉપર દુષ્કર્મના ગંભીર કેસમાં મોટી અપડેટ સામે આવી છે. કેસના મુખ્ય આરોપીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ પાસેથી બચવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ બેકાબૂ બની હતી, જેને પગલે પોલીસ દ્વારા ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ દરમિયાન આરોપીને ગોળી વાગી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગોળી વાગ્યા બાદ આરોપીને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આરોપીની હાલત અંગે અધિકૃત માહિતીની રાહ જોવાઈ રહી છે. હોસ્પિટલ અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે અને ઘટના અંગે વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કેસમાં તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ બનાવ અંગે સેક્ટર–21 પોલીસ સ્ટેશન ખાતે ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 64(1), 65(2) તથા પોસ્કો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા હતા.
તપાસ દરમ્યાન આરોપી તરીકે રામગનીત દેવનંદન રામરૂપ યાદવ (ઉંમર 40 વર્ષ)ની ઓળખ કરવામાં આવી હતી. આરોપી હાલ ગાંધીનગરના સેક્ટર–25માં આવેલા અમુલ પેકેજીંગ પ્લાન્ટની લેબર કોલોનીમાં રહેતો હોવાનું અને મૂળ બિહારના નાલંદા જિલ્લાના નુરસરા થાણા વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે. આરોપીને આજરોજ તા. 20/12/2025ના રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કેસની તપાસમાં ગુનાને લગતા જરૂરી સેમ્પલો એફ.એસ.એલ. પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં સેમ્પલો મેચ થતા આરોપી સામેના પુરાવા વધુ મજબૂત બન્યા હતા. આ આધારે પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આજરોજ શનિવારે સાંજના સમયે તપાસ કરનાર મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. દેસાઈ પોતાની ટીમ સાથે આરોપીને લઈને બનાવવાળી જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે પહોંચ્યા હતા. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીને રોકવાના પ્રયત્નો છતાં તે કાબૂમાં ન આવતા, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. દેસાઈ દ્વારા પોતાની સર્વિસ પિસ્તોલમાંથી આરોપીને અટકાવવા માટે તેના પગ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં આરોપીને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તે સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.
(ઈનપુટ ક્રેડિટ – હિમાંશુ પટેલ)
Published On - 7:23 pm, Sat, 20 December 25