
સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય અને જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને સતત બચાવ તથા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરતના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICC) ખાતેથી પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વિશેષ અધિકારી શાલિની અગ્રવાલ, સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુરત જિલ્લા કલેક્ટર સતત સ્થિતિ પર નજર રાખી જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે.
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અત્યાર સુધીમાં અંદાજે 3,900 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. ખાડીપુરની સ્થિતિ સર્જાતા પાણી ઓસરવામાં હજુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી તમામ સંબંધિત વિભાગોની ટીમોને સતત કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના પ્રભારી મંત્રી કનુ દેસાઈ પણ સુરત પહોંચી રહ્યા છે. તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે. તો આવતીકાલ 9 જુલાઈને બુધવારના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સુરત અને વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવી રહ્યાં છે.
આરોગ્ય સેવાઓને સુચારુ રાખવા માટે 200 સભ્યોની આરોગ્ય ટીમ વિવિધ વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવી છે. બીજી તરફ, સુરત પોલીસ કમિશનર અને વિશેષ અધિકારી શાલિની અગ્રવાલે બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
ડિંડોલી વિસ્તારમાં પણ ઉચ્ચ અધિકારીઓએ NDRFની ટીમ સાથે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પાણી ઓસરતા વિસ્તારોમાં તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં અંદાજે 7 હજાર સફાઈ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.
નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ અને સફાઈ માટે 234 જેટલા વિવિધ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે સુરત ફાયર વિભાગની 14 ટીમો ઉપરાંત NDRF અને SDRFની કુલ 9 ટીમો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ અને રાહત કામગીરીમાં સતત જોડાઈ છે.