
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ બાદ હવે શહેરના ફરસાણના વિવિધ એકમોમાં નિયમોના પાલનની શરૂઆત થઈ છે. ફરસાણ બનાવતા કેટલાક એકમોએ તેલની ગુણવત્તા ચકાસવા માટે TPC મશીન વસાવી દીધાં છે. સાથે જ જ્યાં ખાદ્યપદાર્થો બનાવવામાં આવે છે તે રસોડામાં CCTV કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે. આ વ્યવસ્થાથી ફરસાણ બનાવવામાં વપરાતા તેલની ગુણવત્તા પર નજર રાખી શકાશે અને ગ્રાહકો ઈચ્છે તો તેલની ગુણવત્તા અંગે ચકાસણી પણ કરી શકશે.
ફરસાણ બનાવતા એકમોમાં તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલની ગુણવત્તા અને શુદ્ધતા માપવા માટે TPC મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન તેલની સ્થિતિનો આંકડો ડિજિટલી દર્શાવે છે. તેલ કેટલી હદ સુધી ઉપયોગ માટે યોગ્ય છે તે TPCના આંકડા પરથી જાણી શકાય છે.
TPC મશીનમાં 0થી 18.50 સુધીનો આંકડો આવે તો તેલ નવું, શુદ્ધ અને વાપરવા માટે યોગ્ય હોવાનું સૂચવે છે. એટલે કે આ રેન્જમાં રહેલું તેલ તળવા માટે યોગ્ય માનવામાં આવે છે.
જો TPC મશીનમાં 19થી 24 સુધીનો આંકડો જોવા મળે તો તેલની ગુણવત્તા ખરાબ થવાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેલ બદલવાનો સંકેત મળે છે.
TPC મશીનમાં 25થી વધુનો આંકડો આવે તો તેલ વધુ પડતું બગડી ગયું હોવાનું સૂચવે છે. વારંવાર ઉપયોગમાં લેવાયેલું અને હાનિકારક બની ગયેલું તેલ આ રેન્જમાં આવી શકે છે. આવી સ્થિતિમાં તેલનો ઉપયોગ ટાળવો જરૂરી બને છે.
મનપાના આદેશ બાદ ફરસાણ એકમોમાં TPC મશીન ઉપલબ્ધ કરાવવાનો હેતુ ગ્રાહકોને પણ ખાદ્યતેલની ગુણવત્તા અંગે વધુ પારદર્શિતા આપવાનો છે. ગ્રાહક ઈચ્છે તો ફરસાણ બનાવવામાં ઉપયોગમાં લેવાતા તેલની TPC મશીનથી ચકાસણી કરાવી શકે છે અને તેલની સ્થિતિ જાણી શકે છે.
ફરસાણ યુનિટોમાં માત્ર તેલની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા જ નહીં, પરંતુ જ્યાં ખાદ્યપદાર્થો બનાવવામાં આવે છે તે સ્થળે CCTV કેમેરા લગાવવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. કેટલાક ફરસાણ એકમોએ રસોડામાં CCTV કેમેરા લગાવીને આ નિયમનું પાલન શરૂ કરી દીધું છે.
અમદાવાદ મહાનગરપાલિકાના આદેશના અમલથી ફરસાણ બનાવતી વખતે સ્વચ્છતા, ખાદ્યતેલની ગુણવત્તા અને રસોડાની કામગીરી પર વધુ અસરકારક નજર રાખી શકાશે. આગામી દિવસોમાં અન્ય ફરસાણ એકમો પણ TPC મશીન અને CCTVની વ્યવસ્થા કરે તેવી શક્યતા છે.