Ahmedabad Breaking: દશેરા પૂર્વે અમદાવાદમાં ફાફડા-જલેબી વિક્રેતાઓ માટે તંત્રની કડક ગાઇડલાઇન, ભેળસેળ કરી તો દુકાન સીલ થશે
દશેરા પૂર્વે અમદાવાદ આરોગ્ય વિભાગે ફાફડા-જલેબી વિક્રેતાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. ચણાના લોટમાં મકાઈ કે વટાણાની ભેળસેળ ન કરવા, રી-યુઝ્ડ તેલનો વપરાશ ટાળવા અને શુદ્ધ ઘીના દાવાના પુરાવા રાખવા તાકીદ કરાઈ છે; નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ અને સીલિંગ સહિતનાં આકરાં પગલાં લેવાશે.

વિજયાદશમી (દશેરા) ના પર્વ પર ગુજરાતભરમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીની ધૂમ ખરીદી થતી હોય છે. આ તહેવાર ટાણે નગરજનોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને નાગરિકોને શુદ્ધ, સલામત તથા ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો મળી રહે તે સુનિશ્ચિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા તમામ ફાફડા-જલેબીના ઉત્પાદકો તથા વિક્રેતાઓ માટે કડક માર્ગદર્શિકા (એડવાઈઝરી) બહાર કાઢવામાં આવી છે.
તહેવારોની સિઝનમાં વધુ નફો મેળવવાની લાલચમાં કેટલીક જગ્યાએ ગુણવત્તા વગરની સામગ્રી વાપરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વેપારીએ ભ્રામક જાહેરાતો કે ખોટા દાવા કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા નહીં.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા કડક નિયમો:
- લોટમાં ભેળસેળ પર સંપૂર્ણ પ્રતિબંધ: ફાફડા બનાવવા માટે માત્ર શુદ્ધ ચણાના લોટ (બેસન) નો જ ઉપયોગ કરવાનો રહેશે. ચણાના લોટના બદલે મકાઈ, ચોખા, વટાણા કે સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા ખેસારીના લોટની ભેળસેળ બિલકુલ ન કરવા તાકીદ કરાઈ છે.
- તેલ અને ઘીની ગુણવત્તા (TPC નિયમ): ફાફડા અને જલેબી તળવા માટે યોગ્ય ગુણવત્તાયુક્ત એડિબલ ઓઇલ કે ઘીનો જ ઉપયોગ કરવો. વારંવાર ગરમ કરેલા કે બળી ગયેલા કાળા તેલનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) ની માત્રા 25% થી વધુ ન હોવી જોઈએ; જો TPC 25% થી વધારે જણાશે તો તેલનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
- શુદ્ધ ઘીના દાવા અંગે પુરાવા અનિવાર્ય: જો કોઈ વિક્રેતા “શુદ્ધ ઘીની જલેબી” વેચવાનો દાવો કરતો હોય, તો તેની પાસે તે ઘીની ખરીદીના જીએસટી બિલ અને માન્ય પુરાવા હોવા જરૂરી છે. ખોરાકમાં વપરાયેલા પદાર્થો અંગે ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાશે નહીં.
- FSSAI લાયસન્સ અને સ્વચ્છતા: ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ એકમો પાસે FSSAI નું માન્ય લાયસન્સ કે રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. વેચાણ સ્થળે સફાઈ જાળવવી અને કારીગરોએ હેડકેપ તેમજ ગ્લોવ્ઝ પહેરવા અનિવાર્ય રહેશે.
ગ્રાહકોને પણ તંત્રની ખાસ અપીલ
આરોગ્ય વિભાગે જાગૃત નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ હંમેશાં અધિકૃત અને સ્વચ્છતા ધરાવતી દુકાનો પરથી જ ખરીદી કરે. આ ઉપરાંત ખરીદી કરતી વખતે વેપારી પાસેથી પાકું બિલ અચૂક મેળવીને તેના પુરાવા સાચવી રાખે, જેથી કોઈ ગેરરીતિ જણાય તો યોગ્ય કાર્યવાહી કરી શકાય.
તંત્રે ચેતવણી આપતા જણાવ્યું છે કે દશેરા પૂર્વે અને દશેરાના દિવસે ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો શહેરભરમાં સઘન ચેકિંગ અને સેમ્પલિંગ હાથ ધરશે. નિયમોનો ભંગ કરનારા વેપારીઓ સામે ભારે દંડ, માલસામાન જપ્ત કરવા અને જરૂર પડ્યે દુકાન તાત્કાલિક સીલ કરવા સુધીની કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
