Monsoon 2022: દેવભૂમિ દ્વારકા, દાહોદ સહિત વિવિધ જિલ્લામાં નોંધાયો વરસાદ, જાણો આજે ક્યાં વરસી શકે છે મેઘરાજા
સતત બીજા દિવસે વરસાદ આવતા દ્વારકા તેમજ ખંભાળિયામાં ઉકળાટથી રાહત મળી હતી. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ કલ્યાણપુરમાં વરસ્યો હતો તો ભાણવડમાં 1.5 ઇંચ અને ખંભાળિયામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના હવામાનમાં (Weather) ફરી એક વાર પલટો આવ્યો છે અને વિવિધ જિલ્લાઓમાં ભારે બફારા, (Humidity) વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો. બે દિવસથી પલટાયેલા વાતાવરણ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, (Khmabhaliya) કલ્યાણપુર, ભાણવડમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. સતત બીજા દિવસે વરસાદ આવતા દ્વારકા તેમજ ખંભાળિયામાં ઉકળાટથી રાહત મળી હતી. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ કલ્યાણપુરમાં વરસ્યો હતો તો ભાણવડમાં 1.5 ઈંચ અને ખંભાળિયામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
દાહોદમાં પણ વરસાદથી ફેલાઈ ઠંડક
મધ્ય ગુજરાતના દાહોદમાં (Dahod) તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ઉકળાટથી રાહત મળી હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટા છવાયો વરસાદ પડ્યો છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામજોધપુર, વડોદરા, તાપી અને સુરતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી , દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. જયારે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શકયતા છે. જો કે વરસાદનું જોર વધશે તો ભારે પવન ફૂંકાવાની શકયતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજયમાં ફરીથી વરસાદી સિસ્ટમ સર્જાઈ છે તેના પરિણામે વિવિધ જિલ્લામાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
- 10 સપ્ટેમ્બર ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની સંભાવના
- 11 સપ્ટેમ્બર નર્મદા, ડાંગ, તાપી, નવસારી વલસાડ, અમરેલી, ગીરસોમનાથ
- 12 સપ્ટેમ્બર ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ
- 13 સપ્ટેમ્બર ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ
તો ગત રોજ જામનગરમાં જામજોધપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં સિદસરમાં તોફાની પવનમાં મંડપ પણ ધરાશાયી થયા હતા. જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી. તોફાની પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક મોસમનો મિજાજ બદલાતા ભારે પવન ફુંકાયા હતા જેમા મંડપ ધરાશાયી થયો હતો.
વડોદરાના ડેસર તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો તો પાંડુમેવાસમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. પાંડુ, ગેમલપુરી અને ડેસર માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ બાધિત થયો હતો.