દેવભૂમિ દ્વારકાના મુખ્યમથક ખંભાળિયા (Khmabhaliya) ખાતે રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ (Brijesh Merja)જિલ્લા પ્રભારી તરીકે જિલ્લાધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રાહત અને બચાવકાર્યની સમીક્ષા દરમિયાન તેમણે જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેમજ જિલ્લા સેવાસદનની બિલ્ડિંગમાં ઈમરજન્સી સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ રોડ-રસ્તા, વીજ પુરવઠો, આશ્રયસ્થાનો, પાણી પુરવઠો, રાહત અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
દરમિયાન દેવભૂમિ દ્વારકાના સલાયામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સલાયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા સલાયાના રસ્તાઓ ઉપર નદી વહેતી થઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં તંત્રએ નદીના પટમાં અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા ચેતવણી આપી છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ અને પવનને કારણે દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસથી અડધી કાઠીએ ધજા ફરકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા 15 જૂલાઈ સુધી ધજા અડધી કાઠીએ ફરકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરના અબોટી બ્રાહ્મણોને આ સૂચના આપવામાં આવી હતી અને પ્રાંત અધિકારીની સૂચનાથી દ્વારકાધીશના મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, સામાન્ય દિવસોમાં દ્વારકાધીશના જગત મંદિરમાં (Jagat Mandir) એક દિવસમાં 5 વખત ધજાને બદલવામાં આવે છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. અગાઉ તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારે દ્વારકા જગતમંદિરની ધડા અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.
દ્વારકાના ઓખામાં પશુઓમાં લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે જો કે બીજી તરફ તંત્ર નિંદ્રામાં હોય તેવો ઘાટ સર્જાયો છે. અહીંની એક ગૌશાળામાં 80 જેટલી ગાય છે, જેમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ 10થી 12 ગાય સંક્રમિત થઈ રહી છે. અહીંના પશુપ્રેમીઓનો આરોપ છે કે તેઓએ તંત્રને જાણ કરી છે જો કે, પશુઓના ડોક્ટર માત્ર 5થી 10 મિનિટ આવી જતા રહે છે. જેના પગલે તેમને ફરજિયાત ખાનગી ડોક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો ગૌશાળાની તમામ ગાય સંક્રમિત થશે અને મોતને ભેટશે. બીજી તરફ કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પણ આરોપ લગાવ્યો છે કે તંત્ર દાવો કરી રહ્યું છે કે 8-10 દિવસ પહેલાં ઓખમાં આરોગ્યની ટીમ મોકલવામાં આવી હતી. જો કે, આરોગ્યની ટીમ ત્યાં આવી જ નથી.
દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ હજી પણ ચાલુ ન થતાં પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ફેરી બોટ બંધ થતાં પ્રવાસીઓ દર્શનથી વંચિત રહ્યાં છે અને જલ્દી ફરી બોટ સર્વિસ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યાં છે. મહત્વનું છે કે દરિયા અને જેટી નજીક ભારે કરંટને કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. માત્ર જીવનજરૂરી વસ્તુઓ માટે જ બોટની અવરજવર માટે પરવાનગી અપાઈ છે, જેને લઈ પ્રવાસીઓ દર્શનથી વંચિત છે