Dang : સાપુતારા માલેગાંવ ખીણમાં 50 પ્રવાસીઓ ભરેલી બસ ખાબકી, બે મહિલાના મોત
સુરતના 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ સાપુતારા માલેગાંવ ખીણમાં ખાબકી હોવાની માહિતી માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીએ વોટ્સએપ વોઇસ મેસેજ મારફત આપી છે.
ગુજરાતના ડાંગ(Dang) જિલ્લાના પ્રવાસે આવેલ સુરતની ખાનગી બસ સાપુતારા(Saputara) ખીણમાં પડતા સંપર્ક તૂટયો છે. જેમાં સુરતના 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ સાપુતારા માલેગાંવ ખીણમાં ખાબકી હોવાની માહિતી માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીએ વોટ્સએપ વોઇસ મેસેજ મારફત આપી છે. તેમજ મંત્રી પૂર્ણેશ મોદીએ સાપુતારા નજીકના તમામ કાર્યકરોને મુસાફરોની મદદે પહોંચવા વોટ્સએપ વોઇસ સંદેશ મારફત વિનંતી કરી છે.જો કે અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી માટે સક્રિય થયું છે. તેમજ લોકોને બચાવીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાના બે મહિલાના મોત થયા છે. જેમના નામ 1) રેશ્માબેન પ્રતાપભાઈ વાઘેલા 2) સોનલબેન સ્નેહલ દાવડા છે.
સાપુતારા નજીક ખીણમાં ખાબકેલી બસના તમામ મુસાફરો સુરતના છે. સુરતના અડાજણ સ્થિત હનીપાર્ક રોડના તમામ મુસાફરો છે. સાપુતારા પ્રવાસ માટે બસ ઉપાડી હતી. જેમાં ઉધના વિસ્તારમાં આવેલ નિકુંજ ટ્રાવેલન્સની બસ હતી. તેમજ પાંચ જેટલી બસ એકસાથે સાપુતારાના પ્રવાસ અર્થે ગઈ હતી. જ્યારે પ્રવાસથી પરત ફરતી વેળાએ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા નજીકના સી.એચ.સી સામગહાન ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગંભીર ઈજાગ્રસ્તોને આહવા સિવિલમાં રીફર કરાયા છે. જેમાં ઘણી મહિલાઓને નાની મોટી ઇજા થઈ છે.
ઈજાગ્રસ્તોની યાદી
1 દિવ્યાની પી ગાંધી ઉં 42
2 લક્ષ્મી અજિત શર્મા ઉં 39
3 બીના હેમંત ધારિવાળા
4 ઉર્વશી અજિત શર્મા ઉં 11
5 હંસા સાડીજા સિંધી ઉં 39
6 અમિષા અંજીરવાળા ઉં 51
7 વંશી પ્રતીક વાઘેરા ઉં 20
8 અનિતા નિકુંજ કાપડિયા ઉં 40
9 રીના ભાવેશ ભાવસાર ઉં 40
10 કલ્પના ગીરીશભાઈ શાહ ઉં 65
11 નિરલ કેવીલ શાહ ઉં 45
12 દિવ્યા રમેશભાઈ ઉં 22
13, રૂપાલી ચિંતન ઉં 35
14 ઉષા હરેશ પટેલ ઉં 43
15 અંજલિ નીલી ઉં 38
16 અમિષા આશિષ આઈસ્ક્રીમ વાળા ઉં 40
17 સ્વાતિ દિનેશ ઉં 37
18 પ્રિયાંશી સુરેશ આર્ય ઉં
19 તનયા આકાશ દારવીઉં 3
20, ચેતના આકાશ ધારવી ઉં 25
આ બાબતે બસચાલક સુશીલ સાવલિયાએ જણાવ્યું હતું કે અચાનક તીવ્ર વળાંકમાં વરસતા વરસાદમાં બ્રેક ફેઇલ થતા કઈ સમજે તે પહેલા સંરક્ષણ દીવાલ કુદાવી બસ ખીણમાં ખાબકી હતી.
નવ જેટલા માર્ગો પાણી ઓસરતા ખુલ્લા કરી દેવામાં આવ્યા
ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગ માં છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, ત્યારે ડાંગમાં કુદરતી વનરાજી ખીલી છે. સાથે સાથે વરસાદને પગલે મુસીબતો પણ ઉભી થઈ છે. ગત રાત્રે પડેલા વરસાદને કારણે ડાંગમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને જિલ્લા પંચાયત હસ્તકના દસ માર્ગો ઉપર પાણી ફરી વળતા યાતાયાત માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યા હતા. જે પૈકીના નવ જેટલા માર્ગો પાણી ઓસરતા ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. રાત્રિનો શરૂ થયેલો વરસાદ બપોરે 2 વાગ્યા બાદ ધીમો પડ્યો હતો. જેને પગલે પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી. જિલ્લાના જે માર્ગો સવારે અસરગ્રસ્ત થયા હતા, જે પૈકી એક માત્ર નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડને બાદ કરતા બાકીના તમામ માર્ગો, કોઝ વે પુનઃ ખુલ્લા થતા અહીં જનજીવન ફરી રાબેતા મુજબ ધબકતું થયું છે.
કાળમીંઢ શિલાઓ, વૃક્ષો, માટી, તથા મલબો રોડ ઉપર ધસી પડ્યો
ડુંગરાળ અને ખડકાળ વિસ્તારમાં આવેલા ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ઘાટ માર્ગમાં ભેખડો સાથે કાળમીંઢ શિલાઓ, વૃક્ષો, માટી, તથા મલબો રોડ ઉપર ધસી પડ્યો હતો. જેને સતત એલર્ટ રહેલા તંત્રે ગણતરીના કલાકોમાં દૂર કરી, માર્ગો ખુલ્લા કર્યા હતા. ઠેર ઠેર સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરીને આવાગમન સુનિશ્ચિત કરાયો હતો. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આજે સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી પુરા થતા 10 કલાક દરમિયાન, ડાંગ જિલ્લામા સરેરાશ 48 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર પાછલા દસ કલાકમાં આહવા તાલુકામાં 48 મી.મી., વઘઈનો 65 મી.મી. સુબિર તાલુકાનો 47 મી.મી. અને સાપુતારા પંથકનો 32 મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ 48 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.