Dahod: POCSO Act અંગેની જાગૃતિ માટે જિલ્લા અદાલતમાં પ્રિન્સિપાલ જજે આપ્યું માર્ગદર્શન

જાતીય ગુના જેવા કે છેડતી કરવી, બાળકો સાથે શારીરિક અડપલાં કરવા, બાળકો પર બળાત્‍કાર ગુજારવો વગેરે સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 અને જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા નિયમો 2012 બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી જેવા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટે તા19/6/2012 થી અમલમાં આવ્‍યો છે.

Dahod: POCSO Act અંગેની જાગૃતિ માટે જિલ્લા અદાલતમાં પ્રિન્સિપાલ જજે આપ્યું માર્ગદર્શન
| Edited By: | Updated on: Mar 18, 2023 | 7:18 PM

દાહોદમાં જિલ્લા અદાલત ખાતે પોક્સો એક્ટની માહિતી આપતો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં પોક્સો એક્ટ અંગેની ટૂંકી ફિલ્મનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ કમલ સોજીત્રાએ પોક્સો એક્ટ અંગે માહિતી આપતા જિલ્લામાં પોક્સો એક્ટ બાબતે વ્યાપક જનજાગૃત્તિ માટેની નેમ વ્યક્ત કરી હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દર્શાવવામાં આવી ફિલ્મ

જિલ્લા અદાલત દાહોદ ખાતે પોક્સો એક્ટ અંગેની ટૂંકી ફિલ્મનું સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જિલ્લામાં પોક્સો એક્ટ અંગે લોકજાગૃતિ આવે એ માટે આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અને જિલ્લા પંચાયત દાહોદના સહયોગથી બનાવવામાં આવેલી આ ફિલ્મનું શીર્ષક’ તરૂણાવસ્થા અને પોક્સો’ કાયદો છે.

પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન કમલ સોજીત્રાએ આ વેળા વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં પોક્સો એક્ટ બાબતે વ્યાપક જનજાગૃત્તિ આવે એ માટેની નેમ વ્યક્ત કરી હતી. તેમણે દાહોદનાં સ્થાનિક કલાકારો દ્વારા કરવામાં આવેલા ફિલ્મના નિર્માણ અને અભિનય સહિતની બાબતોની પ્રશંસા કરી હતી. તેમજ યુનિસેફના સ્ટેટ કન્સલટન્ટ હેમાલી બેને પોક્સો એક્ટ વિશે ટૂકું વક્તવ્ય આપ્યું હતું.

પોક્સો અંગેની આ ફિલ્મ તરૂણાવસ્થામાં બાળકો સેક્સુઅલ એબયુસના ભોગ બનતા હોય છે તે બાબતે જાગૃતિ માટેની છે. તરૂણાવસ્થાના આકર્ષણમાં બાળકોથી થતી ભૂલોના કેટલાં ગંભીર પરિણામો આવે છે અને તેમના લગ્નજીવન સહિત માનસિક સ્થિતિ ઉપર તેની નકારાત્મક અસરો વિશે દર્શાવાયું છે. આ ફિલ્મમાં પોક્સો એક્ટ વિશે સમજ આપવામાં આવી છે. ફિલ્મનું ડિરેક્ટશન, રાઇટીંગ એ.જી. કુરેશી કર્યું છે. નિર્ભયા બિગ્રેડના વિદ્યાર્થીઓએ ફિલ્મમાં એક્ટીવ રોલ કર્યો છે.

પોક્સો એક્ટ અંગેના વિશેષ ફિલ્મ સ્ક્રિનિંગમાં જિલ્લા વિકાસ અધિકારી  નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી.સી. ચૌહાણ, એએસપી જગદીશ બાંગરવા, પ્રીન્સિપાલ સિનિયર સીવીલ જજ સુરતી બેન, ચીફ જયુ્ડિશ્યલ મેજીસ્ટ્રેટ તેમજ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટ, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરી એ.આર. ધોરી, પ્રમુખ, દાહોદ બાર એસોસિએશન, દાહોદની સાયન્સ, લો, આર્ટસ કોલેજના આચાર્ય સોજીત્રા બેન, એડવોકેટ ફિલ્મના કલાકાર એ.જી. કુરેશી અને મનીષભાઇ સહિતના કલાકારો, ફિલ્મમાં રોલ ભજવનારા નિર્ભયા બ્રિગેડનાં તમામ બાળકો, પેરાલીગલ વોલન્ટીયર્સ ઉપસ્થિત રહ્યાં હતા.

જાણો શું છે POCSO Act

જાતીય ગુના જેવા કે છેડતી કરવી, બાળકો સાથે શારીરિક અડપલાં કરવા, બાળકો પર બળાત્‍કાર ગુજારવો વગેરે સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 અને જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા નિયમો2012 બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી જેવા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટે તા19/6/2012 થી અમલમાં આવ્‍યો છે.

આ અધિનિયમ હેઠળ 0 થી 18 વર્ષના બાળકો કોઇ પણ પ્રકારના જાતિય ગુનાનો ભોગ બને ત્‍યારે આ અધિનિયમ હેઠળ આવતી કલમો લગાડવી ફરજિયાત બને છે. આ કાયદાને પોક્‍સો એક્‍ટ તરીકે ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. રાજ્‍ય સરકાર દ્વારા પોક્‍સો એક્‍ટ હેઠળ ચાલતા કેસો માટે જિલ્લામાં વિશિષ્‍ટ અદાલતની સ્‍થાપના કરવામાં આવી છે, જે જિલ્લામાં આ અદાલતો ન હોય ત્‍યાં આ એક્‍ટ હેઠળના કેસો ડિસ્‍ટ્રિકટ કોર્ટમાં ચલાવાવમાં આવે છે.

વિથ ઇનપુટ, પ્રિતેશ પંચાલ, ટીવી9, દાહોદ

Published On - 7:16 pm, Sat, 18 March 23