Chhotaudepur: સંખેડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, છાત્રાલયમાં પાણી ભરાતાં 33 વિદ્યાર્થીને અન્ય જગ્યાએ ખસેડાયાં
છોટાઉદેપુર જિલ્લામાં પહેલી વખત ચોમાસાની સિઝનનો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સંખેડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં પંથકની શેરીઓમાં વરસાદી પાણી ભરાયાં છે.
છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ (Rain) પડી રહ્યો છે. જિલ્લામાં પહેલી વખત ચોમાસાની સિઝનનો ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના પગલે ચાતક નજરે વરસાદની રાહ જોતા ખેડૂતો (Farmer) માં અનેરી ખુશી છે. જોકે શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાંતા મુશ્કેલી પડી રહી છે. સંખેડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં પંથકની શેરીઓમાં વરસાદી પાણી ભરાયાં છે. સંખેડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે રસ્તા પર પાણી ભરાયાં છે. સંખેડામાં ધોધમાર વરસાદને લીધે કુમાર છાત્રાલયમાં પાણી ભરાયાં છે. છાત્રાલયમાં પાણી ભરાઈ જતાં છાત્રાલયના 33 બાળકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયાં છે. આ બાળકો માટે ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંખેડામાં મોડી સાંજે સાડા ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સંખેડા તાલુકાના કંટેશ્વર ગામના વતની કનુભાઈ ધુડાભાઈ પરમાર અને પુનાભાઈ લલ્લુભાઇ તડવી ડાંગરની રોપણી રોપવા વઢવાણા ગામે આવ્યા હતા જ્યાં ડાંગરની રોપણી દરમિયાન વીજળી પડતા બંને મજૂરના મોત નીપજ્યાં હતાં.
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા ઉપરાંત નસવાડીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. નસવાડી ઉપરાંત કંડવા, કુકાવટી, સોડત, આકોના ગામમા પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સીઝનને પહેલો ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
આ સાથે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારો પીપલગ, ડુમરાલ, મિત્રાલ, કમળા, મરીડામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના વાવડ મળ્યા છે.