રાજ્યના 110 તાલુકાઓમાં વરસ્યો નોંધપાત્ર વરસાદ, છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ

આગામી પાંચ દિવસ ક્યાંક ભારે, તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ (Rain) વરસવાની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે.

રાજ્યના 110  તાલુકાઓમાં વરસ્યો નોંધપાત્ર વરસાદ, છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ
Rainforecast for gujarat
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Aug 05, 2022 | 9:41 AM

રાજ્યમાં ફરી વરસાદી (Monsoon 2022) માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.  તો બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી છે. આગામી પાંચ દિવસ ક્યાંક ભારે, તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ડાંગ, જુનાગઢમાં સારો એવો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીના જલાલપોરમાં 5 ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. બોટાદના ગઢડામાં 3.5 ઈંચ, ખેડાના કપડવંજ, જૂનાગઢ, સુરતના પલસાણામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 50 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 73 ઈંચ વરસાદ વરસ્યો છે.

જુનાગઢમાં ધોધમાર વરસાદ

આ તરફ જૂનાગઢ પંથકમાં ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ગિરનાર અને દાતાર પર્વત પર બે કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સારો એવો વરસાદ વરસતા જૂનાગઢ પાણી પાણી થયું છે. ગિરનાર પર્વત પરથી પડતા પાણીના ધોધથી અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ગિરનારની સીડીઓ પર વહેતા પાણીથી અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. હાલ ચોમાસાના કારણે પ્રકૃત્તિ ખીલી ઉઠી છે, ત્યારે વરસાદના કારણે રમણીય નજારો જોવા મળે છે.

સાપુતારાનું ખીલ્યુ સૌંદર્ય

બીજી તરફ રમણીય પ્રદેશ સાપુતારામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. સાપુતારામાં સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે સ્વાગત સર્કલ અને બોટિંગમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયું હતું. હાલ ચાલી રહેલા મેઘ મલ્હાર પર્વ વખતે જ વરસાદ પડતા ફરવા આવેલા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ, અમરેલીમાં વરસાદ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યુ છે. વરસાદ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો અમરેલીના બાબરા પંથકનાં ગામડાંઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બાબરાના દરેડ, ખાખરીયા, કીડી, કરિયાણા, ચમારડી, ચરખા સહિતનાં ગામડાંઓમાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી પાંચ દિવસ ક્યાંક ભારે, તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું તે સાઈક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે. પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર ઉપર છે. તેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આજે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. 7 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારે વરસાદ પડશે. જ્યારે 8 અને 9 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati