ગુજરાત (Gujarat)ની કચ્છ બોર્ડરે સરહદની રક્ષા કરતાં બીએસએફ(BSF)ને મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતથી 826 કિલોમીટરની ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી(infiltration)માં 2018 થી 2020 સુધીના છેલ્લા ત્રણ વર્ષોમાં લગભગ 75 ટકાનો ઘટાડો થયો છે.
બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના આઈજી જીએસ મલિકે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં 45 જેટલા પાકિસ્તાની નાગરિકોને ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવા બદલ બીએસએફ દ્વારા પકડવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે આવા પ્રયાસોની સંખ્યા 2018 માં 23 થી ઘટીને 2020 માં છ થઈ ગઈ છે. જ્યારે વર્ષ 2021 માં (ઓગસ્ટ સુધી), અત્યાર સુધી ત્રણ ઘુસણખોરો પકડાયા છે.
આઈજી મલિકે ઉમેર્યું કે, ગુજરાત સરહદ પાકિસ્તાન સાથેની 826 કિમી આંતરરાષ્ટ્રીય સરહદનું રક્ષણ કરે છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજસ્થાનના બાડમેર પાસે એકમાત્ર મુખ્ય ઘુસણખોરીનો પ્રયાસ હતો જ્યાં અમે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. અમે કચ્છ અને સિરક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોરીના પ્રયાસોને નિયંત્રિત કર્યા છે.
તેમણે કહ્યું, જે ઘુસણખોરો પકડાયા છે તે આંતરરાષ્ટ્રીય સરહદથી 150 મીટર દૂર સ્થિત અમારી સરહદની બીજી બાજુ છે. કેટલાક સ્થળોએ, કલ્વર્ટ દ્વારા ઘુસણખોરી પણ થાય છે. મલિકે કહ્યું કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સરહદના કેટલાક વિસ્તારોમાં કોમ્પ્રિહેન્સિવ ઈન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ (CIBMS)અમલમાં છે.
ગુજરાત સરહદ પર નવીનતમ ટેકનોલોજીના ઉપયોગનો ઉલ્લેખ કરતા આઇજી મલિકે જણાવ્યું કે ક્રીક વિસ્તારમાં અમારી પાસે પેટ્રોલિંગ માટે નવીનતમ બુલેટ પ્રૂફ બોટ છે. અમારી પાસે સરહદની રક્ષા માટે નાઇટ વિઝન ઉપકરણો સહિત નવીનતમ સાધનો છે.
આ ઉપરાંત ભારત પાકિસ્તાન 1971ના યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે ગુજરાત BSFદ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય વર્ષ નિમિતે દિલ્હીથી મશાલ પ્રજ્વલિત કરી હતી.આ સ્વર્ણિમ વિજય મશાલ ગાંધીનગર BSF હેડ ક્વાટર્સ પહોંચી હતી અને ગાંધીનગર BSF હેડ કવાટર્સના આઈજીએ મશાલ રિસીવ કરી હતી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર સીમા દર્શન પ્રોજેકટ અંગે બીએસએફના આઈજી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં ટૂંક સમયમાં સીમા દર્શન પ્રોજેકટ શરૂ થશે. નડાબેટ ગુજરાતની વાઘા બોર્ડર બનશે.
નડાબેટ બોર્ડર પર પાકિસ્તાનના સૈનિકો નહીં હોય પણ ભારતીય સૈનિકો દ્વારા પરેડ કરવામાં આવશે.નડાબેટ બોર્ડરથી લોકો સીમા દર્શન કરી શકશે.બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન મળશે.આ પ્રોજેકટ હેઠળ એડવેન્ચર એક્ટિવિટી અને પરેડ પણ ટૂંક સમયમાં શરૂ થશે.
આ પણ વાંચો : RBI એ નવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે કારણ
આ પણ વાંચો : ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, ટુંક સમયમાં અન્ય વર્ગો પણ શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Published On - 5:44 pm, Wed, 25 August 21