
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હોળીના પવિત્ર તહેવારને લઈને વતન પરત ફરતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશ જવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભારે ભીડ જામી હતી. આ ભીડને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોને કોઈ અગવડ ન પડે તે હેતુથી રેલવે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેલવે પોલીસ દ્વારા પણ સુરક્ષા અને સુવિધાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત શહેર મિની ભારત તરીકે જાણીતું છે, જ્યાં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો રોજગારી મેળવવા માટે પોતાના પરિવાર સાથે સ્થાયી થયા છે. જ્યારે હોળી જેવા મોટા તહેવારો આવે છે, ત્યારે આ લોકો પોતાના વતન અને પરિવાર સાથે ઉત્સવની ઉજવણી કરવા માટે પરત ફરે છે. આ કારણે દર વર્ષે ઉધના રેલવે સ્ટેશન ખાતે આ પ્રકારની ભારે ભીડ જોવા મળે છે.
વર્ષોથી અનુભવાતી આ સમસ્યાને લઈને મુસાફરોમાં અમુક અંશે રોષ પણ જોવા મળે છે. ભાગલપુર જેવા સ્થળોએ જવા માંગતા મુસાફરોએ જણાવ્યું કે તેમને ટિકિટ કન્ફર્મ કરાવવા માટે બે મહિના અગાઉથી પ્રયાસ કરવો પડે છે, તેમ છતાં ટ્રેનોમાં ભારે ભીડ રહે છે. મુસાફરોની મુખ્ય માંગ એ છે કે તહેવારોના સમયે વધારાની ટ્રેનો દોડાવવામાં આવે જેથી મુસાફરીમાં થતી અગવડતા ટાળી શકાય. કેટલાક મુસાફરો તો કલાકો સુધી પોતાના સામાન અને નાના બાળકો સાથે ટ્રેનની રાહ જોતા જોવા મળ્યા હતા.
આ વર્ષે, રેલવે વિભાગ અને રેલવે પોલીસ દ્વારા ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને અગવડ ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમ છતાં, ટિકિટ રિઝર્વેશન સેન્ટરો પર ટિકિટ ન મળવાને કારણે લોકો ભારે ભીડમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. હોળી ઉપરાંત બકરી ઈદ જેવા તહેવારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, જે સુરતમાંથી વતન જતા શ્રમિકો માટે એક વાર્ષિક પડકાર બની રહે છે. રેલવે તંત્ર અને પોલીસ દ્વારા સતત દેખરેખ રાખીને ભીડને નિયંત્રિત કરવા અને લોકોને સલામતી પૂરી પાડવા પ્રયાસો ચાલુ છે.
Input Credit : Baldev Suthar
લાખો મુસાફરોને અસર કરતો રેલવેનો આ નિર્ણય, 1 માર્ચથી રેલવેનો નવો નિયમ લાગુ આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો