
ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં આવેલ બાબકોટ ગામ નજીકના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ખાનગી કંપનીઓને માઇનિંગ પ્રવૃત્તિઓ માટે જમીન ફાળવવાની ચર્ચાએ વન્યજીવ સંરક્ષણ વર્તુળોમાં ગંભીર ચિંતા જગાવી છે. આ વિસ્તાર જે સિંહો માટે એક મહત્વપૂર્ણ કોરિડોર અને નિવાસસ્થાન તરીકે ઓળખાય છે, તે અંદાજે 40 થી 51 સિંહોનો વસવાટ છે. છેલ્લી સિંહ ગણતરી દરમિયાન આ વિસ્તારમાં 51 સિંહો નોંધાયા હતા, જ્યારે વન વિભાગે અગાઉ 40 સિંહોની હાજરી કબૂલી હતી.
પ્રાપ્ત અહેવાલો અનુસાર 75 હેક્ટર જેટલી રિઝર્વ ફોરેસ્ટ જમીન નર્મદા સિમેન્ટ કંપની અથવા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની જેવી ખાનગી ઉદ્યોગોને માઇનિંગ માટે આપવાની હિલચાલ ચાલી રહી છે. આ દરખાસ્ત સામે વન વિભાગમાં જ આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. અગાઉના ડિસ્ટ્રિક્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) સહિત અનેક અધિકારીઓએ માઇનિંગ માટે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જોકે, તાજેતરમાં ધારી ગીર પૂર્વ ડિવિઝનની ઓફિસમાંથી કેટલાક વન અધિકારીઓ દ્વારા આ દરખાસ્તને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યાની ચર્ચાએ સવાલો ઉભા કર્યા છે. આ બદલાયેલું વલણ શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે.
આ મુદ્દે વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, “કોઈપણ રિઝર્વ ફોરેસ્ટમાં આ પ્રકારની માઇનિંગની ક્યારેય મંજૂરી આપવામાં આવતી નથી અને અપાશે પણ નહીં. પેરવી છે પણ અત્યારે અમારી પાસે આ પ્રકારે હજી કોઈ પ્રકરણ આવ્યું નથી અને આવશે ત્યારે અમે આ પ્રકારની ફોરેસ્ટ વિસ્તારમાં જે માઇનિંગની મંજૂરી આપવાના પણ નથી.” તેમ છતાં, સ્થાનિક વન અધિકારીઓ દ્વારા ખાનગી કંપનીઓને જમીન આપવા અંગે સકારાત્મક વલણ દર્શાવાયું હોવાની ચર્ચાઓ રાજકીય રમત તરફ ઇશારો કરતી હોવાનું કેટલાક વર્તુળો માની રહ્યા છે.
બાબકોટ ગામના સ્થાનિકોએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે જો જમીન માઇનિંગ માટે અપાશે, તો સિંહોનો વસવાટ વિસ્તાર ઘટશે અને પરિણામે ગામ લોકો સાથે સિંહોનું ઘર્ષણ વધશે. ગામ લોકોએ ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે સિંહના વસવાટને સંકટ ઊભું થાય તેવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિને મંજૂરી ન આપવી જોઈએ. તેઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ વિસ્તારમાં સિંહો મોટા સમૂહમાં વસવાટ કરે છે અને જમીન કંપનીને સોંપાતા સિંહોની મુશ્કેલીઓ વધશે.
પર્યાવરણ અને સિંહ પ્રેમીઓમાં આ દરખાસ્તને લઈને ભારે નારાજગી વ્યાપી છે. તેઓએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે આવા સંવેદનશીલ વિસ્તારમાં ખાનગી કંપનીઓને જમીન આપવાની તૈયારી કયા અધિકારી દ્વારા થઈ રહી છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. સિંહ પ્રેમીઓનું માનવું છે કે જો આ 75 હેક્ટર જમીન માઇનિંગ માટે અપાઈ, તો સિંહો પાસે એક તરફ દરિયો હશે અને બીજી તરફ તેમનો કુદરતી વસવાટ છીનવાઈ જશે, જેના કારણે તેમની સલામતી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થશે.
ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો