Breaking News : અમદાવાદમાં મેટ્રો ટ્રેન હવે 15ને બદલે 12 મિનિટના અંતરે મળશે
મેટ્રો ટ્રેન 15ને બદલે 12 મિનિટના અંતરે દોડાવવાને કારણે, ટ્રીપની સંખ્યામાં 35 ટકાનો વધારો થશે.
અમદાવાદ શહેરમાં વેજલપુર એપીએમસીથી મોટેરા અને થલતેજથી વસ્ત્રાલ સુધી દોડતી મેટ્રો હવે 15ને બદલે 12 મિનિટના અંતરે મળશે. હાલમાં મેટ્રો સવારે 7થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલે છે. હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સંચાલિત મેટ્રો ટ્રેન, પિક અવર્સમાં 18 મિનિટ અને નોન પિક અવર્સ દરમિયાન 15 મિનિટના અંતરે ઉપલબ્ધ થાય છે. મેટ્રો ટ્રેન 15ને બદલે 12 મિનિટના અંતરે દોડાવવાને કારણે, ટ્રીપની સંખ્યામાં 35 ટકાનો વધારો થશે.
અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે, આઈપીએલની મેચ રમાવાની હોવાને ધ્યાને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, મેચના દિવસે રાત્રે 12-30 સુધી ચલાવવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને જે દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મેચ હોય તે દિવસે મોટેરાથી વેજલપુર એપીએમસી અને થલતેજથી વસ્ત્રાલ સુધી રાત્રે 12-30 સુધી મેટ્રો રેલ ચલાવવામાં આવી રહી છે. જો કે મેટ્રો ટ્રેનમાં મોટેરાથી બેસી શકાશે. અને હાઈકોર્ટ ખાતે મેટ્રો ટ્રેન બદલી શકાશે. અન્ય કોઈ સ્ટેશનેથી મેટ્રોમાં બેસી શકાશે નહી.
મેટ્રોની ફ્રિકવન્સીમાં વધારો થવાથી, મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાની ગણતરી છે. હાલમાં મેટ્રો ટ્રેના માટે સવારના સાતથી રાત્રીના 10 વાગ્યા સુધીનો સમય કરતા નોકરી કરતા મુસાફરોની સંખ્યામાં વિશેષ વધારો નોંઘાયો છે.
મેટ્રોના 21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન સાબરમતી નદી પરથી પસાર થાય છે અને શાહપુરથી કાંકરિયા પૂર્વ સુધી જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડે છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવે છે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલય તરફ જતાં 30 મિનિટનો સમય થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 થી 10 મિનિટમાં જ શાહપુરથી કાંકરિયા પહોંચી જવાય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…