
સુરતના APMC માર્કેટની બહાર બનેલી હપ્તાખોરીની ઘટનાએ માત્ર એક વિસ્તાર નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની કાયદો-વ્યવસ્થાની પોલ ખોલી મૂકી છે. દિવસના અજવાળામાં કેમેરા સામે “માલિયા ગેંગ” તરીકે ઓળખાતી ટોળકી શાકભાજી અને ફળોના નિર્દોષ ફેરિયાઓ પાસેથી દાદાગીરીપૂર્વક પૈસા વસૂલે છે ત્યારે પોલીસ તંત્ર ક્યાં છે?
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગેંગના સભ્યો હાથમાં દંડા લઈને ફેરિયાઓને ધમકાવે છે, અપશબ્દો બોલે છે અને જબરદસ્તી રૂપિયા પડાવે છે. આ કોઈ છુપાઈને કરાતો ગુનો નથી. આ તો ખુલ્લેઆમ જાહેરમાં ચાલતી લૂંટ છે. ત્યારે સવાલ ઊભો થાય છે શું સુરત શહેરમાં કાયદો માત્ર કાગળ પર જ છે?
સુરત જેવા વિકસિત શહેરમાં જ્યાં વિકાસ અને સુરક્ષાના દાવા રોજ કરવામાં આવે છે, ત્યાં APMC માર્કેટ જેવી વ્યસ્ત જગ્યાની બહાર આટલી નિર્ભય રીતે હપ્તાખોરી ચાલે અને પોલીસને ખબર ન હોય એ માનવું મુશ્કેલ છે કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવે છે?
ગુજરાત પોલીસ અને ગૃહ મંત્રાલય વારંવાર દાવો કરે છે કે રાજ્યમાં અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે. પરંતુ આ ઘટના એ દાવાઓને ખોખલા સાબિત કરે છે. જો લુખ્ખા તત્વો ધોળા દિવસે દંડા લઈને વેપારીઓને લૂંટી શકે, તો પછી સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાં છે? શું પોલીસ માત્ર VIP બંદોબસ્ત અને દેખાવ પૂરતી કામગીરીમાં વ્યસ્ત છે?
સૌથી ચિંતાજનક વાત એ છે કે નાના ફેરિયાઓ ફરિયાદ નોંધાવતા ડરે છે. કેમ? કારણ કે તેમને વિશ્વાસ નથી કે પોલીસ તેમને સુરક્ષા આપશે. તેઓ ડરે છે કે ફરિયાદ બાદ તેમની રોજી-રોટી જ બંધ થઈ જશે. શું આ ડર નિરાધાર છે? કે પછી વર્ષોથી ચાલતી “છત્રછાયા”ની ચર્ચાઓમાં કોઈ સત્ય છુપાયેલું છે?
જો પોલીસ તંત્ર ખરેખર ઇચ્છે, તો વાયરલ વીડિયોના આધારે તરત જ આરોપીઓને ઓળખી ધરપકડ કરી અને કડક કાર્યવાહી કરી શકે. પરંતુ વારંવાર જોવામાં આવે છે કે મીડિયા દબાણ આવે ત્યારે જ કાર્યવાહી થાય છે. સવાલ એ છે શું પોલીસને ગુનો દેખાય તે માટે પહેલા વીડિયો વાયરલ થવો જરૂરી છે?
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં મારામારી, ચાકુબાજી અને નાની બાબતોમાં હત્યા સુધીની ઘટનાઓ વધી રહી છે. આ બધું કાયદો-વ્યવસ્થાની ઢીલાશ દર્શાવે છે. જો શરૂઆતથી જ અસામાજિક તત્વો સામે કડક અને સતત કાર્યવાહી થતી, તો “માલિયા ગેંગ” જેવી ટોળકીઓ હિંમત જ ન કરે.
આ ઘટના માત્ર હપ્તાખોરીનો કિસ્સો નથી આ પોલીસ તંત્રની જવાબદારી અને વિશ્વસનીયતાની કસોટી છે. હવે જો પોલીસ નિષ્પક્ષ અને ત્વરિત કાર્યવાહી નહીં કરે તો લોકોનો વિશ્વાસ વધુ તૂટશે. ફેરિયાઓને ભયમુક્ત વાતાવરણમાં વ્યવસાય કરવાનો અધિકાર છે અને તે સુનિશ્ચિત કરવું પોલીસની ફરજ છે, ઉપકાર નહીં.
Input credit : Baldev Suthar
ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Published On - 11:05 am, Fri, 13 February 26